જાસૂસ બલૂનને લઈને અમેરિકા અને ચીન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, અમેરિકાએ, ચીનના જાસૂસ બલૂનને દરિયામાં તોડી પાડ્યું છે. હવે જાસૂસ બલૂનનો કાટમાળ એકઠો કરવામાં આવી રહ્યો છે. એક શંકાસ્પદ ચીની જાસૂસ બલૂનને શનિવારે ઉત્તર અમેરિકામાં સંવેદનશીલ લશ્કરી સ્થળો પરથી પસાર થયા બાદ કેરોલિના કિનારેથી તેને નીચે ઉતારવામાં આવ્યું હતું.
એક અમેરિકન અધિકારીને ટાંકીને સીએનએનએ અહેવાલ આપ્યો છે કે, અમેરિકાએ એટલાન્ટિક મહાસાગર પર ફરતા ચીનના જાસૂસ બલૂનને તોડી પાડ્યું હતું. સમાચાર અહેવાલો અનુસાર, અમેરિકાના પ્રમુખ જો બાઈડને બલૂનને નીચે ઉતારવાની મંજૂરી આપી હતી અને તેને લશ્કરી અધિકારીઓએ સમર્થન આપ્યું હતું.
એક અમેરિકન અધિકારીના જણાવ્યા અનુસાર, યુએસ સેનાએ કેરોલિનાસના દરિયાકાંઠે ચીની જાસૂસી બલૂનને તોડી પાડ્યું હતું. આ અઠવાડિયાની શરૂઆતમાં મોન્ટાનાના આકાશમાં બલૂન પ્રથમ વખત જોવા મળ્યુ હતુ. બલૂનને નીચે ઉતારવામાં આવે તે પહેલાં, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને ઉત્તર કેરોલિનામાં વિલ્મિંગ્ટન, દક્ષિણ કેરોલિનામાં ચાર્લસ્ટન અને દક્ષિણ કેરોલિનામાં મર્ટલ બીચના એરપોર્ટ માટે ગ્રાઉન્ડ સ્ટોપ જાહેર કર્યું હતું. એટલે કે અહીંની પ્રવૃત્તિ સદંતર બંધ થઈ ગઈ હતી. ટોચના સૈન્ય અધિકારીઓએ બલૂનને નીચે ઉતારવા અંગે ચેતવણી ઉચ્ચારી હતી, કારણ કે કથિત જાસૂસી બલૂનનો કાટમાળ જમીન પરના લોકો અને સંપત્તિ માટે જોખમ ઊભું કરી શકે છે.
“The United States on Saturday downed a suspected Chinese spy balloon off the Carolina coast after it traversed sensitive military sites across North America and became the latest flashpoint in tensions between Washington and Beijing,” reports The Associated Press
— ANI (@ANI) February 4, 2023
યુએસ ડિફેન્સ સેક્રેટરીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઈડનની સૂચનાને પગલે યુએસ ફાઇટર જેટ્સે યુએસ એરસ્પેસમાં સાઉથ કેરોલિનાના દરિયાકાંઠે સમુદ્રમાં ચીનના સર્વેલન્સ બલૂનને તોડી પાડ્યું હતું.
ત્રણ બસની સાઈઝ જેટલા મોટા આ બલૂન, અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનની ચીન મુલાકાત પહેલા જ જોવા મળ્યું હતું. પેન્ટાગોનના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ પેટ રાયડરે કહ્યું કે, જાસૂસી બલૂન પર નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ ચીને કહ્યું કે આ બલૂન તેનો નિર્ધારીત રસ્તો ભૂલી ગયુ છે. પરંતુ અમેરિકાએ આ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે અને બ્લિંકને ચીનનો પ્રવાસ રદ કર્યો.
પેન્ટાગોનના પ્રવક્તાએ કહ્યું હતું કે NORAD (નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ) આ જાસૂસી બલૂન પર ચાંપતી નજર રાખી રહ્યું છે. રાયડરે કહ્યું કે ગુરુવારે મોન્ટાનામાં બલૂન જોવા મળ્યો હતો. આની જાણ થતાં જ યુએસ સરકારે સંવેદનશીલ માહિતીને સુરક્ષિત રાખવા માટે તાત્કાલિક પગલાં લીધાં. તેમણે કહ્યું હતું કે બલૂન વાણિજ્યિક હવાઈ ક્ષેત્રની ઉપર છે અને જમીન પરના લોકો માટે કોઈ ખતરો નથી. સંયુક્ત ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ, જનરલ માર્ક માઈલી અને યુએસ નોર્ધન કમાન્ડના જનરલ ગ્લેન વેનહર્કને જમીન પર લોકોની સલામતી માટે સંભવિત ખતરાને ઝડપથી જવાબ આપવા સૂચના આપવામાં આવી હતી.