
હાલમાં કોરોનાની સ્થિતીને જોતા કેટલાક દેશોએ ભારતથી સીધી ફ્લાઇટને બેન કરી દીધી છે જેને કારણે અભ્યાસ માટે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જ ગુજરાત સહિત સમગ્ર ભારતમાંથી કેનેડા (Canada) જઇ રહેલા 250 જેટલા વિદ્યાર્થીઓ સર્બિયાના (Serbia) બેલગ્રેડ એરપોર્ટ પર ફસાયા છે.
ભારતથી કેનેડાની ડાયરેક્ટ ફ્લાઇટ જતી ન હોવાને કારણે આ વિદ્યાર્થીઓ બેલગ્રેડ (Belgrade Airport) થઇને કેનેડા જઇ રહ્યા હતા. જોકે એમ્બેસીની મદદથી તેમને બહાર કાઢીને હાલમાં હોટલમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, આ વિદ્યાર્થીઓમાં અમદાવાદની પરિતા અમિન (Parita Amin) સહિત કેટલાક ગુજરાતના વિદ્યાર્થીઓ પણ સામેલ છે. સર્બિયાએ અચાનક જ કોરોના ગાઇડલાઇનમાં ફેરફાર કરતા વિદ્યાર્થીઓ ફસાયા હતા. નવા નિયમ પ્રમાણે પ્રવાસીઓ માટે 7 દિવસનો ક્વોરન્ટાઈન પિરીયડ ફરજિયાત કરવામાં આવ્યો હતો, જેનો અંદાજો આ વિદ્યાર્થીઓને ન હતો. આ વિદ્યાર્થીઓને હાલમાં એમ્બેસી દ્વારા હોટલમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. પરંતુ આ વિદ્યાર્થીઓના પરિવારજનો હાલ ચિંતામાં મુકાયા છે
ડબલ રૂપિયા ચૂકવીને પહોંચી રહ્યા છે કેનેડા
ભારતથી કેનેડાની સીધી ફ્લાઇટ બેન થવાથી વિદ્યાર્થીઓ બેલગ્રેડ અથવા તો એમ્સ્ટરડેમ થઇને કેનેડા પહોંચી રહ્યા છે, જેમના માટે તેમણે ડબલ રૂપિયા ખર્ચવા પડે છે. પહેલા કેનેડા જવા માટે 50 થી 80 હજારની ટિકીટ મળી રહી હતી, પરંતુ હવે અન્ય દેશ ફરીને જવુ પડતું હોવાથી 2 લાખ સુધીનો ખર્ચ થાય છે
વિઝા કન્સલ્ટન્ટ હિતેશ પટેલના જણાવ્યા પ્રમાણે, કેટલાક એજન્ટો વિદ્યાર્થીઓને કેનેડા પહોંચાડવા માટે વિવિધ પ્રકારના માર્ગ અપનાવી લે છે, પરંતુ તેનાથી વિદ્યાર્થીઓ મુસીબતમાં મુકાય શકે છે. અચાનક જ બેલગ્રેડ એરપોર્ટ પર લોકોની અવર-જવર વધી જતા સરકારે કોરોના ગાઇડલાઇનમાં બદલાવ કર્યો અને 7 દિવસનો ક્વોરન્ટાઈન પિરીયડ જાહેર કર્યો. જેના કારણે પોતાની સાથે લિમીટેડ કેશ લઇને ગયેલા વિદ્યાર્થીઓ ભારે મુસીબતમાં મુકાયા છે.
હિતેશ પટેલનું કહેવુ છે કે, જે પણ વિદ્યાર્થીઓ વિદેશ જવા માંગે છે, તેમણે ચિંતા કરવાની કોઇ જરૂર નથી. કોરોનાના કેસ નિયંત્રણમાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માટે ડાયરેક્ટ ફ્લાઇટને મંજૂરી આપશે.
Published On - 12:48 pm, Tue, 13 July 21