અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ હવે તાલિબાન આતંકવાદીઓ અને પાકિસ્તાન વચ્ચે વિવાદ વધી રહ્યો છે. તાલિબાનના શાસન હેઠળ, જ્યાં તહરીક-એ-તાલિબાન આતંકવાદીઓ સતત પાકિસ્તાની સેના અને પોલીસ પર ભીષણ હુમલાઓ કરી રહ્યા છે. હવે તાલિબાન આતંકવાદીઓએ પાકિસ્તાન સાથેની તોરખામ સરહદ બંધ કરી દીધી છે.
તોરખામ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મુખ્ય વેપાર સરહદ છે. તાલિબાને કહ્યું કે, પાકિસ્તાન તેના વચનો પૂરા કરી રહ્યું નથી. તાલિબાનના વિદેશ મંત્રાલયે પણ ટીટીપીને લઈને પાકિસ્તાનને ચેતવણી આપી છે.
પાકિસ્તાની અખબાર ડૉનના અહેવાલ મુજબ, તોરખામના તાલિબાનના કમિશનરે કહ્યું કે, બોર્ડરને મુસાફરી અને પરિવહન વેપાર માટે બંધ કરી દેવામાં આવી છે. તાલિબાન કમિશ્નર મૌલવી મોહમ્મદ સિદ્દીકીએ ટ્વીટ કર્યું, પાકિસ્તાને તેના વચનો પૂરા કર્યા નથી અને તેના કારણે અમારા નેતૃત્વના નિર્દેશ પર સરહદ બંધ કરી દેવામાં આવી છે. તેમણે અફઘાનિસ્તાનના લોકોને પૂર્વી નાંગરહાર પ્રાંતમાં બોર્ડર પોસ્ટ પર મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપી હતી.
તાલિબાને જણાવ્યું નથી કે પાકિસ્તાને કયા વચનો પૂરા કર્યા નથી. અહેવાલો મુજબ તાલિબાન ગુસ્સે છે કે પાકિસ્તાને અફઘાન નાગરિકોને સારવાર માટે આવતા અટકાવ્યા છે. આ સરહદી ચોકી બંધ થવાથી પાકિસ્તાનને પણ મોટો ફટકો પડ્યો છે, પાકિસ્તાન આ માર્ગ દ્વારા મધ્ય એશિયાના દેશોમાં વેપાર કરે છે. તાલિબાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા કહાર બલ્કીએ પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલને ચેતવણી આપતા કહ્યું કે, અફઘાનિસ્તાનની સુરક્ષા દુનિયાના ઘણા દેશો કરતા સારી છે.
આ પહેલા બિલાવલે મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અમે અફઘાનિસ્તાન પર હુમલો કરવા નથી માંગતા, જે ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન કરવા નથી માગતા. બિલાવલે કહ્યું હતું કે પાકિસ્તાન તાલિબાન ISKP અને અફઘાનિસ્તાનમાં સક્રિય અન્ય આતંકવાદી જૂથો વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી અપેક્ષા રાખે છે. તેઓ સંમત થયા કે તાલિબાન દ્વારા સત્તા સંભાળ્યા બાદ પાકિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ વધુ ખરાબ થઈ છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રીના આ નિવેદન પર તાલિબાનના પ્રવક્તા કહાર બલ્કીએ કહ્યું કે અમે પાકિસ્તાનને સલાહ આપીએ છીએ કે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ફરિયાદ કરવાને બદલે દ્વિપક્ષીય મુદ્દાઓ પર સામસામે ચર્ચા કરે.