યુક્રેન પર રશિયાના (Russia) આકરા હુમલા વચ્ચે હવે બે યુરોપિયન દેશો સ્વીડન (Sweden) અને ફિનલેન્ડે (Finland) પણ રશિયા સામે ઘૂંટણ ટેકવાનો ઈન્કાર કરી દીધો છે. બંને દેશોના અખબારો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે બંને દેશ નાટો સાથે જોડાવા માટે અરજી કરશે. ગયા વર્ષે યુક્રેને પણ નાટોમાં જોડાવાની જાહેરાત કરી હતી, જેના કારણે રશિયા સાથેના લાંબા તણાવ બાદ બંને દેશો વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયું હતું. યુક્રેન પર હુમલા બાદ રશિયા પહેલા જ ફિનલેન્ડ અને સ્વીડનને ચેતવણી આપી ચૂક્યું છે.
ફિનલેન્ડના અખબાર ઈલ્તાલેહતીએ (Iltalehti) દાવો કર્યો છે કે સ્વીડનની સરકારે ઈચ્છા વ્યક્ત કરી છે કે બંને દેશો 22 મેના રોજ નાટો સભ્યપદ માટે એકસાથે અરજી કરે. તમને જણાવી દઈએ કે સ્વીડનની સરકારે સ્વીડનના અખબાર એક્સપ્રેસેનને (Expressen) આ સમાચારની પુષ્ટિ કરી છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ સ્વીડન અને ફિનલેન્ડ જે રીતે નાટોમાં સામેલ થવાની વાત કરી રહ્યા છે તેના કારણે રશિયાનો ગુસ્સો વધી શકે છે.
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના સૌથી નજીકના સાથીઓમાંથી એકે થોડા સમય પહેલા નાટોને ચેતવણી આપી હતી કે જો સ્વીડન અને ફિનલેન્ડ યુએસની આગેવાની હેઠળના સૈન્ય જોડાણમાં જોડાશે તો રશિયા પરમાણુ શસ્ત્રો તૈનાત કરશે અને તે તેના સૈન્યને સંરક્ષણ માટે તૈનાત કરશે અને તેને મજબૂત બનાવશે. ફિનલેન્ડ રશિયા સાથે 1,300 કિમીની સરહદ વહેંચે છે. થોડા દિવસ અગાઉ ફિનિશ વડાપ્રધાન સન્ના મારિને કહ્યું હતું કે ફિનલેન્ડ આગામી થોડા અઠવાડિયામાં નાટોમાં જોડાવાનો નિર્ણય લેશે.
રશિયાએ જે રીતે યુક્રેન પર મિસાઈલ હુમલા કર્યા છે તે પછી યુક્રેનના અનેક શહેરો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે. રશિયાની આ આક્રમકતા સામે બંને નોર્ડિક દેશો શક્ય તેટલી વહેલી તકે નાટોમાં સામેલ થવા માંગે છે. સ્વીડને 13 એપ્રિલે જ સંકેત આપ્યો હતો કે તે નાટોમાં સામેલ થવા માંગે છે, જ્યારે છેલ્લા ઘણા દિવસોથી ફિનલેન્ડમાં પણ નાટોમાં સામેલ થવાને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધીની માહિતી અનુસાર જો બંને દેશો એકસાથે નાટોમાં સામેલ થવા માટે અરજી કરે છે, તો જૂન સુધીમાં તેઓ નાટોમાં સામેલ થઈ શકે છે.
રોયટર્સે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે મેદવેદેવે સ્પષ્ટપણે પરમાણુ ખતરો ઉભો કરીને કહ્યું હતું કે બાલ્ટિક માટે પરમાણુ મુક્ત સ્થિતિ વિશે વધુ કોઈ વાત થઈ શકે નહીં. સંતુલન જાળવવું જોઈએ. મેદવેદેવ 2008થી 2012 સુધી રશિયાના રાષ્ટ્રપતિ હતા.
આ પણ વાંચો : Saudi Arabia : 30 વર્ષથી ટોઈલેટમાં બની રહેલા ‘ભારતીય નાસ્તા’ પર લાગ્યો પ્રતિબંધ