અફઘાનિસ્તાન: પરિસ્થિતિ પર પીએમ મોદીના ઉચ્ચ સ્તરીય જૂથની નજીકથી નજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( PM Modi) અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને કેટલાક ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરીને ઉચ્ચસ્તરીય જૂથની રચના કરી હતી. અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ પર આ જૂથ દરરોજ બેઠક કરી રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન મોદીએ આ જૂથને નિર્દેશ આપ્યો છે કે તે પહેલા અફઘાનિસ્તાનમાં ભારતની તાત્કાલિક પ્રાથમિકતા પર ધ્યાન કેન્દ્રિત કરે. અફઘાનિસ્તાનમાં રહેતા ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના અફઘાન શીખ અને હિન્દુ લઘુમતીઓનું સ્થળાંતર ઉપર ભાર આપી રહ્યાં છે.
અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીયોને બહાર કાઢવાની પ્રાથમિકતા
સરકારી સૂત્રો અનુસાર, લગભગ બે ડઝન ભારતીયો અને સો જેટલા શીખ-હિન્દુ લઘુમતીઓ હજુ પણ અફઘાનિસ્તાનમાં ફસાયેલા હોવાનો અંદાજ છે. ભારત તેમને બહાર કાઢવા માટે બેકડોર ચેનલનો ઉપયોગ કરી રહ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યારે અફઘાનિસ્તાનમાં 300 અમેરિકનો અને સો જેટલા બ્રિટિશ નાગરિકો ફસાયેલા છે. આ બંને દેશો તેમના નાગરિકોને બહાર કાઢવા માટે રાજદ્વારી અભિયાનનો આશરો લઈ રહ્યા છે. ભારત પણ હવે આવું જ કરવા જઈ રહ્યું છે અને આ બંને દેશોના સતત સંપર્કમાં છે.
આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા પર સતત નજર
આ ઉપરાંત, ભારત પોતાની વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ રોકવા માટે રશિયા, કઝાકિસ્તાન, ઈરાન સહિત તમામ પ્રાદેશિક સ્તરે રાજદ્વારી સંપર્કમાં છે. અફઘાનિસ્તાનને લગતા રચાયેલા ઉચ્ચ સ્તરનું જૂથ અફઘાનિસ્તાન મુદ્દે આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓ ઉપર પણ નજર રાખી રહ્યું છે. આમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) નો સમાવેશ થાય છે, જ્યાં ભારતની અધ્યક્ષતામાં ગત સોમવારે અફઘાનિસ્તાનને આતંકનો ગઢ બનતા અટકાવવા માટે એક ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો.
તાલિબાનનું વાસ્તવિક સ્ટેન્ડ બહાર આવે તેની રાહ
ભારતે તાલિબાનને માન્યતા આપવા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવામાં ઉતાવળ નથી. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, અત્યાર સુધી તાલિબાનોએ ભારતીય નાગરિકો અને ત્યાં રહેતા હિન્દુ-શીખ લઘુમતીઓને નિશાન બનાવ્યા નથી. પરંતુ અફઘાનિસ્તાનમાંથી વિદેશી સૈનિકો પાછા ખેંચાયા બાદ હવે તાલિબાન ટૂંક સમયમાં સરકાર બનાવશે અને ત્યારબાદ ઘણા મુદ્દાઓ પર તેનું વાસ્તવિક વલણ સ્પષ્ટ થશે. તેથી ભારત આ મામલે વધુ રાહ જોવાના મૂડમાં છે. ભારત એ પણ જોશે કે નવી સરકાર તાલિબાન દ્વારા સંપૂર્ણપણે એકલા હાથે હશે કે અન્ય અફઘાન નેતાઓને પણ તેમાં સ્થાન આપવામાં આવશે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