દુનિયાભરમાં ચીન કેટલી હદે જાસૂસીમાં ઘેરાયેલું છે તેનું વધુ એક ઉદાહરણ અમેરિકામાં જોવા મળ્યું. અહીં અમેરિકી સુરક્ષા નિયમનકારોએ સંદેશાવ્યવહારના ક્ષેત્રમાં કામ કરતી ચાઈના ટેલિકોમ કંપનીને 60 દિવસમાં દેશના બજારમાંથી બહાર નીકળવાનો આદેશ આપ્યો છે.
ચાઇના ટેલિકોમ (યુએસ) કોર્પને ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન (એફસીસી)ના આદેશ હેઠળ નિર્ધારિત સમયગાળામાં યુએસથી સ્થાનિક, આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સેવાઓ બંધ કરવી પડશે.
યુએસ ટેલિકોમ રેગ્યુલેટર ‘FCC’ એ દેશભરમાં જાસૂસીના ખતરાને ધ્યાનમાં રાખીને ચાઈના ટેલિકોમના લાઈસન્સ રદ કરી દીધા છે. જ્યારે ચીનની આ કંપનીને આગામી 20 વર્ષ સુધી અમેરિકામાં ટેલિકોમ સેવાઓ આપવાનો અધિકાર હતો.
એફસીસીને ડર છે કે ચીની કંપની યુએસ સંચારને અટકાવવા માટે, ગોપનીય માહિતીનો ઉપયોગ કરીને યુએસ વિરોધી જાસૂસી અને અન્ય હાનિકારક પ્રવૃત્તિઓમાં પણ સામેલ થઈ શકે છે. આ પહેલા ટ્રમ્પ પ્રશાસને પણ ચીની કંપનીઓ સામે કડક કાર્યવાહી કરી હતી. ભારતની વાત કરીએ તો, લદ્દાખમાં સર્જાયેલ સૈન્ય ઘર્ષણ બાદ, ચીની કંપનીઓની વિવિધ એપ્સ પર ભારત સરકારે પ્રતિબંધ મુક્યો હતો.
કંપની વિકલ્પોનો ઉપયોગ કરશે
અમેરિકાના નિર્ણય બાદ ચાઈના ટેલિકોમે કહ્યું છે કે FCCનો આ નિર્ણય નિરાશાજનક છે. કંપનીએ કહ્યું કે તેઓ તેમની સેવાઓ ચાલુ રાખવા માટે તમામ ઉપલબ્ધ વિકલ્પોનો ઉપયોગ કરશે. માનવામાં આવી રહ્યું છે કે ચીનની કંપનીએ આ મામલે કોર્ટનુ શરણ લેશે. પરંતુ નિષ્ણાતો માને છે કે રાષ્ટ્રીય સુરક્ષાના પ્રશ્ન પર યુએસ કોંગ્રેસ પણ બાઈડન વહીવટીતંત્રને ટેકો આપશે, તેથી ચીનની કંપનીઓનુ કોર્ટમાં જવાનુ પગલુ યોગ્ય નહી હોય.
વિશ્વભરમાં ચાઈનીઝ શેરો ગગડ્યા
ચાઈના ટેલિકોમ પર પ્રતિબંધના સમાચાર સામે આવતા જ અમેરિકામાં લિસ્ટેડ ચીની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો થયો હતો. આટલું જ નહીં હોંગકોંગમાં ચીની કંપનીઓના શેરને પણ આંચકો લાગ્યો છે. હેંગસેંગ ઈન્ડેક્સ 1 ટકા નીચે હતો. હેંગસેંગ ટેક ઈન્ડેક્સ 3 ટકાથી વધુ તૂટ્યો છે. મોટાભાગની ચીની કંપનીઓ Tencent, Alibaba, JD.com અને XD વગેરેના શેરમાં ઘટાડો થયો છે.
વિશ્વની સૌથી મોટી કંપની
વર્ષ 2019 માં, ચાઇના ટેલિકોમના વિશ્વભરમાં 335.5 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ હતા અને વિશ્વની સૌથી મોટી ફિક્સ્ડ લાઇન અને બ્રોડબેન્ડ ઓપરેટર હોવાનો દાવો કરવામાં આવે છે. તે યુ.એસ.માં ચીનની સરકારી કચેરીઓને પણ સેવાઓ પ્રદાન કરે છે. કંપનીની નજર અમેરિકામાં 4 મિલિયન ચીની અમેરિકન લોકો અને દર વર્ષે 2 મિલિયન પ્રવાસીઓ પર હતી. તેમજ 3 લાખ ચાઈનીઝ વિદ્યાર્થીઓ પણ તેના રડાર પર હતા.