વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં ભાગ લેવા માટે આજે ઇન્ડોનેશિયાના બાલી જવા રવાના થશે. તેમની યાત્રા ત્રણ દિવસની રહેશે. બાલીમાં તેમના રોકાણ દરમિયાન પીએમ મોદી લગભગ 20 કાર્યક્રમોમાં ભાગ લેશે અને લગભગ 10 વિશ્વ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. G-20 સમિટમાં તેઓ ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, સ્વાસ્થ્ય અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને વૈશ્વિક અર્થતંત્ર જેવા મુદ્દાઓ પર ભારતનું વલણ રાખશે. શિખર સંમેલનની બાજુમાં, વડા પ્રધાન મોદી ઘણા નેતાઓ સાથે અલગ-અલગ દ્વિપક્ષીય બેઠક કરશે. જો કે તે શી જિનપિંગ સાથે મુલાકાત કરશે કે નહીં, તે હજુ સ્પષ્ટ નથી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
G-20 સમિટમાં પીએમ મોદી ઉપરાંત અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન, યુકેના નવા વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ભાગ લેશે. પીએમ 14 થી 16 નવેમ્બર સુધી બાલીના પ્રવાસે હશે. બાલીમાં 15 અને 16 નવેમ્બરે યોજાનારી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની આ સમિટ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ઇન્ડોનેશિયા આ વાર્ષિક સંમેલનના સમાપન સમારોહમાં ભારતને G-20 અધ્યક્ષપદ સોંપશે. ભારત 1 ડિસેમ્બરથી એક વર્ષ માટે જૂથની અધ્યક્ષતા કરશે.
પીએમ મોદી જી-20નું અધ્યક્ષપદ સંભાળશે
વડા પ્રધાન બાલી સમિટના સમાપન સત્રમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પાસેથી G20 અધ્યક્ષપદ સંભાળશે. ભારત સપ્ટેમ્બર 2023માં આગામી G20 સમિટનું આયોજન કરશે. આ ઉપરાંત, PM 15 નવેમ્બરના રોજ એક કાર્યક્રમમાં ભારતીય સમુદાય અને ભારતના મિત્રો સાથે સંબોધન અને વાર્તાલાપ પણ કરશે. ઈન્ડોનેશિયામાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાય છે. 16 નવેમ્બરે બાલી શિખર સંમેલન સમાપ્ત થયા બાદ મોદી રવાના થશે.
જી-20 સમિટમાં ભાગ લેવા માટે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક રવિવારે ઈન્ડોનેશિયા જવા રવાના થયા હતા. સુનકે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને ત્યાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સરકારની નિંદા કરવાનું વચન આપ્યું છે. પુતિન આ સમિટમાં ભાગ લેશે નહીં. તેમના સ્થાને વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ રશિયાનું પ્રતિનિધિત્વ કરશે. G20 જૂથમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ, અને યુરોપિયન યુનિયન (EU).
જિનપિંગ-બાયડેન વચ્ચે આ મુદ્દાઓ પર ચર્ચા થશે
G-20 એ આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનું એક મુખ્ય મંચ છે, જે વૈશ્વિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ના આશરે 85 ટકા, વૈશ્વિક વેપારના 75 ટકાથી વધુ અને વિશ્વની લગભગ બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આજે ઇન્ડોનેશિયાના બાલી પહોંચશે. તેમની સાથે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન પણ લાંબા સમયથી રાહ જોવાતી સમિટમાં ભાગ લેવા બાલી પહોંચશે. બંને નેતાઓ વચ્ચે યુક્રેન રશિયા યુદ્ધ, તાઈવાન મુદ્દો અને ઉત્તર કોરિયાની પરમાણુ મહત્વકાંક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.
Published On - 11:45 am, Mon, 14 November 22