
બાંગ્લાદેશના રંગપુર શહેરમાં એક હિન્દુ પરિવારના ચાર સભ્યોના શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં ચકચાર મચી છે. રંગપુરના દાસપાડા વિસ્તારમાં આવેલા તેમના બંધ ઘરમાંથી નિવૃત્ત શાળા શિક્ષક સહિત પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારબાદ CID તથા ઇન્ટેલિજન્સ બ્રાન્ચે પણ તપાસ શરૂ કરી છે.
મૃતકોની ઓળખ 65 વર્ષીય ગણપતિ ચક્રવર્તી, તેમની 50 વર્ષીય પત્ની પ્રીતિલતા ચક્રવર્તી, 23 વર્ષીય પુત્રી ઉદયક્ષા ચક્રવર્તી અને 12 વર્ષીય પુત્ર પ્રિયમ ચક્રવર્તી તરીકે થઈ છે. ગણપતિ ચક્રવર્તી રંગપુર જિલ્લા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને ગયા વર્ષે 31 ડિસેમ્બરે નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ તેઓ હોમિયોપેથીનો અભ્યાસ પણ કરી રહ્યા હતા.
પરિવારના જણાવ્યા મુજબ, પ્રીતિલતા ચક્રવર્તીની નાની બહેન પૂજા ચક્રવર્તીએ ગુરુવારે બપોરે તેમની સાથે છેલ્લી વખત વાત કરી હતી. ત્યારબાદ પરિવારના ચારેય સભ્યોના મોબાઇલ ફોન બંધ થઈ ગયા હતા. ગુરુવારની રાતથી તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો.
શનિવારે રાત્રે પરિવારના કેટલાક સભ્યો દાસપાડા વિસ્તારમાં આવેલા તેમના ઘરે પહોંચ્યા ત્યારે મુખ્ય દરવાજો બંધ હતો અને ઘરની તમામ લાઇટો પણ બંધ હતી. શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમે ઘરમાં પ્રવેશ કરીને તપાસ હાથ ધરતા પરિવારના ચારેય સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા હતા.
રંગપુર મેટ્રોપોલિટન CIDના અધિકારી સુબીર ચૌધરીના જણાવ્યા મુજબ, ગણપતિ ચક્રવર્તીનો મૃતદેહ ઘરની છત પરથી મળી આવ્યો હતો. તેમની પત્ની અને પુત્રીના મૃતદેહ સીડી પાસે હતા, જ્યારે 12 વર્ષીય પુત્ર પ્રિયમનો મૃતદેહ પલંગ નીચેથી મળી આવ્યો હતો.
પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે ગણપતિ ચક્રવર્તીનો કોઈ વ્યક્તિ સાથે વિવાદ કે દુશ્મની હોવાની તેમને જાણ નહોતી. પરિવારે દાસપાડા વિસ્તારમાં નવું ઘર બનાવ્યું હતું અને તેઓ ત્યાં જ રહેતા હતા.
ગણપતિની પુત્રી ઉદયક્ષાએ આ વર્ષની શરૂઆતમાં અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી હતી, જ્યારે તેમનો 12 વર્ષનો પુત્ર પ્રિયમ પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો હતો.
રંગપુર મેટ્રોપોલિટન કોતવાલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઓફિસર નજમુલ કાદરના જણાવ્યા અનુસાર, પોલીસ ઉપરાંત CID અને ઇન્ટેલિજન્સ બ્રાન્ચની ટીમ પણ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કર્યા છે.
હાલ પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે પરિવારના ચારેય સભ્યોના મોત ક્યારે અને કેવી રીતે થયા અને આ ઘટનાની પાછળનું કારણ શું છે. જોકે, પરિવારના મોતનું ચોક્કસ કારણ, ઘટનાક્રમ અને સંભવિત હેતુ અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પોલીસ હાલમાં ઘટનાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારી રહી છે.
સુરતના આ વિસ્તારમાં પાણીની લાઈન ફાટી અને થઈ જોવા જેવી, જુઓ Video