
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની બહેન ઉઝમા ખાન આજે તેમની સાથે અદિયાલા જેલમાં મુલાકાત કરી હતી, જ્યાં તેમણે ઈમરાન સાથે લગભગ 20-25 મિનિટ વાતચીત કરી. આ મુલાકાત પછી, ઉઝમાએ જણાવ્યું હતું કે ઇમરાન ખાન શારીરિક રીતે સ્વસ્થ છે પરંતુ તેમને માનસિક રીતે યાતના આપવામાં આવી રહી છે. ત્યારબાદ, ઇમરાન ખાનની પાર્ટી, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) એ એક નિવેદન બહાર પાડીને ઉઝમાની ઇમરાન ખાન સાથેની વાતચીતની વિગતો આપી હતી. આ વાતચીત દરમિયાન, ઇમરાન ખાને પાકિસ્તાની સેના, ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને ગુપ્તચર એજન્સી ISI પર ગંભીર આરોપો લગાવ્યા હતા.
PTI નું કહેવુ છે કે ઇમરાન ખાનને 850 દિવસથી મનસ્વી રીતે અટકાયતમાં રાખવામાં આવ્યા છે. પાર્ટીનો આરોપ છે કે “જનરલ અસીમ મુનીર હેઠળના સરમુખત્યારશાહી લશ્કરી શાસન” એ UN મંડેલા પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં ઇમરાનને મૃત્યુદંડની સજા ફટકાર્યા બાદ કેદીઓને જે પ્રકારની સુવિધા મળે છે, એવી જગ્યાએ રાખવામાં આવ્યા છે. પરિવાર અને વકીલોને પણ તેમની મુલાકાત કરવાથી રોકવામાં આવી રહ્યા છે. ત્યાં સુધી કે તેમની સેલની વીજળી પણ કાપી નાખવામાં આવી છે.
ઉઝમાને મળ્યા પછી, ઇમરાન ખાને કહ્યું કે સેનાએ મારી વિરુદ્ધ શક્ય તેટલું બધું કર્યું છે. હવે તેમની પાસે મને મારવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે ISI મારી અટકાયત સંબંધિત તમામ વહીવટી બાબતોનું નિયંત્રણ કરે છે. “હું ફરીથી કહી રહ્યો છું: જો મને કંઈ થાય તો, આર્મી ચીફ અને DG ISI જવાબદાર રહેશે.” તેમણે એમ પણ કહ્યું કે મને એકાંત કેદમાં રાખવામાં આવ્યો છે. મારો સેલ ભઠ્ઠી જેવો ગરમ છે. મને મારા બાળકો સાથે વાત કરવાની મંજૂરી નથી. મને મૃત્યુદંડની સજા પામેલા કેદીની જેમ રાખવામાં આવ્યો છે.
ભૂતપૂર્વ વડાપ્રધાને કહ્યું, મને પીંજરાાં કેદ કરીને ટોર્ચર કરવામાં આવ્યો અને જાનવરો કરતા પણ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો. મારા સેલમાં પાંચ દિવસ સુધી વીજળી કાપી નાખવામાં આવી. મને દસ દિવસ સુધી સેલમાં બંધ રાખવામાં આવ્યો. જો મને જેલમાં કંઈ થશે તો અસીમ મુનીર જવાબદાર રહેશે.” તેમણે પાકિસ્તાની આર્મી ચીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર પર નિશાન સાધતા કહ્યું, “અસીમ મુનીર ઇતિહાસનો સૌથી જાલીમ તાનાશાહ છે અને તે માનસિક રીતે અસ્થિર છે. તેમના શાસન હેઠળ જુલમનું લેવલ અજોડ છે. અસીમ મુનીર સત્તાની લાલસાને સંતોષવા માટે કંઈ પણ કરશે.”