Breaking News: માલદીવના ઇતિહાસની સૌથી ‘મોટી દુર્ઘટના’! દરિયાની 50 મીટર ઊંડી ગુફામાં સંશોધન કરવા ગયેલા 5 ડાઇવર્સના મોત

માલદીવના સમુદ્રમાં એક અત્યંત દુઃખદ અને મોટી દુર્ઘટના સામે આવી છે. અહીંના વાવુ એટોલમાં સમુદ્રની નીચે આવેલી અંડરવોટર ગુફાઓમાં સંશોધન કરવા ગયેલા ઇટાલીના પાંચ ડાઇવર્સ (ગોતાખોરો) ના કરુણ મોત થયા છે.

Breaking News: માલદીવના ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના! દરિયાની 50 મીટર ઊંડી ગુફામાં સંશોધન કરવા ગયેલા 5 ડાઇવર્સના મોત
| Updated on: May 16, 2026 | 5:58 PM

માલદીવના વાવુ એટોલમાં સમુદ્રની નીચે આવેલી ગુફાઓની શોધ દરમિયાન ઇટાલીના પાંચ ડાઇવર્સ (ગોતાખોરો) ના મોત થયા છે. સ્થાનિક સત્તાવાળાઓએ આને માલદીવના ઇતિહાસની સૌથી મોટી ડાઇવિંગ દુર્ઘટના ગણાવી છે. તમામ ડાઇવર્સ આશરે 50 મીટરની ઊંડાઈએ આવેલી અંડરવોટર ગુફાઓની તપાસ માટે ગયા હતા પરંતુ પાછા ફરી શક્યા નહોતા.

અત્યાર સુધી માત્ર એક જ મૃતદેહ મળી આવ્યો છે. ખરાબ હવામાન અને સમુદ્રની કઠિન પરિસ્થિતિઓને કારણે બચાવ અભિયાનમાં મુશ્કેલી આવી રહી છે. સત્તાવાળાઓનું માનવું છે કે, બાકીના ચાર ડાઇવર્સના મૃતદેહ હજી પણ ગુફાની અંદર હોઈ શકે છે. સર્ચ ઓપરેશન શનિવારે ફરી શરૂ કરવામાં આવશે.

માલદીવ સરકારે મૃતકોની ઓળખ મોનિકા મોન્ટેફાલ્કોન, જ્યોર્જિયા સોમાકાલ, ફેડેરિકો ગુઆલ્તિયેરી, મ્યુરિયલ ઓડેનિનો અને જિયાનલુકા બેનેડેટ્ટી તરીકે કરી છે. આ ટીમ ‘ડ્યુક ઓફ યોર્ક’ નામની બોટ દ્વારા સમુદ્રમાં ગઈ હતી.

યુનિવર્સિટી ઓફ જેનોવા સાથે જોડાયેલા હતા ડાઇવર્સ

અહેવાલો અનુસાર, પાંચમાંથી ઓછામાં ઓછા ચાર ડાઇવર્સ ઇટાલીની યુનિવર્સિટી ઓફ જેનોવા સાથે સંકળાયેલા હતા. જિયાનલુકા બેનેડેટ્ટી બોટ ઓપરેશન્સ મેનેજર હતા અને અત્યાર સુધી માત્ર તેમનો જ મૃતદેહ મળી શક્યો છે. મોનિકા મોન્ટેફાલ્કોન મરીન બાયોલોજિસ્ટ હતા. તેઓ યુનિવર્સિટી ઓફ જેનોવા ખાતે ટ્રોપિકલ મરીન ઇકોલોજી અને અંડરવોટર સાયન્સના પ્રોફેસર હતા. મોનિકા માલદીવમાં ચાલી રહેલા એક આઇલેન્ડ મોનિટરિંગ અભિયાનના વૈજ્ઞાનિક નિર્દેશક પણ હતા.

તેમની પુત્રી જ્યોર્જિયા સોમાકાલને પણ સમુદ્ર અને ડાઇવિંગમાં ખૂબ રસ હતો. તેમણે બાયોમેડિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો, જ્યારે 31 વર્ષીય મ્યુરિયલ ઓડેનિનો મરીન બાયોલોજિસ્ટ અને ઇકોલોજિસ્ટ હતા. ફેડેરિકો ગુઆલ્તિયેરીએ તાજેતરમાં જ મરીન બાયોલોજી અને ઇકોલોજીમાં પોતાની ડિગ્રી પૂરી કરી હતી અને તેઓ પ્રમાણિત સ્કૂબા ડાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર પણ હતા.

