Pakistan : આંતરીક ગૃહયુદ્ધ તરફ આગળ વધી રહેલા પાડોશી દેશ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન પર શાહબાઝ સરકાર અને પાકિસ્તાની સેનાએ કડક વલણ અપનાવવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વડા ઈમરાન ખાન, તેમની પત્ની બુશરા બીબી અને અન્ય પીટીઆઈના 80 સભ્યોને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. એટલે કે હવે આ લોકો દેશ છોડીને પણ ભાગી શકશે નહીં.
ઈમરાન પર આ નિયંત્રણ એવા સમયે કડક કરવામાં આવ્યો છે જ્યારે તેના પર આર્મી એક્ટ લગાવવાની તૈયારી ચાલી રહી છે. ઈમરાનની ધરપકડ બાદ 9 મેના રોજ સમગ્ર પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળી હતી. ઈમરાન પર હિંસાનું કાવતરું ઘડવાનો આરોપ છે. આના એક દિવસ પહેલા દેશને સંબોધિત કરતા ઈમરાન ખાને શહેબાઝ સરકાર અને સેના પર પીટીઆઈને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો હતો.
ઈમરાને કહ્યું હતું કે મારી પાર્ટી વિરુદ્ધ મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈમરાને ટ્વીટ કર્યું છે કે મારા 10,000 થી વધુ કાર્યકર્તાઓ અને નેતાઓને જેલમાં પુરી દેવાયા છે અને તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાનમાં ફાટી નીકળેલી હિંસા બાદ ઈમરાન ખાનને સતત ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઈમરાનના ખૂબ જ નજીકના અને પૂર્વ મંત્રી ફવાદ ચૌધરી સહિત પીટીઆઈના ઘણા મોટા નેતાઓએ હિંસાની ટીકા કરીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શાહબાઝ સરકાર ઈમરાનની પાર્ટી પીટીઆઈ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહી છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું હતું કે ઈમરાનની ધરપકડ બાદ પીટીઆઈ સમર્થકો દ્વારા દેશના સૈન્ય પ્રતિષ્ઠાન પર હુમલા બાદ સરકાર આ પગલું ઉઠાવવા પર વિચાર કરી રહી છે. ઈમરાનના સમર્થકોએ આઈએસઆઈ બિલ્ડિંગ, લાહોરમાં કોર્પ્સ કમાન્ડરના નિવાસસ્થાન અને મિયાંવાલી એરબેઝ સહિત અનેક લશ્કરી સંસ્થાઓમાં તોડફોડ કરી અને આગ લગાડી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો