
ભારતે તેની કસ્ટડીમાં રાખવામાં આવેલા 386 નાગરિક કેદીઓ અને 53 પાકિસ્તાની માછીમારોની (Pakistani fishermen) યાદી પાકિસ્તાનને સોંપી. દરમિયાન, પાકિસ્તાને તેની કસ્ટડીમાં રાખવામાં આવેલા ૫૨ ભારતીય નાગરિક કેદીઓ (Indian civilian prisoners) અને 198 ભારતીય માછીમારોની (Indian fishermen) યાદી ભારત સાથે શેર કરી.
ભારત અને પાકિસ્તાને તેમના રાજદ્વારી માધ્યમો દ્વારા એકબીજાની કસ્ટડીમાં રાખવામાં આવેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીનું ગઈકાલ બુધવારને 1 જુલાઈના રોજ આદાન-પ્રદાન કર્યું. જો કે આ પ્રક્રિયા દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ બંને દેશો વચ્ચે 2008ના કોન્સ્યુલર એક્સેસ કરાર હેઠળ અનુસરવામાં આવે છે.
ભારતે તેની કસ્ટડીમાં રાખવામાં આવેલા 386 નાગરિક કેદીઓ અને 53 પાકિસ્તાની માછીમારોની યાદી પાકિસ્તાનને સોંપી દીધી છે. દરમિયાન, પાકિસ્તાને તેની કસ્ટડીમાં રાખવામાં આવેલા ૫૨ ભારતીય નાગરિક કેદીઓ અને 198 ભારતીય માછીમારોની યાદી ભારત સાથે શેર કરી. આ પ્રસંગે, ભારતે 188 ભારતીય માછીમારો અને નાગરિક કેદીઓને વહેલા મુક્ત કરવા અને સ્વદેશ પરત મોકલવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો.
ભારતનું કહેવું છે કે, આ વ્યક્તિઓએ તેમની સજા પૂર્ણ કરી છે. પરંતુ હજુ સુધી જેલ મુક્ત કરવામાં આવ્યા નથી. ભારતે 13 ભારતીય કેદીઓ માટે તાત્કાલિક કોન્સ્યુલર એક્સેસની પણ માંગણી કરી છે, જેમને હજુ સુધી આ સુવિધા આપવામાં આવી નથી. સરકારે પાકિસ્તાનને વિનંતી કરી છે કે, તેઓ તમામ ભારતીય કેદીઓ અને માછીમારોની મુક્તિ સુધી સલામતી, સંભાળ અને સુખાકારી સુનિશ્ચિત કરે.
વધુમાં, ગુમ થયેલા ભારતીય સંરક્ષણ કર્મચારીઓનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, અને તેમના વહેલા પાછા ફરવાની માંગણી ફરીથી કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત સરકારના સતત પ્રયાસોને કારણે, 2014 થી 2661 ભારતીય માછીમારો અને 78 ભારતીય નાગરિક કેદીઓ પાકિસ્તાનથી સ્વદેશ પરત ફર્યા છે. આમાં 2023 થી 500 ભારતીય માછીમારો અને 20 ભારતીય નાગરિક કેદીઓની મુક્તિનો સમાવેશ થાય છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે કેદીઓની યાદીનું આદાનપ્રદાન એવા સમયે થયું છે, જ્યારે સિંધુ જળ સંધિ અંગે બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે. પહેલગામના બૈસરન ઘાટી ખાતે પાકિસ્તાનના મુસ્લિમ આતંકીઓએ હિન્દુ પ્રવાસીઓ પર કરેલા જીવલેણ હુમલા બાદ, ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી. એટલુ જ નહીં, ભારતે ત્વરીત એર સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનમાં આંતકવાદીઓને જન્મ આપતી ફેકટરી સ્વરૂપ મદરેસાઓ અને સૈન્ય અડ્ડાઓને તબાહ કરી નાખ્યા હતા. જો કે, સિંધુ જળ સંધિ માટે પાકિસ્તાન હવાતિયા મારી રહ્યું છે, પરંતુ નવી દિલ્હી સિંધુના પાણીના પ્રવાહને પ્રતિબંધિત કરવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે. દરમિયાન, પાકિસ્તાને આ મુદ્દે યુદ્ધ કરવા, રણમેદાને ઉતરવા સુધીના અનેક ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા છે. જોકે, ભારત આતંકવાદના મુદ્દા પર અડગ છે. અને સિંઘુ જળ સંધિના મુદ્દે ટસનું મસ નથી થઈ રહ્યું.