ખરાબ હવામાનથી રેસ્ક્યૂ ઓપરેશન પ્રભાવિત થયું

બચાવ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેનેડેટ્ટીનો મૃતદેહ અંડરવોટર ગુફાના પ્રવેશદ્વાર નજીકથી મળ્યો હતો. બાકીના ડાઇવર્સ અંદર ફસાયા હોવાની આશંકા છે. આ ટીમ જે ગુફામાં ગઈ હતી, તેમાં ત્રણ મોટા ચેમ્બર્સ (ખંડો) છે, જે સાંકડા રસ્તાઓથી એકબીજા સાથે જોડાયેલા છે.

રેસ્ક્યૂ ટીમ અત્યાર સુધીમાં બે ચેમ્બર્સની તલાશી લઈ ચૂકી છે. જો કે, ડાઇવિંગની સુરક્ષિત સમયમર્યાદા અને ખરાબ હવામાનને કારણે અભિયાન મર્યાદિત રાખવું પડ્યું હતું. શુક્રવારે આઠ ડાઇવર્સે સર્ચ ઓપરેશનમાં ભાગ લીધો હતો પરંતુ હવામાન બગડ્યા બાદ મિશન રોકવું પડ્યું હતું. આ દરમિયાન ઇટાલી સરકારે જણાવ્યું છે કે, તેઓ ‘ડાઇવર્સ એલર્ટ નેટવર્ક’ નામની નિષ્ણાત સંસ્થા સાથે મળીને મૃતદેહોને પરત લાવવાની પ્રક્રિયા પર કામ કરી રહ્યા છે.

મોતનું કારણ શોધવા તપાસ શરૂ

ડાઇવર્સના મોતના અસલી કારણ વિશે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. તપાસ એજન્સીઓ વિવિધ પાસાઓ પર કામ કરી રહી છે. માલદીવ પોલીસ એ તપાસ કરી રહી છે કે, શું ખરાબ હવામાનને કારણે પાણીની અંદર વિઝિબિલિટી (દ્રશ્યતા) ખૂબ ઓછી થઈ ગઈ હતી? દુર્ઘટના સમયે 25 થી 30 માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો.

ઇટાલીના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓછી વિઝિબિલિટીના કારણે ડાઇવર્સ ગુફાની અંદર રસ્તો ભટકી ગયા હોઈ શકે છે. મોનિકા મોન્ટેફાલ્કોનના પતિ કાર્લો સોમાકાલે જણાવ્યું હતું કે, ડાઇવિંગ દરમિયાન કોઈ અણધારી ઘટના બની હશે. તેમણે ઉમેર્યું કે, તેમની પત્ની ખૂબ જ અનુભવી ડાઇવર હતા અને તેઓ ક્યારેય પોતાની પુત્રી કે ટીમને જોખમમાં મૂકે નહીં.

તપાસકર્તાઓ એ શક્યતા પર પણ કામ કરી રહ્યા છે કે, કોઈ એક ડાઇવર ગુફામાં ફસાઈ ગયો હોય અને બાકીના સાથીઓ તેને બચાવવાના પ્રયાસમાં ઓક્સિજન ખતમ થવાને કારણે અથવા ગભરામણનો શિકાર બન્યા હોય. કેટલાક નિષ્ણાતો ઓક્સિજન ટોક્સિસિટી (Oxygen Toxicity) ની આશંકા પણ વ્યક્ત કરી રહ્યા છે, જેમાં પાણીના ભારે દબાણને કારણે ઓક્સિજન ઝેરી સાબિત થઈ શકે છે.

Breaking News: અમીર ઘરના વિદ્યાર્થીઓ માટે ગોઠવાયો હતો ‘આખો ખેલ’, NEET પેપર લીક કેસમાં વધુ એક ‘મોટી ધરપકડ’

Published On - 5:58 pm, Sat, 16 May 26

Follow Us
Loading...
Unable to load recommendations.