Breaking News: નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક 1093ને પાર, 4500 લોકો હજુ લાપતા

નેપાળના પીએમ બાલેન શાહે હોનારતને હિમાલયની સુનામી ગણાવી છે.. તેઓએ જણાવ્યું હતું કે, આપણે આબોહવા પરિવર્તનના પરિણામે જે આફતોનો સામનો કરી રહ્યા છીએ તે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ મજબૂતીથી ઉઠાવવાનો સમય આવી ગયો છે.

Breaking News: નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક 1093ને પાર, 4500 લોકો હજુ લાપતા
| Updated on: Sep 02, 2026 | 9:24 AM

નેપાળમાં સર્જાયેલી ભયાનક હોનારતે ભારે તબાહી મચાવી છે. વિનાશક પૂર અને કાટમાળ વચ્ચે મૃત્યુઆંક વધીને 1093 પર પહોંચ્યો છે, જ્યારે હજુ પણ 4,500 લોકો લાપતા હોવાના અહેવાલ છે. રાહત અને બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 12 હજારથી વધુ લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

ચિત્તવન અને નવલપરાસીમાં સૌથી વધુ મૃતદેહ મળ્યા

હોનારતમાં સૌથી વધુ મૃતદેહ ચિત્તવનમાંથી મળી આવ્યા છે. ચિત્તવનમાંથી અત્યાર સુધીમાં 321 મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે નવલપરાસી પૂર્વ-પશ્ચિમમાંથી 431 મૃતદેહ મળ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત નુવાકોટમાં 95, ગોરખામાં 65, ધાદીંગમાં 57, રાસુવામાં 41 અને તાનાહુનમાં 38 મૃતદેહ મળી આવ્યા છે.

163 ભારતીય નાગરિકોનું રેસ્ક્યૂ

નેપાળમાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરી દરમિયાન કુલ 163 જેટલા ભારતીય નાગરિકોને પણ બચાવી લેવામાં આવ્યા છે. જોકે હજુ પણ 583 વિદેશી પ્રવાસીઓ લાપતા હોવાના અહેવાલને પગલે ચિંતા વધી છે. અલગ-અલગ વિસ્તારોમાં ફસાયેલા લોકોને શોધવા માટે બચાવ કામગીરી સતત ચાલી રહી છે.

2.2 મિલિયન ટન કાદવથી મુશ્કેલી વધી

હોનારત બાદ નેપાળના અનેક વિસ્તારોમાં કાદવ અને કાટમાળનું વિશાળ સામ્રાજ્ય સર્જાયું છે. એક અંદાજ મુજબ આશરે 2.2 મિલિયન ટન કાદવ એકઠો થયો છે, જેના કારણે રેસ્ક્યૂ ટીમોને લાપતા લોકોને શોધવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

દક્ષિણ કોરિયા 9 નાગરિકોને બચાવવા મોકલશે ખાસ ટીમ

નેપાળમાં ગુમ થયેલા પોતાના 9 નાગરિકોને શોધવા માટે દક્ષિણ કોરિયા ખાસ ટીમ મોકલશે. આ તમામ નાગરિકો હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરતા હતા. દક્ષિણ કોરિયા રાસુવામાં શોધ અને બચાવ કામગીરીને ટેકો આપવા માટે 44 સભ્યોની કટોકટી રાહત ટીમ મોકલશે. દરમિયાન નેપાળને અત્યાર સુધીમાં 42 મિલિયન અમેરિકી ડોલરથી વધુની સહાય મળી ચૂકી છે.

પીએમ બાલેન શાહે હોનારતને ગણાવી ‘હિમાલયની સુનામી’

નેપાળના વડાપ્રધાન બાલેન શાહે આ ભયાનક હોનારતને ‘હિમાલયની સુનામી’ ગણાવી છે. તેમણે કહ્યું કે આબોહવા પરિવર્તનના પરિણામે વિશ્વ જે પ્રકારની આફતોનો સામનો કરી રહ્યું છે, તેને આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ મજબૂતીથી ઉઠાવવાનો સમય આવી ગયો છે.

ગ્લેશિયર અસ્થિરતાને લઈને ચીનનો દાવો

ચીનના પ્રવક્તાએ પણ નેપાળની આ આપદા અંગે પ્રતિક્રિયા આપી છે. ચીનના જણાવ્યા અનુસાર, આ આપદા ગ્લોબલ વોર્મિંગની લાંબા ગાળાની અસરો હેઠળ ગ્લેશિયરની અસ્થિરતાને કારણે સર્જાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

બચાવ કામગીરી વચ્ચે વધતી ચિંતા

નેપાળમાં એક તરફ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે તો બીજી તરફ હજારો લોકો હજુ લાપતા છે. વિશાળ પ્રમાણમાં કાદવ અને કાટમાળ વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. સ્થાનિક તંત્ર ઉપરાંત વિવિધ દેશોની ટીમો પણ બચાવ કામગીરીમાં સહયોગ આપી રહી છે.

આ પણ વાંચો- જન્માષ્ટમી પર દ્વાપર યુગ જેવો મહાસંયોગ, આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે !

Follow Us
Loading...
Unable to load recommendations.