ગયા મહિને 26 ઓક્ટોબરે ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલનો આ હુમલો ઈરાન દ્વારા 1 ઓક્ટોબરે છોડવામાં આવેલી 180 બેલેસ્ટિક મિસાઈલોનો જવાબ હતો. ઈઝરાયેલના હુમલા બાદ જ ઈરાને સ્પષ્ટ કરી દીધું હતું કે તે ઈઝરાયેલ સામે બદલો લેશે.
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ઈરાન ઈઝરાયેલ પર પલટવાર કરવા માટે ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ થ્રી’ની તૈયારી કરી રહ્યું છે અને તેહરાનનો આગામી હુમલો અગાઉના બે હુમલા કરતા વધુ ઘાતક હશે. ફરી એકવાર ઈરાને ઈઝરાયેલ પર હુમલાની ચેતવણી આપી છે એવું માનવામાં આવે છે કે ઈરાન આગામી 24 કલાક અથવા થોડા દિવસોમાં ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે.
હકીકતમાં, ઈરાની આર્મીના ચીફ ઓફ સ્ટાફે જાહેરાત કરી છે કે ઈઝરાયેલના હુમલાના જવાબમાં ઈરાનની કાર્યવાહી કલ્પના બહારની હશે. મંગળવારે તેહરાનમાં સશસ્ત્ર દળોના ટોચના કમાન્ડરો સાથેની બેઠક દરમિયાન મેજર જનરલ મોહમ્મદ બાકેરીએ કહ્યું કે ઈરાન તેની ધરતી પર કોઈપણ પ્રકારના ઉલ્લંઘનને સહન કરશે નહીં. જનરલ બાકેરીએ તેમના નિવેદનમાં કહ્યું કે યહૂદી શાસન આ દિવસોમાં ગાઝા અને દક્ષિણ લેબનોન બંનેમાં સંપૂર્ણપણે હતાશ છે.
બાકેરીએ અમેરિકા અને તેના સહયોગી દેશો દ્વારા ઈઝરાયેલને આપવામાં આવતા વ્યાપક સમર્થનની પણ નિંદા કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે અમેરિકાનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષેત્રીય સુરક્ષામાં ખલેલ પહોંચાડવાનો છે. તેમણે કહ્યું કે લેબનોનમાં સંઘર્ષ શરૂ કરવા પાછળ ઈઝરાયેલનો ઉદ્દેશ્ય ઉત્તર કબજા હેઠળના વિસ્તારોમાં સુરક્ષા સ્થાપિત કરવાનો હતો, પરંતુ હવે નેતન્યાહૂ સરકાર હાઈફા અને તેલ અવીવના મોટા શહેરોમાં વ્યાપક અસુરક્ષાનો સામનો કરી રહી છે.
ઈરાન તરફથી આ ધમકી એવા સમયે આવી છે જ્યારે ઈઝરાયેલના હુમલાને બરાબર એક મહિનો વીતી ગયો છે. કેટલાક ઈરાન સમર્થિત સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી પણ હુમલાની શક્યતા વ્યક્ત કરતી પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.
હવે જોવાનું એ રહે છે કે જ્યારે હિઝબુલ્લાહ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધવિરામ કરારને લઈને લગભગ બધું જ નક્કી થઈ ગયું છે, એવા સમયે, શું ઈરાન ખરેખર ઈઝરાયેલ સામે બદલો લેશે કે પછી આ ધમકીઓ દ્વારા ઈઝરાયેલ પર માનસિક દબાણ ઉભું કરવાનો ઈરાદો છે.