
ડોનાલ્ડ ટ્રમ્પે, અમેરિકા અને બેલ્જિયમ વચ્ચે રાઉન્ડ ઓફ 16 મેચ પહેલા યુએસ ટીમના સ્ટ્રાઈકર ફોલારિન બાલોગન પર લાદવામાં આવેલ એક મેચનો પ્રતિબંધ હટાવવાનો પ્રયાસ કર્યો. આના માટે ટ્રમ્પે 3 ફોન પણ કર્યા હતા. ત્યારબાદ FIFA એ પ્રતિબંધ હટાવી દીધો. આ કારણે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સંસ્થા FIFAની નિષ્પક્ષતા અને પ્રક્રિયાગત અખંડિતતા સામે પ્રશ્નો ઉભા થયા.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ વખતે વિશ્વના કોઈ દેશ પર દાદાગીરી કે પછી ઈરાન સાથેના યુદ્ધ કે નાટોની આગામી સમિટને લઈને ચર્ચામાં નથી. આ મુદ્દો 2026 FIFA વર્લ્ડ કપનો છે, જેનું આયોજન યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકો સંયુક્ત રીતે કરી રહ્યા છે. યુએસ ટુર્નામેન્ટનું મુખ્ય યજમાન હોવાથી, અમેરિકન રાષ્ટ્રપતિ અને તેમના વહીવટીતંત્રે તેમાં ઊંડો રસ લીધો છે. આ બધાની વચ્ચે, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલી એક ઘટના પ્રકાશમાં આવી છે જે એક નિષ્પક્ષ અને ન્યાયી સંગઠન તરીકે FIFAની પ્રતિભાને જોખમમાં મૂકી છે.
આ ઘટના એક અમેરિકન ખેલાડીને આપવામાં આવેલા રેડ કાર્ડના પરિણામે એક મેચનો પ્રતિબંધ ઉથલાવી દેવાના ટ્રમ્પના પ્રયાસો પર કેન્દ્રિત છે. ખાસ કરીને, ટ્રમ્પે બેલ્જિયમ સામેની રાઉન્ડ ઓફ 16 મેચ પહેલા યુએસ સ્ટ્રાઈકર ફોલારિન બાલોગુન પરનો પ્રતિબંધ હટાવવા ફિફા ઉપર ભારે દબાણ કર્યું હતું. આશ્ચર્યજનક રીતે, FIFA એ ખરેખર યુએસ સ્ટ્રાઈકર ફોલારિન બાલોગુન પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો, જેના કારણે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સંસ્થાની નિષ્પક્ષતા અને નિયમોનું પાલન અંગે પ્રશ્નો ઉભા થયા હતા.
બોસ્નિયા અને હર્ઝેગોવિના સામે રાઉન્ડ ઓફ 32ની મેચ દરમિયાન યુએસ સ્ટ્રાઈકર ફોલારિન બાલોગુનને સીધુ રેડ કાર્ડ દેખાડવામાં આવ્યુ હતું. મેચ દરમિયાન, બાલોગુને બોસ્નિયન ડિફેન્ડર તારિક મુહારેમોવિચ સામે ફાઉલ કર્યો હતો. શરૂઆતમાં, રેફરીએ ફ્રી-કિક આપી નહોતી, પરંતુ વીડિઓ આસિસ્ટન્ટ રેફરી (VAR) દ્વારા સમીક્ષા અને સ્લો-મોશન રિપ્લેમાં જાણવા મળ્યું કે, બાલોગુનનો પગ મુહારેમોવિચના પગની ઘૂંટીના ઉપરના ભાગમાં વાગ્યો હતો.
આ ગંભીર ફાઉલ માટે તેને સીધુ રેડ કાર્ડ બતાવવામાં આવ્યુ હતુ. FIFAના નિયમો હેઠળ, રેડ કાર્ડ મળવાથી જે તે ખેલાડી માટે આપોઆપ એક મેચનું સસ્પેન્શન થાય છે. જેની અપીલ પણ કરી શકાતી નથી. આ નિયમને કારણે જ બાલોગુનને બેલ્જિયમ સામેની આગામી મેચમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. જોકે, હવે FIFA એ એક અણધાર્યા નિર્ણયમાં આ પ્રતિબંધને સ્થગિત કરી દીધો છે, જેનાથી વધુ વિવાદ ઉભો થયો છે.
