ભારતમાં હાલમાં 26મી જાન્યુઆરીના રોજ દેશનો 74મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો હતો. રાજપથમાંથી કર્તવ્ય પથ બનેલા દિલ્હીના ગૌરવશાળી પથ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સહિત અનેક રાજ્યોની ઝાંખી કર્તવ્ય પથ પરથી નીકળી હતી. આકાશમાં પણ વાયુ સૈનાના યુદ્ધ વિમાનો એ ભારતનું શૌય અને શકિત આખી દુનિયાને બતાવ્યું હતું. આ બધા વચ્ચે વિદેશની ધરતી પર પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
દુનિયાનો ભાગ્યે જ કોઈ એવો દેશ હશે જ્યાં ભારતીયો નહીં પહોંચ્યા હોય. અમેરિકા, કેનેડા, બ્રિટન સહિત અનેક દેશોમાં આજે ભારતીય વસી ગયા છે. કોઈ ધંધા રોજગાર માટે કોઈ ઉચ્ચ અભ્યાસ માટે તો કોઈ ઉજ્જવળ ભવિષ્ય માટે વિદેશની ધરતી પર વસી ગયા છે. આવા લોકો પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને દેશને ગૌરવ પણ અપાવી રહ્યા છે.
વિદેશમાં રહેલા ભારતીયો ભલે આપણા દેશની હજારો કિલોમીટર દૂર હોય પણ તેઓ ભારતની સંસ્કૃતિ અને પરંપરાને ભૂલ્યા નથી. ભારતના ઉજવાતા દરેક તહેવારો વિદેશમાં પણ ભારતીય સમુદાયના લોકો સાથે મળીને ઉજવતા હોય છે. અમેરિકા સહિત અનેક દેશોમાં ભારતીયોએ દિવાળીની પણ ઉજવણી કરી હતી. હાલમાં ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી પણ વિદેશની ધરતી પર થઈ હતી.
લોસ એન્જલસના ઈન્ડિયા એસોસિએશનના એક્ઝિક્યુટિવ વી.પી. કનકસિંહ ઝાલા, જે.ટી. સેક્રેટરી રામ બાલી, વીપી પબ્લિસિટી રમેશ બ્રહ્મરુથુ, વીપી કલ્ચરલ ફાલ્ગુનીબા ઝાલા, વીપી પીઆર હેમા ચોપરા, વીપી યુથ હેઝલ શાહ, એક્ઝિક. સભ્યો ધારા પટેલ, મનીષા મકવાણા, પ્રેમ સીમ, ડો. કલ્પેશ પટેલ, મોહિન્દર કૌર અને પ્રોમિલા સાહની એ પ્રજાસત્તાક દિવસની સફળતા પૂર્વક ઉજવણી કરી હતી.
લોસ એન્જલસના ઈન્ડિયા એસોસિએશનના આ કાર્યક્રમમાં જાપાનના કોન્સલ જનરલ નાઓશિગે ઓશિમા, અમેરિકન જ્યુઈશ કમિટીના ડાયરેક્ટર રિક હિર્સચાઉટ, LAUSDના બોર્ડ મેમ્બર સ્કોટ શ્મેરેલસન, સ્કોટ અબ્રામ્સ, કોંગ્રેસમેન બ્રાડ શેરમેનના ચીફ ઓફ સ્ટાફ અને એસેમ્બલી મેમ્બર જેસી ગેબ્રિયલ્સની ઓફિસમાંથી જોનનો જેવા અધિકારીઓ હાજર રહ્યા હતા. જાપાનના ઓશિમા 1993 માં જાપાનના વિદેશ મંત્રાલયમાં જોડાયા હતા અને તેમણે ભારતમાં 3 કાર્ય કર્યું છે.
ભારતનો પ્રજાસત્તાક દિવસ દર વર્ષે 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે, જ્યારે 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. બંધારણ સભાના કુલ 284 સભ્યોએ બંધારણ પર હસ્તાક્ષર કર્યા હતા. બંધારણના હસ્તાક્ષર કરનાર પૈકીના એક મહાનુભવના પૌત્ર પ્રણવ દેસાઈ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
આ વર્ષે પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં પરેડમાં બટાલિયનનું નેતૃત્વ મહિલા અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેના દ્વારા ભારતે મહિલા સશક્તિકરણનો સંદેશા આખી દુનિયાને આપ્યો હતો. લોસ એન્જલસના ઈન્ડિયા એસોસિએશનમાં પણ પુરુષો કરતા મહિલા સભ્યોની સંખ્યા વધારે છે. આ એસોસિએશન પણ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતું રહ્યું છે.
કાર્યક્રમ દરમિયાન વિદેશી મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે આ કાર્યક્રમમાં સ્પીચ આપીને ભારતના ગુણગાણ ગાયા હતા. કાર્યક્રમમાં કેક કટિંગ, સંગીત ડાન્સ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
Published On - 7:03 pm, Sat, 4 February 23