ચાઈનીઝ જાસૂસી બલૂન પર શરૂ થયેલી વૈશ્વિક ચિંતા હજુ પણ યથાવત રહેવા પામી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચીન દ્વારા આવા બલૂનના નિશાનમાં ભારત પણ સામેલ છે. જો કે હજુ સુધી સરકાર તરફથી આ અંગે સત્તાવાર કંઈ કહેવામાં આવ્યું નથી. થોડા દિવસો પહેલા અમેરિકાએ જાસુસી બલૂન સામે કાર્યવાહી અટોપી લીધી છે. જો કે આ ઘટના પૂર્વે પણ આકાશમાં ઘણીવાર બલૂન જોવાના સમાચાર સામે આવ્યા છે.
એક મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. ચીને ભારત અને જાપાન સહિત અનેક દેશોને નિશાન બનાવીને એક પછી એક જાસૂસી બલૂન છોડીને જાસૂસી કરી છે. આ અહેવાલ યુએસ સૈન્યએ સંવેદનશીલ યુએસ સ્થાન પર ફરતા ચાઇનીઝ સર્વેલન્સ બલૂનનો નાશ કર્યાના ગણતરીના દિવસો પછી આવ્યો છે.
અમેરિકન અધિકારીઓએ ચીનના જાસૂસી બલૂનની માહિતી અંગે ભારત સહિત તેમના મિત્ર દેશ અને સહયોગી દેશને જાણ કરી છે. સાઉથ કેરોલિનાના કિનારે એટલાન્ટિક મહાસાગરમાં ગત શનિવારે એક ફાઈટર પ્લેન દ્વારા જાસૂસી બલૂનનો નાશ કરવામાં આવ્યો હતો. અમેરિકી વિદેશ મંત્રી વેન્ડી શેરમેને સોમવારે અહીં લગભગ 40 દૂતાવાસોના અધિકારીઓને આ અંગે માહિતી આપી હતી.
અમેરિકાના વોશિંગ્ટન પોસ્ટે મંગળવારે જણાવ્યું હતું કે, જાપાન, ભારત, વિયેતનામ, તાઇવાન અને ફિલિપાઇન્સ સહિત અનેક દેશો કે જે મુખ્યત્વે ચીન માટે ઉભરતા વ્યૂહાત્મક હિતના ક્ષેત્રો છે તેમાં બલૂન-સર્વેલન્સ દ્વારા સૈન્ય સંપત્તિ વિશે માહિતી એકત્રિત કરવામાં આવી હતી. તેમ વોશિંગ્ટન પોસ્ટે જણાવ્યું છે. આ અહેવાલમાં અનેક અનામી સંરક્ષણ અને ગુપ્તચર અધિકારીઓ સાથે મુલાકાત લીધી હોવાનું જણાવાયું છે. અહેવાલ મુજબ, અધિકારીઓએ જણાવ્યું છે કે ચીનની પીએલએ (પીપલ્સ લિબરેશન આર્મી) એરફોર્સ દ્વારા સંચાલિત આ સર્વેલન્સ બલૂન પાંચ ખંડોમાં જોવામાં આવ્યા છે.
એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીના હવાલાથી વોશિંગ્ટન પોસ્ટે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે, “આ બલૂન પીઆરસી (પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના) ના કાફલાનો એક ભાગ છે. જેને સર્વેલન્સ ઓપરેશન કરવા માટે ખાસ વિકસાવવામાં આવ્યા છે અને અન્ય દેશોની સંપ્રભુતાનું ઉલ્લંઘન કર્યું છે.” વોશિંગ્ટન પોસ્ટ દૈનિક અનુસાર, હવાઈ, ફ્લોરિડા, ટેક્સાસમાં તાજેતરના વર્ષોમાં ઓછામાં ઓછા ચાર બલૂન જોવા મળ્યા છે અને ગયા અઠવાડિયે એક જોવા મળ્યું હતું. જેને અમેરિકાએ તોડી પાડ્યું હતું.
આ ચારમાંથી ત્રણ ઘટનાઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટ દરમિયાન બની હતી, પરંતુ તે તાજેતરમાં જ ચીની સર્વેલન્સ વાહનો તરીકે ઓળખાઈ હતી. પેન્ટાગોને મંગળવારે જાસુસૂી બલૂનની તસવીરો જાહેર કરી હતી.