ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સત્તાવાર રીતે યુદ્ધ શરૂ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ઈઝરાયેલે પહેલીવાર ઈરાન વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાની વાત સ્વીકારી છે અને ઈરાને પણ ઈઝરાયેલના હુમલામાં નુકસાન સ્વીકાર્યું છે. ઈઝરાયેલે 26 ઓક્ટોબરે ઈરાન પર હુમલો કર્યો હતો અને તેહરાન સહિત અનેક લશ્કરી સ્થળોને નિશાન બનાવ્યા હતા.
ઈઝરાયેલના હુમલા બાદ ઈરાને શાંત પ્રતિક્રિયા આપી છે. તેના એર ડિફેન્સ ફોર્સે માત્ર એક સંતુલિત નિવેદન બહાર પાડ્યું છે, જે અગાઉના હુમલાઓ પર તેમની તીવ્ર પ્રતિક્રિયાઓથી અલગ છે. આ બદલાવના કારણોને ધ્યાનમાં લેતા, એવું માની શકાય છે કે કાં તો ઈરાન આ વખતે સાવચેતીપૂર્વકની વ્યૂહરચના બનાવી રહ્યું છે અથવા તેણે હાલ પૂરતું સીધો મુકાબલો ટાળવાનું નક્કી કર્યું છે. તેમ છતાં ઇઝરાયેલને લઈને ઈરાનનું મૌન લાંબા સમય સુધી અવગણવું મુશ્કેલ હોઈ શકે છે.
ઈઝરાયેલનો હેતુ ઈરાનના લશ્કરી અને રાજકીય માળખાને નબળો પાડવાનો છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પહેલા જ કહી ચુક્યા છે કે તેમનું લક્ષ્ય ઈરાનના શાસનમાં પરિવર્તન લાવવાનું છે. ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટે પણ આ ઓપરેશનને અસ્તિત્વની લડાઈ ગણાવી છે, જ્યાં ઇઝરાયેલ ઇરાનને લશ્કરી અને રાજકીય રીતે નબળું પાડવા માગે છે. આ અંતર્ગત ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામેની અને તેમના નેતૃત્વને પડકારવામાં આવી રહ્યા છે.
ઈઝરાયેલની આગામી યોજના ઈરાન ઈઝરાયેલ સામે કેવી પ્રતિક્રિયા આપે છે તેના પર નિર્ભર છે, તો ઈઝરાયેલની સેનાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આનાથી પણ મોટા અને આકરા હુમલા કરશે. હમાસ અને હિઝબુલ્લાહની જેમ ઈઝરાયેલ પણ આ વખતે ઈરાનના લશ્કરી અને રાજકીય નેતૃત્વને સંપૂર્ણપણે ખતમ કરવાની રણનીતિ અપનાવી શકે છે. આ સાથે ઈરાનના મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વ્યૂહાત્મક હુમલા અને સાઈબર યુદ્ધ દ્વારા નિશાન બનાવી શકાય છે.
ઈરાન ઈઝરાયેલ સામે શક્તિશાળી વળતો હુમલો કરી શકે છે, જેના માટે તેની પાસે મજબૂત સૈન્ય સંસાધનો છે. જો કે આનાથી યુદ્ધનો વ્યાપ વધુ વધી શકે છે.
જો ઈરાન ખુલ્લેઆમ હુમલો કરવા માંગતું નથી, તો તે ગુપ્ત રીતે હુમલો કરી શકે છે અથવા કૂટનીતિનો આશરો લઈ શકે છે. તે ઇઝરાયેલના આંતરિક વિરોધીઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા દબાણ વધારવાનો પ્રયાસ કરી શકે છે.
છેલ્લા ચાર દાયકાથી ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેની કેન્દ્રમાં છે. હમાસના નેતા ઈસ્માઈલ હાનિયા અને યાહ્યા સિનવર હોય કે હિઝબુલ્લાના નેતા નસરુલ્લાહ, ઈઝરાયલે બદલો લેવાના નામે આ બધાને મારી નાખ્યા છે. ઈરાનના સુપ્રીમ લીડર હવે ઈઝરાયેલના નિશાના પર છે. ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તે ઈરાનના વર્તમાન શાસનને હટાવે નહીં ત્યાં સુધી તે અટકશે નહીં. ઈરાન આને સારી રીતે સમજી રહ્યું છે અને તેની સુરક્ષા માટે તમામ પ્રકારના વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે.