જો બાઈડેન અમેરિકી રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવાના છે. 20 જાન્યુઆરી, 2025ના રોજ, તેઓ સંપૂર્ણપણે ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા સોંપશે. જતા પહેલા જો બાઈડેને તેમના પુત્રએ કરેલા ગુનાઓ માટે માફી આપી દીધી છે. તેમની માફીની પણ ઘણી ટીકા થઈ રહી છે.
આશ્ચર્યજનક વાત એ છે કે હન્ટર બાઈડેનના પિતાએ રાષ્ટ્રપતિ તરીકે તેને આ ગુનાઓ માટે માફી આપી દીધી છે, જો કે, હન્ટર સામેના આ આરોપો તેની પોતાની ભાભી અને બાદમાં ગર્લફ્રેન્ડ બનેલી હેલી ઓલિવરની જુબાની બાદ જ સાબિત થયા હતા. તેનો અર્થ એ કે પરિવારના સભ્યએ તેને દોષિત ઠેરવવામાં મહત્વની ભૂમિકા ભજવી અને પછી પરિવારના સભ્યએ જ માફી આપી. એટલું જ નહીં, હંટર અને હેલી વચ્ચેના સંબંધો પણ ઓછા વિચિત્ર નથી.
હેલી ઓલિવર યુએસ પ્રમુખ જો બાઈડેનના બીજા પુત્રની પત્ની છે. હેલીએ 2002માં બ્યુ બાઈડેન સાથે લગ્ન કર્યા હતા. બ્યુનું 2015માં કેન્સરથી અવસાન થયું હતું. જ્યાં સુધી બ્યુ જીવતો હતો ત્યાં સુધી હેલી ઓલિવર તેના ભાઈ હન્ટરની ભાભી હતી. પરંતુ બ્યુના મૃત્યુ પછી, હેલી અને હન્ટર નજીક આવ્યા અને 2016થી 2018 સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
જો કે, બાદમાં આ હેલીએ જ બંદૂકના કેસમાં હન્ટર સામે જુબાની આપી હતી. જે બાદ હન્ટરને દોષી ઠેરવવામાં આવ્યો હતો. હેલીએ પોતાની જુબાનીમાં કહ્યું હતું કે ઓક્ટોબર 2018માં તેણે હન્ટર બાઈડેન પાસે બંદૂક જોઈ હતી અને બાદમાં તેણે જ બંદૂક ડસ્ટબિનમાં ફેંકી દીધી હતી. તેને ડર હતો કે હન્ટર પોતાને અથવા તેના બાળકોને નુકસાન પહોંચાડી શકે છે. તે સમયે હંટર અને હેલી રિલેશનશિપમાં હતા. બાદમાં પોલીસે સીસીટીવી ફૂટેજ દ્વારા તેને શોધી લીધી હતી.
હેલી ઓલિવરે તો ત્યાં સુધી કહ્યું કે હન્ટર બાઈડેનને જ તેને પ્રથમ વખત ડ્રગ્સથી પરિચિત કરાવી હતી. આ પછી તે નશાની લતનો શિકાર બની હતી. તેને 4 વખત રિહેબિલિટેશન સેન્ટર જવું પડ્યું. આ કિસ્સામાં હેલીએ સ્વ-બચાવ હેઠળ જુબાની આપી હતી અને પોતાને કાર્યવાહીથી બચાવી હતી.
હેલી સાથેના સંબંધોને કારણે હન્ટર તેની પ્રથમ પત્ની કેથલીન બુહલેથી અલગ થઈ ગયો હતો. આ અંગે કેથલીને મેલમાં લખ્યું હતું કે હન્ટરે માત્ર તેની સાથે છેતરપિંડી કરી નથી, પરંતુ હેલી માટે મોંઘી ભેટ પણ ખરીદી છે. આ પછી બાઈડેન પરિવારે પણ હેલી અને હન્ટર વચ્ચેના સંબંધોને મંજૂરી આપી હતી, પરંતુ તેઓ 2019માં અલગ થઈ ગયા હતા. આ પછી આ વર્ષે જૂનમાં હેલીએ સિનસિનાટીના નાણાકીય બ્રોકર જોન હોપકિન્સ એનિંગ સાથે લગ્ન કરી લીધા હતા.