બ્રિટનના વડાપ્રધાન બનવાની રેસમાં મૂળ ભારતીય એવા ઋષિ સુનક ટોચ પર, ત્રીજા રાઉન્ડમાં મળ્યા 115 વોટ, હવે બચ્યાં માત્ર ચાર હરીફ

સુનક ઉપરાંત વેપાર મંત્રી પેની મોર્ડેન્ટને 82 વોટ, ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસને 71 વોટ અને કેમી બેડેનોકને 58 વોટ મળ્યા હતા. મંગળવારે મતદાનના આગલા રાઉન્ડમાં વડાપ્રધાન પદ માટેના ઉમેદવારોની સંખ્યા ઓછી થાય તેવી અપેક્ષા છે.

બ્રિટનના વડાપ્રધાન બનવાની રેસમાં મૂળ ભારતીય એવા ઋષિ સુનક ટોચ પર, ત્રીજા રાઉન્ડમાં મળ્યા 115 વોટ, હવે બચ્યાં માત્ર ચાર હરીફ
Rishi Sunak
Image Credit source: PTI
| Edited By: | Updated on: Jul 19, 2022 | 7:18 AM

કન્ઝર્વેટિવ પાર્ટી ઓફ પાર્લામેન્ટના સભ્યોમાં સોમવારે યુકેના ભૂતપૂર્વ નાણાપ્રધાન ઋષિ સુનક (Rishi Sunak) સૌથી ઉપર હતા. જ્યારે તેમના હરીફ ટોમ તુગેંદતને સૌથી ઓછા મત મળ્યા છે, જેના કારણે તેઓ બ્રિટનના વડાપ્રધાન (UK PM) બનવાની રેસમાંથી બહાર થઈ ગયા. ભારતીય મૂળના બ્રિટિશ રાજકારણી ઋષિ સુનકને ત્રીજા રાઉન્ડના મતદાનમાં 115 મત મળ્યા હતા. સુનાક ઉપરાંત વેપાર મંત્રી પેની મોર્ડેન્ટને 82 વોટ, ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસને 71 વોટ અને કેમી બેડેનોકને 58 વોટ મળ્યા હતા. મંગળવારે મતદાનના આગલા રાઉન્ડમાં વડાપ્રધાન પદ માટેના ઉમેદવારોની સંખ્યા ઓછી થાય તેવી અપેક્ષા છે. ગુરુવાર સુધી માત્ર બે જ ઉમેદવારો મેદાનમાં રહેશે. વિજેતા ઉમેદવાર તત્કાલિન વડા પ્રધાન બોરિસ જોન્સનની (Boris Johnson) જગ્યાએ નવા વડા પ્રધાન તરીકે 5 સપ્ટેમ્બર સુધીમાં શપથ લેશે.

સુનકને પહેલા અને બીજા રાઉન્ડમાં આટલા વોટ મળ્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય મૂળના બ્રિટિશ રાજનેતા અને બોરિસ જોનસન સરકારમાં નાણામંત્રી રહેલા ઋષિ સુનક શરૂઆતથી જ પીએમ બનવાની રેસમાં આગળ છે. પહેલા રાઉન્ડના વોટિંગમાં સુનકને 88 વોટ મળ્યા હતા. જ્યારે, તેમને બીજા રાઉન્ડના મતદાનમાં 101 મત મળ્યા હતા.

સાસુ-સસરા મુદ્દે કહ્યું- તેમના પર ખૂબ ગર્વ છે

બ્રિટનના વડા પ્રધાનપદના અગ્રણી ઋષિ સુનકે કહ્યું કે તેમને તેમના ભારતીય સસરા – ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિની સિદ્ધિઓ પર ગર્વ છે. રવિવારે રાત્રે ITV ચેનલ પર ચર્ચા દરમિયાન તેણે કહ્યું, ‘હું હંમેશા સામાન્ય રીતે બ્રિટિશ કરદાતા રહ્યો છું. મારી પત્ની બીજા દેશની છે તેથી તેની સાથે અલગ વર્તન કરવામાં આવે છે, પરંતુ આ મુદ્દો ઉકેલાઈ ગયો હતો. સુનકે કહ્યુ હતુ કે, મારી પત્નીના પરિવારની સંપતિ અંગે ટિપ્પણી કરવામાં આવે છે ત્યારે મારે એ પણ જણાવવુ છે કે, મારા સાસુ અને સસરાએ જે સિદ્ધિ મેળવી છે તેના પર મને ખુબ જ ગર્વ છે.

મારા સસરા પાસે કશું જ નહોતું, બસ એક સપનું હતું- સુનક

ભારતીય મૂળના બ્રિટિશ રાજનેતાએ કહ્યું, ‘મારા સસરા પાસે કંઈ જ નહોતું, માત્ર એક સપનું અને થોડાક સો પાઉન્ડ હતા. જે મારા સાસુની બચતથી તેમને પૂરા પાડવામાં આવ્યા, અને તેનાથી તેમણે વિશ્વનું સૌથી મોટું, સૌથી પ્રતિષ્ઠિત કંપનીનું નિર્માણ કર્યું. જે અહીં યુકેમાં હજારો લોકોને રોજગારી આપે છે.