અમેરિકાનું મોટુ ઓપરેશન, અલ કાયદાનો ચીફ અલ જવાહિરી ઠાર મરાયો

અમેરિકાને (America) મોટી સફળતા મળી છે. અમેરિકાના ડ્રોન હુમલામાં અલ કાયદા ચીફ અને ખતરનાક આતંકવાદી અલ જવાહિરીનું મોત થયું છે. અલ-જવાહિરી (al-Zawahiri) પર 2.5 મિલિયન અમેરિકી ડોલરનું ઇનામ રાખવામાં આવ્યું હતું.

અમેરિકાનું મોટુ ઓપરેશન, અલ કાયદાનો ચીફ અલ જવાહિરી ઠાર મરાયો
Ayman al-Zawahiri (File image)
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Aug 02, 2022 | 7:21 AM

અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે આતંકી સંગઠન અલ કાયદાના (Al Qaeda) નેતા અયમાન અલ-જવાહિરીને (Ayman al-Zawahiri killed) ડ્રોન હુમલામાં (Drone strike) માર્યો છે. 2011માં ઓસામા બિન લાદેનની હત્યા બાદ અલ કાયદા માટે આ સૌથી મોટો ફટકો છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં CIAના ડ્રોન દ્વારા જવાહિરીને ઠાર કરવામાં આવ્યો છે. કેટલાક મીડિયા અહેવાલોમાં પણ એ વાત સામે આવી છે કે અલ-કાયદાનો અગ્રણી નેતા અયમાન અલ-જવાહિરી, અફઘાનિસ્તાનમાં સપ્તાહના અંતે યુએસ સ્ટ્રાઈકમાં ઠાર મરાયો છે.

રાષ્ટ્રપતિ જો બાઈડેને સમાચારની કરી પુષ્ટિ

જો કે હવે આ સમાચારની પુષ્ટિ ખુદ રાષ્ટ્રપતિ જો બાઈડેને પોતાના સંબોધનમાં કરી છે. સોમવારે સાંજે પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ બિડેને કહ્યું કે ‘ન્યાયની જીત થઈ છે. કાબુલમાં થયેલા હવાઈ હુમલામાં અલ કાયદાના નેતા અયમાન અલ-જવાહિરીનું મોત થયું છે. સ્પષ્ટપણે, જો તમે અમારા લોકો માટે ખતરો છો, તો અમેરિકા તમને શોધી કાઢશે. પછી ભલે તમે ગમે ત્યાં છુપાઈ જાઓ, અને પછી ભલે તેમાં કેટલો પણ સમય લાગે.’

બાઈડેને કહ્યું કે શનિવારે મારી સૂચના પર અફઘાનિસ્તાનના કાબુલમાં સફળતાપૂર્વક ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અલ કાયદાનો નેતા અયમાન અલ-જવાહિરી માર્યો ગયો હતો. 11 નવેમ્બર 2001ના હુમલાના પીડિતોને ન્યાય અપાવવાની દિશામાં આ એક બીજું પગલું છે. અંતે તેણે કહ્યું- હવે ન્યાય મળ્યો છે. બિડેને કહ્યું કે હવે હું ક્યારેય અફઘાનિસ્તાનને આતંકવાદીઓ માટે સુરક્ષિત સ્થળ બનવા નહીં દઉં. સાથે જ, ભવિષ્યમાં પણ આવું ન થાય તેનું ધ્યાન રાખીશ.

કોણ હતો અલ જવાહિરી

  • 1951માં ઈજીપ્તના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ
  • બાળપણથી જ કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત
  • 14 વર્ષની ઉંમરમાં મુસ્લિમ બ્રધરહુડ સાથે જોડાયો
  • 15 વર્ષની ઉંમરમાં પ્રથમવાર જેલમાં ગયો
  • 1974માં કાહિરાથી MBBS કર્યું અને 1978માં માસ્ટર ઓફ સર્જરી કરી
  • ઇજિપ્તિયન ઇસ્લામિક જેહાદ એટલે કે EIJ બનાવ્યું
  • 1984માં સઉદી અરબમાં લાદેન સાથે પ્રથમવાર મુલાકાત અને 1985માં લાદેન સાથે પાકિસ્તાનના પેશાવરમાં રહ્યો
  • 1998-99માં EIJનું અલકાયદમાં જોડાણ કર્યું
  • લાદેન સાથે મળીને આતંકી ષડયંત્ર રચ્યા
  • અમેરિકામાં થયેલા 9/11 હુમલાનો માસ્ટર માઇન્ડ
  • લાદેનના મોત બાદ અલકાયદાનો ચીફ બન્યો, અમેરિકાએ 2.5 કરોડ ડોલરનું ઇનામ રાખ્યું હતું

જવાહિરીએ 9/11ના હુમલામાં મદદ કરી હતી

ઇજિપ્તનો ડૉક્ટર અને સર્જન જવાહિરીએ 11 સપ્ટેમ્બર, 2001ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સમાં થયેલા હુમલામાં ચાર વિમાનોને હાઇજેક કરવામાં મદદ કરી હતી. તેમાંથી બે પ્લેન વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC)ના બંને ટાવર સાથે અથડાયા હતા. જ્યારે ત્રીજું વિમાન અમેરિકી સંરક્ષણ મંત્રાલય એટલે કે પેન્ટાગોન સાથે ટકરાયું હતું. ચોથું વિમાન શેન્કવિલેના એક ખેતરમાં ક્રેશ થયું હતું. આ ઘટનામાં 3,000 લોકો માર્યા ગયા હતા.

11 સપ્ટેમ્બરના હુમલા બાદ 2001ના અંતમાં અમેરિકી દળોએ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને તોડી પાડી ત્યારે બિન લાદેન અને જવાહિરી બંને ભાગી ગયા હતા. બાદમાં લાદેનને 2011માં પાકિસ્તાનમાં અમેરિકી દળો દ્વારા માર્યો ગયો હતો.

Published On - 6:17 am, Tue, 2 August 22