Breaking News : કંગાળી આંટો વાઢી ગઈ, પાકિસ્તાનના ખેલાડીઓને એશિયન ગેમ્સ પહેલા મોટો ઝટકો, પોતાનાં ખર્ચે જાપાન જવું પડશે

પાકિસ્તાનના ટેબલ ટેનિસ ખેલાડીઓને 2026 એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે મોટો આંચકો લાગ્યો છે. ફેડરેશને જણાવ્યું છે કે ખેલાડીઓએ મુસાફરી, રહેવા અને અન્ય તમામ ખર્ચાઓ જાતે જ ઉઠાવવા પડશે.

Breaking News : કંગાળી આંટો વાઢી ગઈ, પાકિસ્તાનના ખેલાડીઓને એશિયન ગેમ્સ પહેલા મોટો ઝટકો, પોતાનાં ખર્ચે જાપાન જવું પડશે
| Updated on: Jun 14, 2026 | 7:42 PM

2026માં જાપાનમાં યોજાનારા એશિયન ગેમ્સ પહેલા પાકિસ્તાનના ટેબલ ટેનિસ ખેલાડીઓને મોટો આંચકો લાગ્યો છે. પાકિસ્તાન ટેબલ ટેનિસ ફેડરેશન (PTTF)એ સ્પષ્ટ કરી દીધું છે કે એશિયન ગેમ્સમાં ભાગ લેવા ઇચ્છતા ખેલાડીઓએ પોતાના મુસાફરી, રહેવા અને અન્ય તમામ ખર્ચની વ્યવસ્થા જાતે જ કરવી પડશે.

આ વર્ષે 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન જાપાનમાં એશિયન ગેમ્સનું આયોજન થવાનું છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધા પહેલા આવેલા આ નિર્ણયથી પાકિસ્તાની ટેબલ ટેનિસ વર્તુળમાં નિરાશા અને ચિંતા જોવા મળી રહી છે. ખેલાડીઓનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવા માટે પહેલેથી જ ભારે તૈયારી કરવી પડે છે, ત્યારે આર્થિક ભાર વધવાથી ઘણા ખેલાડીઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.

લાહોરમાં યોજાયેલા બે દિવસીય રાષ્ટ્રીય ટ્રાયલ્સ દરમિયાન ખેલાડીઓને આ નિર્ણય વિશે જાણ કરવામાં આવી હતી. કેટલાક ખેલાડીઓએ ફેડરેશનના અધિકારીઓને દૈનિક ભથ્થા અને મુસાફરી ખર્ચ અંગે પ્રશ્નો પૂછ્યા હતા, ત્યારે તેમને જણાવાયું કે ટ્રાયલ્સમાં ભાગ લેવા બદલ કોઈ ચૂકવણી કરવામાં આવશે નહીં. સાથે જ એશિયન ગેમ્સ માટે પસંદગી પામનારા ખેલાડીઓએ પોતાની એર ટિકિટ અને અન્ય મુસાફરી ખર્ચ પણ જાતે જ ઉઠાવવાના રહેશે.

એક ખેલાડીએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે ખેલાડીઓને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે ફેડરેશન તરફથી કોઈ આર્થિક સહાય આપવામાં આવશે નહીં. તેમના જણાવ્યા અનુસાર, ખેલાડીઓએ રહેવા અને અન્ય જરૂરી ખર્ચ માટે દરરોજ અંદાજે 50 ડોલર જેટલી રકમની વ્યવસ્થા પણ પોતે જ કરવી પડશે.

ખેલાડીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યા બાદ પીટીટીએફના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે હાલની પરિસ્થિતિમાં ટ્રાયલ્સનું આયોજન થઈ રહ્યું છે, તે જ મોટી બાબત છે. તેમણે દાવો કર્યો કે પાકિસ્તાન સ્પોર્ટ્સ બોર્ડ (PSB) તરફથી ફેડરેશનને કોઈ ગ્રાન્ટ મળી નથી, જેના કારણે આર્થિક મર્યાદાઓ વચ્ચે કામ કરવું પડી રહ્યું છે.

ખેલાડીઓનું માનવું છે કે રમતગમતના વિકાસ માટે આવી સ્થિતિ ચિંતાજનક છે. પૂરતા આર્થિક સહયોગના અભાવે પ્રતિભાશાળી ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવી શકે છે, જે દેશના રમતગમતના ભવિષ્ય માટે સારા સંકેતો નથી.

પાકિસ્તાનના ટેબલ ટેનિસ ઇતિહાસની વાત કરીએ તો દેશે અત્યાર સુધી એશિયન ગેમ્સ કે એશિયન ચેમ્પિયનશિપમાં એકપણ મેડલ જીત્યો નથી. ટેબલ ટેનિસમાં ચીન, દક્ષિણ કોરિયા, મલેશિયા અને ભારત જેવા દેશોનું લાંબા સમયથી પ્રભુત્વ રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાની ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક બનવું વધુ પડકારજનક બની શકે છે.

Italyમાં ભણવા ભારતીય વિદ્યાર્થીઓને કેટલા રૂપિયા સ્કોલરશિપ મળશે? જાણો

Follow Us