Pakistan : TV શો દરમિયાન ઈમરાનખાનની નજીકના મહિલા નેતાએ, સાંસદને માર્યો લાફો, જુઓ વિડીયો
ઈમરાનખાનની નજીકના મહિલા નેતાએ, પાકિસ્તાનના સાંસદને માર્યો લાફો

Pakistan : TV શો દરમિયાન ઈમરાનખાનની નજીકના મહિલા નેતાએ, સાંસદને માર્યો લાફો, જુઓ વિડીયો

| Updated on: Jun 10, 2021 | 9:25 AM

પાકિસ્તાનના સાંસદને થપ્પડ મારવાનો વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે બંને નેતાઓ એકબીજા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન ઘણીવાર તેમના નિવેદન અને ટીકાકારો લીધે સતત વિવાદોમાં ફસાયેલા હોય છે. ઈમરાનખાનના રાજકીય પક્ષના નેતાઓ પણ, ઈમરાનખાનની માફક જ વિવાદોમાં ફસાયેલા છે. ઇમરાન ખાનની નિકટના મનાતા મહિલા નેતા ડોક્ટર ફિરદોસ આશિક અવાને (Dr Firdous Ashiq Awan) પણ આવું જ કંઈક કર્યું છે, જેના કારણે તે ફસાઈ ગઈ છે. ખરેખર, ફરીદોસ આશીક અવાને એક ટીવી શોના રેકોર્ડિંગ દરમિયાન પાકિસ્તાની સાંસદને થપ્પડ મારી દીધી હતી. એવું કહેવામાં આવ્યું છે કે થપ્પડ ખાનાર સાંસદ, બિલાવલ ભુટ્ટોની પાર્ટી (PPP)ના કાદિર માંડોખેલ (Qadir Mandokhel) હતા.

સાંસદને થપ્પડ મારવાનો વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે બંને નેતાઓ એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપ પ્રતિઆરોપ લગાવી રહ્યા છે. આ સમયે અવાન ગુસ્સે થઈ ગઈ અને સાંસદને થપ્પડ મારી દીધી. પાકિસ્તાનની ખાનગી ટીવી ચેનલમાં પ્રસારીત થતા ટોક શો ‘કલ તક’ દરમિયાન આ ઘટના બની છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે આશિક અવાન પોતાનો કાબુ ગુમાવે છે અને કાદિર માંડોખેલ સાથે ઉગ્ર દલીલ શરૂ કરે છે. આ પછી, તે સાંસદ સાથે દુર્વ્યવહાર કરે છે અને તેનો કોલર પણ પકડે છે. તે જ સમયે, આ ઝઘડા દરમિયાન થપ્પડ મારી દીધા હતા.

ફિરદોસ આશિક અવાનને કહ્યું કેમ તેણે થપ્પડ મારી?
તે જ સમયે, આ ઘટના પછી, ફિરદોસ આશીક અવાને, સમગ્ર ઘટના અંગે નિવેદન સ્વરૂપે સ્પષ્ટતા રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે પીપીપી સાંસદ કાદિર માંડોખેલે તેમને અને તેના પિતાને અપશબ્દો બોલીને ધમકી આપી હતી. આ જ કારણ હતું કે મેં સાંસદને આત્મરક્ષણમાં થપ્પડ મારી હતી. અવાને કહ્યું કે તે કાદિર માંડોખેલ વિરુદ્ધ માનસિક ત્રાસ આપવાનો કેસ પણ નોંધાવશે.

અવાનને એક ખાનગી ટીવી ચેનલ દ્વારા આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો રજૂ કરવાની માંગ કરી હતી. તે કહે છે કે આખો વીડિયો જોયા પછી દુનિયાને ખબર પડી જશે કે તેણે કાદિર માંડોખેલને શા માટે થપ્પડ મારી હતી. તેમણે કહ્યું હતું કે શો દરમિયાન મારી રાજકીય વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠા દાવ પર હતી.

ફિરદોસ અવાન વિવાદો સર્જવામાં માહેર છે
ફિરદોસ આશીક અવાન પીએમ ઇમરાન ખાનના વિશેષ સહાયક પદે છે. હાલમાં તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રીના વિશેષ સહાયક છે. ફિરદોસ અવાન તેના આક્રમક વર્તન માટે જાણીતા છે. પરંતુ આને કારણે સર્જાતા વિવાદને લઈને તે ઘણી વખત મુશ્કેલીમાં પડી ગઈ છે. આ અગાઉ તે સિયાલકોટમાં આસિસ્ટન્ટ કમિશનરને ફટકાર્યા હતા.

Published on: Jun 10, 2021 09:16 AM