Breaking News : અમેરિકા સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાનના બંદર અબ્બાસ સહિત 10 શહેરમાં રહસ્યમય વિસ્ફોટ, જુઓ Video

અમેરિકા સાથે તણાવ વચ્ચે ઈરાનના બંદર અબ્બાસમાં ભીષણ વિસ્ફોટ થયો છે, જેમાં IRGC સંબંધિત ઇમારતને નુકસાન થયું છે અને 14 લોકોના મોતની આશંકા છે.

Breaking News : અમેરિકા સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાનના બંદર અબ્બાસ સહિત 10 શહેરમાં રહસ્યમય વિસ્ફોટ, જુઓ Video
| Updated on: Jan 31, 2026 | 8:21 PM

અમેરિકા સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાનમાંથી ગંભીર સમાચાર સામે આવી રહ્યા છે. દેશના દક્ષિણ ભાગમાં આવેલા મહત્વપૂર્ણ બંદર શહેર બંદર અબ્બાસમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં આઠ માળની રહેણાંક ઇમારતના બે માળ ધરાશાયી થયા હતા, જ્યારે નજીકમાં પાર્ક કરેલા અનેક વાહનો અને દુકાનોને પણ ભારે નુકસાન થયું હતું. હાલ વિસ્ફોટનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી.

ઈરાનના રાજ્ય મીડિયાના અહેવાલ મુજબ, બંદર અબ્બાસ શહેરમાં થયેલા વિસ્ફોટે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. વિસ્ફોટ એક બહુમાળી ઇમારતમાં થયો હોવાનું જાણવા મળ્યું છે, જે IRGC (ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ)ના ગેસ્ટહાઉસ સાથે સંકળાયેલું હતું. આ ઘટનામાં અનેક લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ વિસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે પર્સિયન ગલ્ફ વિસ્તારમાં અમેરિકાની લશ્કરી પ્રવૃત્તિમાં વધારો થયો છે. જેના કારણે આ ઘટનાને લઈને અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે. જોકે, ઇઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે આ વિસ્ફોટમાં ઇઝરાયલ અથવા અમેરિકા કોઈ રીતે સંકળાયેલા નથી.

રહેણાંક વિસ્તારોમાં થયો વિસ્ફોટ

પ્રાથમિક માહિતી મુજબ, આ વિસ્ફોટોમાં ચાર બાળકો સહિત કુલ 14 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં ઈરાનના છ શહેરોમાં વિસ્ફોટોની તસવીરો સામે આવી છે. રહેણાંક વિસ્તારોમાં થયેલા આ વિસ્ફોટોએ ભારે ભયનો માહોલ સર્જ્યો છે. સૌથી વધુ નુકસાન બંદર અબ્બાસ બંદરને થયું છે, જ્યારે પરમાણુ સુવિધાઓ ધરાવતા કેટલાક શહેરો પણ અસરગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ મુજબ, ઇસ્ફહાન, નતાન્ઝ અને સાવેહ—જે ઈરાનના મહત્વપૂર્ણ પરમાણુ પાવર પ્લાન્ટ ધરાવતા શહેરો છે—ત્યાં પણ વિસ્ફોટોની માહિતી મળી છે. ઉપરાંત, પાકદાશ્ત શહેરમાં પણ મોટા વિસ્ફોટોની ઘટના નોંધાઈ છે.

વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બંદર અબ્બાસના મોઆલેમ બુલવર્ડ પર આવેલી આઠ માળની ઇમારતમાં વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેના બે માળ સંપૂર્ણપણે નાશ પામી ગયા હતા. વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો, જેના કારણે લોકોમાં ભય અને ગભરાટ ફેલાઈ ગયો હતો.

આ વિસ્ફોટમાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડના નૌકાદળના કમાન્ડરને નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આ વચ્ચે, ઈરાનના આર્મી ચીફ અમીર હતામીએ દેશની સુરક્ષા બાબતે કડક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઈરાનની સશસ્ત્ર દળો સંપૂર્ણ રીતે સતર્ક છે અને કોઈપણ સંભવિત હુમલાનો જવાબ આપવા તૈયાર છે.

વિસ્ફોટનું વાસ્તવિક કારણ શું ?

બંદર અબ્બાસ ઈરાનનું વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ બંદર શહેર હોવાથી અહીં થયેલા વિસ્ફોટથી માત્ર સ્થાનિક પ્રશાસન નહીં પરંતુ સમગ્ર પ્રદેશમાં ચિંતા વધી છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ વિસ્ફોટનું વાસ્તવિક કારણ સામે ન આવે ત્યાં સુધી સસ્પેન્સ યથાવત છે.

આ ઘટનાને લઈને ઇઝરાયલી અધિકારીઓએ રોઇટર્સને જણાવ્યું છે કે ઇરાનમાં થયેલા આજના વિસ્ફોટોમાં ઇઝરાયલની કોઈ ભૂમિકા નથી. ઈરાનના રાજ્ય મીડિયા અનુસાર, બંદર અબ્બાસ શહેરની રહેણાંક ઇમારતમાં થયેલા વિસ્ફોટે બે માળ, અનેક વાહનો અને આસપાસની દુકાનોને નુકસાન પહોંચાડ્યું છે.

Published On - 7:59 pm, Sat, 31 January 26