
ઈરાન સાથે ચાલી રહેલા ઈઝરાયેલના યુદ્ધમાં શું હવે આરબ દેશોની પણ એન્ટ્રી થવાની છે? આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે, કારણ કે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું કહેવું છે કે, આરબ દેશોના નેતાઓ સાથે નવા ગઠબંધન બની રહ્યા છે, જેઓ આપણી તરફથી મળીને લડવાની વાત કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, નેતન્યાહૂએ કેબિનેટ બેઠક દરમિયાન આ વાત કહી હતી.
નેતન્યાહૂનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે તેમજ ખાડી દેશો પર ઈરાની હુમલાઓ ચાલુ છે. એક દિવસ પહેલા ઈઝરાયેલના રાજદૂતે પણ દાવો કર્યો હતો કે, ખાડી દેશો ઈઝરાયેલ પાસે મદદ માંગી રહ્યા છે.
PM Benjamin Netanyahu:
“We are forming alliances with Arab countries that are talking about fighting alongside us. In the past, I had secret conversations with Arab leaders. I told them, the moment Iran is able to, they will conquer you and topple your kingdoms. Back then, they… pic.twitter.com/2MSrOEc44Y
— Open Source Intel (@Osint613) March 31, 2026
નેતન્યાહૂએ કહ્યું, ‘પહેલા મેં આરબ નેતાઓ સાથે ગુપ્ત વાતચીત કરી હતી. મેં તેમને કહ્યું હતું કે, જેવી ઈરાનને તક મળશે, તે તમારા પર કબજો કરી લેશે અને તમારી સત્તા ઉખાડી ફેંકશે. તે સમયે તેમણે મારી વાતને ગંભીરતાથી લીધી ન હતી પરંતુ આજે તેઓ આ વાત સમજી રહ્યા છે.’ તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘અમે આરબ દેશો સાથે એવા ગઠબંધન બનાવી રહ્યા છીએ, જેઓ અમારી સાથે મળીને લડવાની વાત કરી રહ્યા છે.’
એક દિવસ પહેલા જ અમેરિકામાં રાજદૂત યેહિયલ લિટરએ એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે, ખાડી દેશો ઈઝરાયેલ પાસે મદદ માંગી રહ્યા છે. તેમણે દાવો કરતા કહ્યું હતું કે, ‘છેલ્લા એક મહિનામાં અમારા કેટલાક સાથીદારો વધુ નજીક આવ્યા છે. પછી તે UAE હોય કે બહેરીન, સાઉદી અરેબિયા હોય કે ઓમાન, મને લાગે છે કે તેઓ વધુ નજીક આવ્યા છે. અહીં સુધી કે, અમે કુવૈતની પણ નજીક આવ્યા છીએ. તેમણે અમારી પાસે મદદ માંગી છે.’ તેમણે એમ પણ કહ્યું કે, ઈઝરાયેલ અને તેના સાથી દેશો મળીને કામ કરતા રહેશે.
28 ફેબ્રુઆરીએ જ્યારે અમેરિકા અને ઈઝરાયેલે હુમલો કર્યો, ત્યારે તેમાં ઈરાનના તત્કાલીન સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈ માર્યા ગયા હતા. ત્યારબાદ યુદ્ધ ફાટી નીકળ્યું અને ઈરાને બદલો લેવા માટે તે ખાડી દેશો પર હુમલો કરી દીધો, જ્યાં અમેરિકાના સૈન્ય મથકો છે. ઈરાને “સાઉદી અરેબિયા, UAE, કતાર, કુવૈત, બહેરીન સહિતના અનેક ખાડી દેશો” પર મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા છે. આ હુમલાઓમાં અત્યાર સુધી ખાડી દેશોમાં 20 લોકોના મોત થયા છે.