કેરેબિયન દેશ હૈતીમાં (Haiti) ભયાનક હિંસા ફાટી નિકળી છે. હૈતીમાં ગેંગ વોર (gang war) ચરમસીમા પર છે અને આ લોહિયાળ સંઘર્ષમાં સેંકડો લોકો કાં તો માર્યા ગયા છે અથવા ગુમ થયા છે. હૈતીની રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સમાં હરીફ ગેંગ વચ્ચે આ મહિનાની ભીષણ અથડામણ દરમિયાન ઓછામાં ઓછા 471 લોકો માર્યા ગયા છે અથવા તો ઘાયલ થયા કે ગુમ થયા હોવાનું સંયુક્ત રાષ્ટ્રએ (United Nations) સોમવારે જણાવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રએ એમ પણ કહ્યુ હતું કે હૈતીમાં લોહિયાળ હિંસામાં વધારો થયો છે.
યુનાઈટેડ નેશન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મહિલાઓ અને છોકરીઓ તેમજ ગેંગ દ્વારા ભરતી કરાયેલા છોકરાઓ વિરુદ્ધ જાતીય હિંસાની ગંભીર ઘટનાઓ પણ નોંધાઈ છે. 8 અને 17 જુલાઈ વચ્ચે સાઈટ સોલીલના ગરીબ વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસામાં મૃત્યુઆંક વધ્યો છે. જો કે તેમાંથી કેટલા માર્યા ગયા તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
યુનાઈટેડ નેશન્સે નિવેદનમાં એમ પણ કહ્યું છે કે સેંકડો એકલા બાળકો સહિત 3,000 થી વધુ લોકો તેમના ઘર છોડીને ભાગી ગયા છે અને ઓછામાં ઓછા 140 ઘર હિંસાને કારણે નાશ પામ્યા છે.
હૈતીમાં યુએન માનવતાવાદી સંયોજક ઉલ્રીકા રિચાર્ડસને એક નિવેદનમાં, આ ઘટના વિશે જણાવ્યું હતું કે, “સાઇટ સોલેઇલને માનવતાવાદી જરૂરિયાતોની સખત જરૂર છે અને ગરીબી, સુરક્ષા સહિતની મૂળભૂત સેવાઓનો અભાવ અને હિંસાના તાજેતરના વધારાને કારણે તે વધુ વકરી છે.” વ્યાપક હિંસાની આ ઘટના બાદ, ” યુએન એજન્સીઓએ સાઇટ સોલેઇલ પર માનવ સહાય પૂરી પાડવાનું ચાલુ રાખ્યું છે, તેમણે કહ્યું, હૈતીમાં વિકાસ માટે વધુ ટકાઉ અને સર્વગ્રાહી અભિગમ શોધવાની જરૂર છે.
રાજધાનીમાં ગેંગની સ્થિતિ એટલી મજબૂત બની રહી છે કે તે સ્લમ વિસ્તારો સુધી પહોંચી ગઈ છે.
સેન્ટર ફોર એનાલિસિસ એન્ડ રિસર્ચ ઇન હ્યુમન રાઇટ્સ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર, જૂન મહિનામાં અપહરણની ઓછામાં ઓછી 155 ઘટનાઓ બની હતી, જ્યારે મે મહિનામાં આ સંખ્યા 118 હતી. જો કે, જુલાઈની શરૂઆતમાં કાઈટ સોલીલ શહેરને બરબાદ કરનાર હિંસા અંગે વડાપ્રધાન એરિયલ હેનરી તરફથી હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
હૈતી 2016ની ચૂંટણીઓથી રાજકીય સંકટમાં ફસાઈ ગયું છે અને ગયા વર્ષે 7 જુલાઈ, 2021ના રોજ તેમના ઘરે રાષ્ટ્રપતિ જોવેનેલ મોઈસની હત્યા બાદ તે વધુ ખરાબ થઈ ગયું છે.