London : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની (War) અસર બીજા દેશોમાં પણ જોવા મળી રહી છે. સમગ્ર વિશ્વમાં લોકો ઈઝરાયેલ અને હમાસના સમર્થનમાં પ્રદર્શન કરી રહ્યા છે. કેટલીક જગ્યાએ એવું પણ બને છે કે બંને પક્ષના વિરોધીઓ સામસામે આવી જાય છે. અને તેમની વચ્ચે અથડામણ થાય છે.
આવી જ એક ઘટના 9 ઓક્ટોબરના રોજ લંડનના રસ્તાઓ પર જોવા મળી હતી. લંડનના હાઈ સ્ટ્રીટ કેન્સિંગ્ટન સ્ટેશન પર પેલેસ્ટાઈન અને ઈઝરાયેલના સમર્થકો એકબીજા સામે આવી ગયા હતા.
મીડિયા અહેવાલ મુજબ, પેલેસ્ટાઈનના સમર્થકો સોમવારે સાંજે લંડનમાં ઈઝરાયેલી દૂતાવાસની સામે એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓ હાથમાં ધ્વજ અને મસાલ સાથે લેમ્પ પોસ્ટ પર ચડતા જોવા મળ્યા હતા. પ્રદર્શનકારીઓએ ધાર્મિક નારા લગાવ્યા અને ઈઝરાયેલને આતંકવાદી દેશ ગણાવ્યો.
#WATCH | London, UK: Clashes erupted yesterday between pro-Israel and pro-Palestine supporters at High Street Kensington Underground Station amid the ongoing Israel-Palestine conflict. pic.twitter.com/CTKlAmJA3w
— ANI (@ANI) October 10, 2023
આ દરમિયાન કેટલાક લોકોએ ઈઝરાયેલ એમ્બેસીની ઈમારતની સામે ફટાકડા પણ ફોડ્યા હતા. આ દરમિયાન ઈઝરાયેલના સમર્થકો પણ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જેના કારણે હાઈ સ્ટ્રીટ કેન્સિંગ્ટન સ્ટેશન પર પેલેસ્ટાઈન અને ઈઝરાયેલના સમર્થકો વચ્ચે અથડામણ થઈ.
ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સમર્થકો વચ્ચે તણાવના સમાચાર મળતા જ લંડન પોલીસના અધિકારીઓને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા. મામલો વધુ વણશે તે પહેલા પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને બંને પક્ષના સમર્થકોને હટાવ્યા હતા. આ દરમિયાનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે.
આ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે હમાસને લઈને મોટું નિવેદન આપ્યું છે. બ્રિટિશ પીએમ ઋષિ સુનાકે કહ્યું છે કે હમાસના લોકો ન તો ઉગ્રવાદી છે કે ન તો સ્વતંત્રતા સેનાની, તેઓ માત્ર આતંકવાદી છે. બ્રિટિશ જનતાને સંબોધતા પીએમ સુનાકે કહ્યું કે ‘હું ઇઝરાયેલના સમર્થનમાં ઊભો છું. બ્રિટનના વડા પ્રધાન તરીકે, હું સ્પષ્ટપણે કહું છું કે હમાસને સમર્થન કરનારાઓ આ ભયાનક હુમલા માટે સંપૂર્ણપણે જવાબદાર છે.