
આજના સમયમાં કર્મચારીઓ એક જ વર્કપ્લેસ પર લાંબા સમય સુધી ટકીને જોબ કરે, તે માટે કંપનીઓ હાઇ સેલેરી, બોનસ અને વર્ક ફ્રોમ હોમ જેવા ઓપ્શન્સ આપે છે. જો કે, એક કંપનીએ તેના કર્મચારીઓને નોકરીમાં લાંબા સમય સુધી કામ કરવા માટે અને નવા સ્કિલ પ્રોફેશનલ્સને આકર્ષવા માટે કરોડો રૂપિયાના ફ્લેટ ગિફ્ટ આપવાનો નિર્ણય લીધો છે.
આ પગલું માત્ર એક ઇન્સેન્ટિવ નથી પરંતુ કર્મચારીઓને લાંબા સમય સુધી સુરક્ષિત અને સ્થિર ભવિષ્ય પૂરું પાડવાનો પ્રયાસ છે. કંપનીનું માનવું છે કે, જ્યારે કર્મચારીઓ માનસિક રીતે સુરક્ષિત રહેશે અને તેમના પોતાના ઘર હશે, તો તેઓ વધુ સારું કામ કરી શકશે તેમજ કંપની સાથે લાંબા સમય સુધી જોડાયેલા રહેશે. આ જ વિચાર આ અનોખી યોજના પાછળનો આધાર છે, જેણે હવે આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, ચીની ઓટો કમ્પોનન્ટ ઉત્પાદક Zhejiang Guosheng Automotive Technology એ તેના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ અને અનોખી પહેલ શરૂ કરી છે. કંપનીએ જાહેરાત કરી છે કે, તે તેના લાંબા સમયથી સેવા આપતા કર્મચારીઓને 18 ફ્લેટ આપશે. આ ફ્લેટની કિંમત ભારતીય રૂપિયામાં ₹1.3 કરોડ થી ₹1.5 કરોડ વચ્ચેની છે.
કંપનીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર યોજના ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. વર્ષ 2025 માં કર્મચારીઓને 5 ફ્લેટ ફાળવવામાં આવ્યા છે. 8 ફ્લેટ આવતા વર્ષે ફાળવવામાં આવશે અને બાકીના ફ્લેટ ત્યારબાદ ફાળવવામાં આવશે. કંપનીના જનરલ મેનેજર વાંગ જિયાયુઆનના જણાવ્યા અનુસાર, પ્રાથમિક ઉદ્દેશ્ય સારા અને અનુભવી કર્મચારીઓને જાળવી રાખવાનો છે.
કંપની હાલમાં 450 થી વધુ લોકોને રોજગારી આપે છે. વર્ષ 2024 માં કંપનીની કુલ પ્રોડક્શન વેલ્યુ આશરે $70 મિલિયન હોવાનો અંદાજ છે. કંપની જણાવે છે કે, તેના ઘણા કર્મચારી બીજા શહેરમાંથી આવીને કામ કરે છે, જેમને લાંબા સમય સુધી રહેવા માટે ઘરની જરૂર પડે છે.
કંપની દ્વારા ખરીદાયેલા બધા ફ્લેટ ફેક્ટરીથી 5 કિલોમીટરની અંદર સ્થિત છે. દરેક ફ્લેટ 100 થી 150 ચોરસ મીટર અથવા આશરે 1,076 થી 1,615 ચોરસ ફૂટની વચ્ચે માપવામાં આવે છે. વધુમાં જે વિસ્તારમાં આ ફ્લેટ આવેલા છે, ત્યાં મકાનોની કિંમત પ્રતિ ચોરસ મીટર 7,000 થી 8,500 યુઆન સુધીની હોય છે, જે આશરે 89,000 થી 100,000 રૂપિયા પ્રતિ ચોરસ મીટર થાય છે.
આ યોજના હેઠળ એક અનોખો કિસ્સો પણ સામે આવ્યો છે અને વાત એમ છે કે, કંપની માટે કામ કરતા પતિ-પત્નીને 144 ચોરસ મીટર અથવા આશરે 1,550 ચોરસ ફૂટનો ફ્લેટ આપવામાં આવ્યો છે. આ ફ્લેટ કંપની દ્વારા સંપૂર્ણપણે તૈયાર સ્થિતિમાં આપવામાં આવેલ છે.
આ યોજનાના નિયમો અનુસાર, કર્મચારીને ફલેટમાં ત્યારે જ રહેવાની મંજૂરી મળશે જ્યારે કંપની તેનું રિનોવેશન પૂર્ણ થઈ જશે. જો કર્મચારી કંપનીમાં 5 વર્ષ સુધી કામ કરે છે, તો તે ફલેટ સંપૂર્ણ રીતે તેના નામે કરી દેવામાં આવશે.
કર્મચારીને ફક્ત રિનોવેશનનો ખર્ચ ચૂકવવો પડશે, ફલેટની કિંમત નહીં. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, આ યોજના ફક્ત તે કર્મચારીઓ માટે છે, જેમની પાસે વિશેષ ટેકનિકલ અથવા મેનેજમેન્ટ સ્કિલ છે.
Published On - 7:00 pm, Mon, 22 December 25