અફઘાનિસ્તાન (Afghanistan) 24 કલાકમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટથી (Bomb Blasts) હચમચી ગયું છે. અફઘાનિસ્તાનના કુન્દુઝ પ્રાંતની મસ્જિદમાં મોટો બોમ્બ વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે કાબુલ, મઝાર શરીફ અને કુન્દુઝમાં પણ બ્લાસ્ટ થયા હતા. પહેલો વિસ્ફોટ મઝાર શરીફમાં શિયા મસ્જિદની અંદર થયો હતો. મઝાર-એ શરીફ ખાતે થયેલા વિસ્ફોટમાં 30 લોકોના મોત થયા હતા જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા હતા. મઝાર-એ શરીફની મસ્જિદમાં થયેલા વિસ્ફોટની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી છે.
ટોલો ન્યૂઝના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનના કુન્દુઝ પ્રાંતની મવલી સિકંદર મસ્જિદમાં આજે બપોરે એક વિસ્ફોટ થયો છે. માહિતી આપતા કુન્દુઝના ઈમામ સાહેબે જણાવ્યું કે આ ઘટનામાં 30 થી વધુ લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પીડિતોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
Hafiz Omar, police chief of Imam Sahib, Kunduz, said that this afternoon a blast took place at the Mawlawi Sekandar Mosque. Security sources & eyewitnesses said more than 30 people killed & injured. As per witnesses, victims were taken to district hospital: Afghanistan's TOLOnews
— ANI (@ANI) April 22, 2022
આવી જ રીતે અફઘાનિસ્તાનમાં ગુરુવારે શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા, જેમાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટોની જવાબદારી તાત્કાલિક કોઈ સંગઠને લીધી નથી. જોકે, અત્યાર સુધી થયેલા મોટાભાગના વિસ્ફોટો લઘુમતી શિયા મુસ્લિમ સમુદાયને નિશાન બનાવીને કરવામાં આવ્યા છે. વિસ્ફોટને અંજામ આપવાની પદ્ધતિ ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઇન ખોરાસન પ્રાંત (IS-K) જેવી જ છે.
ઉત્તર મઝાર-એ-શરીફની મુખ્ય હોસ્પિટલના ડૉ. ગૌસુદ્દીન અનવારીએ જણાવ્યું કે ઉત્તર મઝાર-એ-શરીફમાં ત્રણ હુમલાઓ થયા, જેમાં 30 નમાઝીઓ માર્યા ગયા, જ્યારે 40 અન્ય ઘાયલ થયા, જેમને હોસ્પિટલ લઇ જવાયા હતા. રમઝાનના પવિત્ર મહિના દરમિયાન ઉત્તરી મઝાર-એ-શરીફ સ્થિત સાઈ દોકન મસ્જિદમાં નમાજ દરમિયાન વિસ્ફોટ થયો હતો.
ગુરુવારે સવારે રાજધાની કાબુલમાં રોડ કિનારે થયેલા વિસ્ફોટમાં બે બાળકો ઘાયલ થયા હતા. તે બોમ્બ દ્વારા દેશના લઘુમતી શિયા સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો હતો. વિસ્ફોટની આ ઘટના કાબુલના દશ્ત-એ-બરચી વિસ્તારમાં બની હતી. બે દિવસ પહેલા આ જ વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવતા અનેક વિસ્ફોટોમાં ઓછામાં ઓછા છ બાળકો માર્યા ગયા હતા અને 17 અન્ય ઘાયલ થયા હતા.