
જાપાનના હિરોશિમા શહેરમાં G7 સમિટ (G7 Summit) યોજાઈ રહી છે, જેમાં ભાગ લેવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શુક્રવારે પહોંચ્યા છે. PM મોદી શુક્રવારે હિરોશિમાની શેરેટોન હોટેલમાં પહોંચ્યા બાદ ભારતીય સમુદાયના સભ્યોને મળ્યા હતા. G7 સમિટ 19 મેથી શરૂ થઈ છે, જે 21 મે સુધી ચાલશે. 1974માં પોખરણ પરમાણુ પરિક્ષણ બાદ ભારતીય વડાપ્રધાનની હિરોશિમાની આ પ્રથમ મુલાકાત છે. અગાઉ, ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ 1957માં હિરોશિમા શહેરની મુલાકાત લીધી હતી, જેના પર તેમની મુલાકાતના બરાબર 12 વર્ષ પહેલાં 1945માં અણુ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Japan: રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પહેલીવાર મળશે PM મોદી-ઝેલેન્સકી, આ મુલાકાત પર દુનિયાની નજર
હિરોશિમામાં PM મોદીની હાજરી મહત્ત્વપૂર્ણ છે કારણ કે ભારત એવા કેટલાક દેશોમાંનો એક છે જેણે પરમાણુ અપ્રસાર સંધિ (NPT) પર હસ્તાક્ષર કર્યા નથી. આ ઉપરાંત, પીએમ મોદી પીસ મેમોરિયલ પાર્કની મુલાકાત લેવા માટે G-7 નેતાઓમાં સામેલ થશે, જે હુમલાના પીડિતો અને બચી ગયેલા લોકોને સમર્પિત છે. જણાવી દઈએ કે G-7માં કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકા જેવા દેશોનો સમાવેશ થાય છે અને આ વખતે જાપાન G-7ની યજમાની કરી રહ્યું છે, જ્યારે ગયા વર્ષે જર્મનીએ તેની યજમાની કરી હતી.
Prime Minister @narendramodi and US President Joe Biden share a hug as they meet in Hiroshima, Japan.#TV9News pic.twitter.com/hL3UnAjvdK
— Tv9 Gujarati (@tv9gujarati) May 20, 2023
G7 સમિટ દરમિયાન એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પોતે આગળ આવીને PM મોદી સુધી પહોંચ્યા. તે સમયે મોદી પોતાની ખુરશી પર બેઠા હતા. અને બાઈડન પહોંચ્યા બાદ બંને નેતાઓએ એકબીજાને ગળે લગાવીને આવકાર્યા હતા. આ દર્શાવે છે કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો કેટલી ઝડપથી મજબૂત થઈ રહ્યા છે.
G-7 સમિટમાં ભાગ લેતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પછી તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પછી પીએમ મોદીએ કહ્યું કે હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમા અહિંસાના વિચારને આગળ વધારશે. મારા માટે એ જાણવું ખૂબ જ આનંદની ક્ષણ છે કે મેં જાપાનના પીએમને ભેટમાં આપેલું બોધિ વૃક્ષ અહીં હિરોશિમામાં વાવવામાં આવ્યું છે જેથી લોકો અહીં આવે ત્યારે શાંતિનું મહત્વ સમજી શકે.
મહાત્મા ગાંધીની 42 ઈંચ લાંબી કાંસ્ય પ્રતિમા પદ્મ ભૂષણ એવોર્ડ વિજેતા રામ વનજી સુતાર દ્વારા બનાવવામાં આવી છે. આ પ્રતિમાને મોટોયાસુ નદીના કિનારે ઐતિહાસિક એ-બોમ્બ ડોમ પાસે સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે.
PM મોદીએ શનિવારે જાણીતા ભાષાશાસ્ત્રી પદ્મ પુરસ્કારથી સન્માનિત પ્રોફેસર ટોમિયો મિઝોકામી સાથે પણ મુલાકાત કરી હતી. ટોમિયો એક પ્રખ્યાત હિન્દી અને પંજાબી ભાષાશાસ્ત્રી છે. બેઠક બાદ પીએમએ કહ્યું કે તેઓ હિરોશિમામાં ટોમિયો મિઝોકામી સાથે વાત કરીને ખુશ છે. તેમણે જાપાનના લોકોમાં ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યને લોકપ્રિય બનાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:56 pm, Sat, 20 May 23