હાલમાં દેશ અને વિશ્વ માટે ચિંતાનું કેન્દ્ર અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul) છે. સિરિયલ બ્લાસ્ટ બાદ ફરી એકવાર મોટા આતંકવાદી ખતરાનો પડછાયો મંડરાઈ રહ્યો છે. કાબુલ એરપોર્ટ પર કોઈ અનિચ્છનીય બનાવ બનવાની સંભાવના છે અને હજુ પણ એરપોર્ટની અંદરથી બહાર સુધી લગભગ 70 હજાર લોકોની ભીડ છે.
ગઈકાલે સાંજે લગભગ 5 વાગ્યે જ્યારે કાબુલ એરપોર્ટના ગેટ પાસે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો, ત્યારે મૃતદેહો નાળામાં તરવા લાગ્યા. ઈજાગ્રસ્તો સારવાર માટે પાણીમાં તણાઈ રહ્યા હતા. સમગ્ર ગટરનું પાણી લોહીથી લાલ થઈ ગયું હતું, પરંતુ આજે અફઘાન નાગરિકો ફરીથી એ જ નાળા પાસે ભેગા થયા.
હજારો લોકો નાળા ઉપર અને નાળાની અંદર ઉભા રહીને તેમના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી રહ્યા હતા. જે દર્શાવે છે કે અફઘાનિસ્તાનમાં લોકો ફિદાયીન હુમલાઓ કરતાં વધારે તાલિબાનથી ડરે છે અને તેથી તેઓ તાલિબાન શાસનના પડછાયાથી પણ દૂર જવા માંગે છે. તે માટે તેઓ પોતાના જીવને પણ દાવ પર લગાવી રહ્યા છે. આ દરમિયાન કાબુલ સિરિયલ બ્લાસ્ટમાં મૃત્યુઆંક 170 પર પહોંચી ગયો છે. આ સમાચાર એક પ્રતિષ્ઠીત મીડીયા દ્વારા આવ્યા છે. બીજી બાજુ તાલિબાને દાવો કર્યો છે કે તેણે કાબુલ બ્લાસ્ટના કેસમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે.
કાબુલ એરપોર્ટ પર ફ્લાઈટ્સ ફરી શરૂ થઈ
દરમિયાન કાબુલ એરપોર્ટ પર આજે ફરી ફ્લાઈટ્સ શરૂ થઈ. 16 કલાક પછી જ્યારે આજે બપોરે 12 વાગ્યાથી ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી હતી, ત્યારે એરપોર્ટ પર લોકોની ભારે ભીડ ઉમટી હતી. વિમાનના ટેક-ઓફની જાહેરાત થતાં જ રનવે પર હજારોની ભીડ દેખાવા માંડે છે, એટલે કે આતંકવાદી હુમલાને કારણે એક તરફ કાબુલ એરપોર્ટ પર ગભરાટનો માહોલ છે.
ત્યારે બીજા હુમલાની સંભાવના પણ છે અને બીજી બાજુ અફઘાનિસ્તાન છોડવાને લઈને અફરાતફરીનો માહોલ છે. બીજી બાજુ કાબુલ હુમલા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનથી બચાવ કામગીરી તેજ કરી દીધી છે અને રાષ્ટ્રપતિ જો બાઈડેને કાબુલ હુમલાનો બદલો લેવાનો સંકલ્પ પણ કર્યો છે.
અમેરિકા ISIS-K પર મોટી કાર્યવાહી કરવાની તૈયારીમાં
સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે અમેરિકા ISIS-K પર મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. યુએસ એરફોર્સ આઈએસઆઈએસ-કે બેઝ પર હવાઈ હુમલો કરશે. અમેરિકી સૈનિકો અફઘાનિસ્તાન છોડે કે તરત જ અમેરિકા ISIS-Kના અડ્ડાઓનો નાશ કરશે.
26 ઓગસ્ટના રોજ જ્યારે કાબુલ એરપોર્ટના નોર્થ ગેટ પાસે પહેલો બોમ્બ વિસ્ફોટ થયો, ત્યારે ચારે બાજુ મૃતદેહો વેરવિખેર હતા અને ત્યાં ચીસો પડી રહી હતી. ગટરનું પાણી લોહીથી રંગાયેલું હતું. આખી ગટર લાલ થઈ ગઈ અને આ તસવીરો જોઈને સુપરપાવર અમેરિકા ગુસ્સાથી લાલચોળ થઈ ગયું.
