દર વર્ષે ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો હજ યાત્રા પર સાઉદી અરેબિયા પહોંચે છે. આવી સ્થિતિમાં, સાઉદી અરેબિયાની સરકારે વિશ્વભરમાંથી હજ પર જનારા હજયાત્રીઓને લઈને એક મોટું પગલું ભર્યું છે. સાઉદી સરકારના આ પગલાથી હજ માટે આવતા કરોડો લોકોને ફાયદો થશે. જણાવી દઈએ કે સાઉદી અરેબિયાએ 2023 સીઝન માટે હજ યાત્રીઓની સંખ્યા પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. મીડિયા અહેવાલો અનુસાર, આ વર્ષે કોઈ પ્રતિબંધો ના હોવાને કારણે, આગામી સિઝનમાં સાઉદી અરેબિયામાં હજ યાત્રીઓની સંખ્યા કોરોના મહામારીના પહેલાના સ્તરની બરાબર હશે. સાઉદી અરબના હજ મંત્રીના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયા 2023માં યાત્રાળુઓ પર વય મર્યાદા સહિત કોઈ પ્રતિબંધ લાદશે નહીં.
સાઉદીના હજ અને ઉમરાહ મંત્રી તૌફિક અલ-રબિયાએ હજ એક્સ્પો 2023ના ઉદઘાટન દરમિયાન જાહેરાત કરી હતી કે, આ વખતે હજયાત્રીઓની સંખ્યા, કોરોના મહામારીના સમયગાળા પહેલાની સંખ્યા પર આવી જશે. સ્થાનિક મીડિયા અનુસાર, જો કે, હજ અને ઉમરાહ મંત્રાલયે અગાઉ કહ્યું હતું કે, આ વર્ષે નોંધણી માટે પ્રાથમિકતા એ લોકોને આપવામાં આવશે જેમણે અગાઉ હજયાત્રા કરી નથી.
26 જૂન 2023થી હજયાત્રા શરૂ થવાની ધારણા છે. હજ યાત્રા એ ઇસ્લામના પાંચ સ્તંભોમાંનું એક છે, જે તમામ સક્ષમ મુસ્લિમોએ ઓછામાં ઓછું એક વાર કરવું જરૂરી છે. 2019 માં, કોરોના મહામારીના કારણે વિશ્વવ્યાપી પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. તે પહેલાં, લગભગ 2.6 મિલિયન લોકોએ હજયાત્રા કરી હતી.
સાઉદી અરેબિયાએ 2022 માં 10 લાખ વિદેશી યાત્રાળુઓને આવકારતા પહેલા તેના મર્યાદિત સંખ્યામાં રહેવાસીઓને મંજૂરી આપી છે. જો કે, 18 થી 65 વર્ષની વયજૂથના લોકો જ ગયા વર્ષે હજ કરવા સક્ષમ હતા. જેમણે કોવિડ સામે સંપૂર્ણ રસી અથવા રોગપ્રતિકારક શક્તિ મેળવી હોય અને કોઈ લાંબી બીમારીથી પીડિત ના હોય.