અમેરિકન સ્ટ્રાઈકર ફોલારિન બાલોગન પરનો એક મેચનો પ્રતિબંધ હટાવવામાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વહીવટીતંત્રે મુખ્ય અને અણધારી ભૂમિકા ભજવી હતી. ટ્રમ્પે નિર્ણયને રદ કરવા માટે વ્હાઇટ હાઉસના અધિકારીઓ સાથે પડદા પાછળ ઝુંબેશ ચલાવી હતી.
ટ્રમ્પે વ્યક્તિગત રીતે FIFA પ્રમુખ ગિયાની ઇન્ફેન્ટિનોને ફોન કર્યો, તેમને બાલોગુનના સસ્પેન્શન અંગે સમીક્ષા કરવા વિનંતી કરી. ધ ગાર્ડિયને સૂત્રોના હવાલેથી પ્રકાશીત કરેલ અહેવાલમાં જણાવાયું છે કે ટ્રમ્પે નિર્ણયને ઉલટાવી દેવા માટે ઓછામાં ઓછા ત્રણ વખત FIFA પ્રમુખ અને અધિકારીઓ સાથે વાત કરી હતી.
ટ્રમ્પે તેમના સહાયકોને, બાલોગુન પરના પ્રતિબંધ હટાવવાનો માર્ગ શોધવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. ટ્રમ્પનું માનવું હતું કે આ નિર્ણય અમેરિકાની ટુર્નામેન્ટમાં આગળ વધવાની શક્યતાઓને જોખમમાં મૂકી રહ્યો છે. વ્હાઇટ હાઉસ વર્લ્ડ કપ ટાસ્ક ફોર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એન્ડ્રુ ગિયુલિયાની અને વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિક આ પ્રક્રિયામાં સક્રિય રીતે સામેલ હતા અને FIFA સાથે પણ વાતચીત કરી હતી. લુટનિક મેચ દરમિયાન ઇન્ફેન્ટિનોની બાજુમાં પણ બેઠા હતા અને તેમની સાથે તાજેતરની બેઠકો પણ કરી હતી.
અમેરિકાના જાણીતા અખબારો ધ ન્યૂ યોર્ક પોસ્ટ અને ધ વોલ સ્ટ્રીટ જર્નલમાં છપાયેલા અહેવાલ અનુસાર, વહીવટીતંત્રે કાનૂની સલાહકારોની મદદથી ખેલાડીને આપવામાં આવેલા રેડ કાર્ડને પડકારવા માટે યુએસ સોકર ફેડરેશનને કાનૂની દસ્તાવેજો (નોટિસ) મોકલ્યા. જેમાં એવો ઉલ્લેખ કરાયો હતો કે, VAR દ્વારા સ્લો-મોશન રિપ્લે અને ફ્રીઝ-ફ્રેમ પર ભારે નિર્ભરતા પર પ્રશ્ન ઉઠાવે છે જેના પર કાનૂની પડકાર ઊભો કરવામાં આવ્યો હતો. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ જાહેરમાં જણાવ્યું હતું કે, રેડ કાર્ડ દેખાડવું એ અમેરિકા સામે અન્યાય હતો અને આ નિર્ણય સામે અપીલ પ્રક્રિયા શરૂ કરવાની હાકલ કરી હતી.
ફિફાએ ફોલારિન બાલોગુનના સસ્પેન્શનને પલટાવી દેવા માટે સત્તાવાર રીતે કોઈ નક્કર કારણ કે સમજૂતી આપી નથી. આ નિર્ણયથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે, કારણ કે ફિફાના નિયમો હેઠળ સીધા રેડ કાર્ડ સામે અપીલ કરવાની કોઈ જોગવાઈ નથી. જો કે, સસ્પેન્શન ઉઠાવવા માટે ફિફા દ્વારા ટાંકવામાં આવેલા નિયમો અને આધારોમાં ફિફા શિસ્ત સંહિતા અને વચગાળાની રાહતની જોગવાઈઓ સામેલ છે.