પહેલા વિસ્ફોટ બાદ અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોને સૌપ્રથમ કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી બોમ્બ ધડાકા અંગે માહિતી આપી હતી, ત્યારબાદ વ્હાઈટ હાઉસમાં હલચલ વધી ગઈ હતી. રાષ્ટ્રપતિ જો બાઈડેને વ્હાઈટ હાઉસમાં ઈમરજન્સી બેઠક બોલાવી હતી. તે કેટલાક કલાકો સુધી વોર રૂમમાં હાજર રહ્યા હતા અને ત્યારબાદ કાબુલ પર હુમલો કરનાર આતંકી સંગઠન ISIS-Kને કડક ચેતવણી આપી હતી.
કાબુલ સિરિયલ બ્લાસ્ટમાં 13 અમેરિકી સૈનિકોના મોત
ગુરુવારે કાબુલ સિરિયલ બ્લાસ્ટમાં 12 મરીન અને એક નેવી કમાન્ડો સહિત 13 અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. આ સિવાય 15 અમેરિકન સૈનિકો પણ ઘાયલ થયા છે. અહેવાલ છે કે અમેરિકા સિવાય અન્ય મિત્ર દેશોના સૈનિકો પણ આ વિસ્ફોટોમાં ઘાયલ થયા હતા અને જેના કારણે બ્રિટન, ફ્રાન્સ, જર્મની સહિત ઘણા દેશોની ચિંતા મોટી બની હતી. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસને ગુરુવારે રાત્રે જ એક ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ બધાની વચ્ચે કાબુલ એરપોર્ટ પર આખી રાત ગોળીબાર ચાલુ રહ્યો અને ડરનો માહોલ બન્યો હતો.
સિરિયલ બ્લાસ્ટ બાદ કાબુલ એરપોર્ટ પર ડરનો માહોલ બન્યો છે. ત્યારે યુએસ એરફોર્સના વિમાને બચાવ કામગીરી તેજ કરી હતી. લગભગ બાર કલાકમાં 7500 લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. 14 ઓગસ્ટથી અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી 1 લાખ 5 હજાર લોકોને બહાર કાઢ્યા છે.
યુએસ પ્રમુખ બાઈડેને પણ સ્પષ્ટ કર્યું કે તેમનું આ મિશન ચાલુ રહેશે. બાઈડેને કહ્યું કે અમે આ ઘટનાથી ખૂબ જ ગુસ્સામાં અને આઘાતમાં છીએ, પરંતુ અમે આતંકવાદીઓથી ડરવાના નથી. કોઈ પણ સંજોગોમાં અમે તેમને અમારા મિશનને રોકવા નહીં દઈએ. લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવાનું અમારું મિશન ચાલુ રહેશે. મેં મારા કમાન્ડરને આદેશ આપ્યો છે કે તેઓ આઈએસઆઈએસ-કેની મિલકતો, તેમના આકાઓ અને ઠેકાણાઓને નષ્ટ કરવા માટે કોઈ નક્કર યોજના બનાવે. અમે તેમને પુરી તાકાત અને ચોકસાઈ સાથે નિયત સમય અને નિયત સ્થળે યોગ્ય જવાબ આપીશું.
કાબુલ સિરિયલ બ્લાસ્ટ બાદ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની સહિત તમામ મિત્ર દેશોનો પારો ઉંચો થઈ ગયો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ જો બાઈડેને તેમના સેનાના કમાન્ડરોને છૂટ આપી છે અને શક્ય છે કે ટૂંક સમયમાં યુએસ એરફોર્સના કમાન્ડરો ISIS ખુરાસનના ગઢમાં હવાઈ હુમલો કરી શકે છે. તે કાબુલમાં આતંક મચાવવાનો મોટો બદલો લઈ શકે છે.
કાબુલમાં પાછળ મૃત્યુ છે અને આગળ અંધકાર છે. આગળ શું થવાનું છે તે કોઈને ખબર નથી. ક્યારે, ક્યાં અને કેવી રીતે અચાનક આતંકવાદી હુમલો થઈ જાય તે ખબર નથી. ચારે બાજુ ભય અને ખતરો છે, કારણ કે અમેરિકાએ ફરી એક વખત કાબુલમાં વધુ આતંકવાદી હુમલા માટે એલર્ટ જાહેર કર્યું છે. અમેરિકાએ ચેતવણી આપી છે કે ISISના આતંકવાદીઓ ત્યાં અનેક આત્મઘાતી હુમલા કરી શકે છે. આ સાથે જ પેન્ટાગોને કાબુલમાં અમેરિકી સૈન્ય પર હુમલાની શક્યતા વ્યક્ત કરી છે. પેન્ટાગોન અનુસાર ISISના આતંકવાદીઓ અમેરિકી સેના પર હુમલો કરી શકે છે.