કંબોડિયામાં પોલીસ દ્વારા 300 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા ભારતીયોને ગેરકાયદેસર રીતે કંબોડિયા લાવવામાં આવ્યા હતા. આમાંથી મોટાભાગના આંધ્રપ્રદેશના હોવાનું કહેવાય છે. આંધ્ર પ્રદેશ પોલીસનું કહેવું છે કે, ગેરકાયદેસર રીતે કંબોડિયા લઈ જવામાં આવેલા 300 ભારતીયોએ ગત 20 મેના રોજ તેમના હેન્ડલર્સ વિરુદ્ધ બળવો કર્યો હતો. જેના કારણે તેમાંથી મોટાભાગના લોકોની ધરપકડ કરવામાં આવી છે.
તાજેતરમાં રશિયામાંથી પણ આ પ્રકારની માનવ તસ્કરીનો એક કિસ્સો સામે આવ્યો હતો. જો કે, આમાં એવા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમણે ગેરકાયદેસર રીતે ભારતીયોને રશિયા મોકલ્યા હતા. ભારતમાંથી યુવાનોને આકર્ષક નોકરીઓ અથવા પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં પ્રવેશ આપવાના વચન સાથે રશિયા લઈ મોકલાયેલાઓને યુક્રેનમાં યુદ્ધમાં લડવા માટે દબાણ કરવાના આરોપમાં ચાર લોકોની ભારતમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
આ ધરપકડ દિલ્હીમાં થઈ હતી. આરોપીઓની ઓળખ કેરળના રહેવાસી અરુણ અને યેસુદાસ જુનિયર તરીકે થઈ હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને, માનવ તસ્કરોએ ભારતીય યુવાનોને સારા પગારના પેકેજ સાથે રશિયામાં નોકરીની લાલચ આપીને ફસાવ્યા હતા.
કંબોડિયામાં પકડાયેલા 300 ભારતીય અંગેના કેસ વિશે વાત કરતા પોલીસે જણાવ્યું હતું કે, આમાંથી 150 લોકો વિશાખાપટ્ટનમના રહેવાસી છે અને છેલ્લા એક વર્ષથી કંબોડિયામાં ફસાયેલા છે. જ્યાં ચીનના ઓપરેટરો દ્વારા આ તમામને સાયબર ક્રાઈમ અથવા પોન્ઝી કૌભાંડ આચરવા માટેનું દબાણ કરવામાં આવે છે.
વિશાખાપટ્ટનમ પોલીસ કમિશનર એ. રવિશંકરે કહ્યું કે, ઘણા લોકોએ વોટ્સએપ દ્વારા વિશાખાપટ્ટનમ પોલીસનો સંપર્ક કર્યો હતો અને કંબોડિયામાં ફસાયેલા ભારતીયોનો વીડિયો મોકલ્યા હતા. કંબોડિયામાં લગભગ 300 ભારતીયોએ તેમના હેન્ડલર્સ સામે બળવો કર્યો હતો. ગત 18 મેના રોજ વિશાખાપટ્ટનમ પોલીસે ચુકા રાજેશ, એસ. કોંડલ રાવ અને એમ. જ્ઞાનેશ્વર રાવની, માનવ તસ્કરીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓ ભારતમાં યુવાનોને સિંગાપોરમાં ડેટા એન્ટ્રીની નોકરી અપાવવા માટે લલચાવતા હતા, પરંતુ વાસ્તવમાં તેઓને સાયબર ગુના આચરવા માટે સિંગાપોરને બદલે કંબોડિયા મોકલતા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, કંબોડિયા પહોંચ્યા પછી, યુવાનોને ચાઈનીઝ હેન્ડલર્સ દ્વારા બંદી બનાવવામાં આવ્યા હતા, તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો અને ગેમ ફ્રોડ, શેરબજારમાં છેતરપિંડી અને અન્ય ઓનલાઈન ગુનાહીત પ્રવૃતિ કરવા દબાણ કરવામાં આવ્યું હતું.
વિશાખાપટ્ટનમ પોલીસે ફસાયેલા લોકોને મદદ કરવા અને પરત લાવવા માટે વિદેશ મંત્રાલય અને સંબંધિત વિભાગોનો સંપર્ક કર્યો હતો, કારણ કે સોમવારના બળવા પછી તેમાંથી મોટાભાગના લોકોને જેલમાં મોકલવામાં આવ્યા છે. વિશાખાપટ્ટનમના જોઈન્ટ પોલીસ કમિશનર ફક્કરપ્પા કાગિનેલ્લી અનુસાર, દેશભરમાંથી લગભગ 5,000 લોકોને વિવિધ એજન્ટો દ્વારા કંબોડિયા મોકલવામાં આવ્યા છે.
Published On - 1:00 pm, Wed, 22 May 24