અભ્યાસ માટે યુનાઇટેડ કિંગડમ (UK) જતા વિદ્યાર્થીઓને યુકે સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા ઇમિગ્રેશન પ્રતિબંધ નિયમથી મોટો ફટકો પડ્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓ તેમના પરિવારના સભ્યોને યુકે લઈ જઈ શકશે નહીં. આ જાહેરાત આંકડા જાહેર થયાના બે દિવસ પહેલા કરવામાં આવી છે. આંકડા મુજબ, કાનૂની સ્થળાંતરનો રેકોર્ડ 7 લાખ સુધી પહોંચી ગયો છે. યુકેએ ગયા વર્ષે જ વિદેશી વિદ્યાર્થીઓના સંબંધીઓને 1,35,788 વિઝા આપ્યા છે, જે 2019ની સરખામણીમાં 9 ગણા છે.
માઈગ્રન્ટ સ્ટુડન્ટ્સને લઈને યુકે સરકારના નિયમોમાં ફેરફારને કારણે ઘણા ભારતીયોનું યુકે જવાનું સપનું ચકનાચૂર થઈ શકે છે. હકીકતમાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે યુકે જાય છે, ત્યારબાદ તેમના સંબંધીઓને પણ સરળતાથી યુકેના વિઝા મળી જાય છે પરંતુ નવા નિયમોને કારણે તે આમ કરી શકશે નહીં. યુકેના વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું છે કે, આ નિર્ણયથી યુકેમાં સ્થળાંતર ઘટશે.
ઋષિ સુનકે કેબિનેટને જણાવ્યું કે, આ ફેરફાર જાન્યુઆરી 2024થી લાગુ કરવામાં આવશે. જેના કારણે સ્થળાંતરની સંખ્યામાં મોટો ફેરફાર થશે. જો કે, આ ક્ષણે તે સ્પષ્ટ નથી કે આ ઓફિશિયલ માઈગ્રેશન પર શું અસર કરશે. કારણ કે હાલમાં એક વર્ષથી ઓછા સમય માટે આવતા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોની ગણતરી કરવામાં આવતી નથી. ગયા અઠવાડિયે પણ સુનકે કહ્યું હતું કે, તેમના મંત્રીઓ સ્થળાંતર ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, આ દરમિયાન તેમણે એક્સેપ્ટેડ લેવલ્સ શું હશે તે અંગે ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો.
જાહેરાતમાં જણાવાયું છે કે, પોસ્ટ ગેજ્યુએટ વિદ્યાર્થીઓના માતા-પિતા અને બાળકો તેમજ સંશોધન કાર્યક્રમો પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ દરમિયાન યુકેમાં રહેવા માટે વિઝા આપવામાં આવશે નહીં. ગયા વર્ષે, યુકેએ વિદ્યાર્થીઓના આશ્રિતોને 1,35,788 વિઝા આપ્યા હતા. આ સંખ્યા 2021 કરતા 54,486 વધુ છે. 2020ની સરખામણીમાં આ સાત ગણું છે. બ્રેક્ઝિટ પછી યુરોપિયન ઇકોનોમિક એરિયા (EEA)ની રચના બાદ UKમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે.