અફઘાનિસ્તાન (Afghanistan)ના નાંગરહાર પ્રાંતમાં લગભગ 100 ઈસ્લામિક સ્ટેટ (Islamic State) સાથે જોડાયેલા આતંકવાદીઓએ આત્મ સમર્પણ કર્યું છે. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ નાંગરહાર જનરલ ડિરેક્ટોરેટ ઓફ ઈન્ટેલિજન્સ (GDI) ઓફિસના ડિરેક્ટર મોહમ્મદ બશીરને ટાંકીને જણાવ્યું હતું કે લગભગ 100 ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ 23 નવેમ્બરની સવારે નંગરહારની રાજધાની જલાલાબાદ શહેરમાં નાંગરહાર જનરલ જીડીઆઈ અધિકારીઓ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી.
બશીરે જણાવ્યું કે આત્મ સમર્પણ કરનારા આતંકવાદીઓ મોહમ્મદ દારા, છાપરહાર, કોટ અને ખોગિયાની જિલ્લામાં સક્રિય હતા. આ મામલે અધિકારીઓનું કહેવું છે કે આ બળવાખોરોના આત્મ સમર્પણથી નાંગરહાર પ્રાંતમાં શાંતિ અને સ્થિરતા આવશે. આત્મ સમર્પણ કરનાર આતંકવાદીઓએ ઇસ્લામિક સ્ટેટના આતંકીઓને તેમના શસ્ત્રો નીચે મૂકવા કહ્યું છે. ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાને હજુ સુધી આ શરણાગતિ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
આપને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન પર તાલિબાન (Taliban)નો કબજો થયો ત્યારથી ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન નાંગરહાર અને કાબુલ (Kabul) સહિત ઘણા વિસ્તારોમાં હુમલા કરી ચુક્યું છે. આ હુમલાઓમાં સેંકડો નાગરિકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે. તાલિબાન સતત કહે છે કે તે ઈસ્લામિક સ્ટેટને અંકુશમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નાંગરહાર વિસ્તારને ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાનનો ગઢ માનવામાં આવે છે. નાંગરહાર પ્રાંતનો ચપરહાર જિલ્લો લાંબા સમયથી ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાનનો ગઢ રહ્યો છે. ઇસ્લામિક સ્ટેટ 2014 થી આ ક્ષેત્રમાં હાજર છે. છાપરહારના તાલિબાન ગવર્નર આઈનુદ્દીને પણ સ્વીકાર્યું છે કે આ વિસ્તારમાં ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા કેટલાક આતંકવાદીઓ છે.
આ આતંકીઓના આત્મ સમર્પણથી નાંગરહાર પ્રાંતમાં શાંતિ આવશે તેવું ત્યાના અધિકારીઓનું કહેવું છે. ત્યારે 15 ઓગસ્ટના અફઘાનિસ્તાન પર તાલિબાન શાસન આવ્યા બાદના ઘટનાક્રમ પર જો નજર કરીએ તો ઘણી ઘટનાઓ ઘટી જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ઘાનીનું દેશ છોડી જવું, અમેરિકાની સેનાનું પરત જવું, બોમ્બ બ્લાસ્ટ થવા તેમજ મહિલાઓ પર અત્યાચાર તથા તાલિબાનો દ્વારા નીત નવા ફરમાન જારી કરવાથી લઈ પંજશીર પર કબજાના દાવા આ તમામ ઘટનાઓથી અફઘાનિસ્તાન હાલ સ્થિતિ અત્યંત દયનીય છે.
આ પણ વાંચો: Covid in Germany: જર્મનીમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર!, સ્વાસ્થ્ય મંત્રીએ આપી એવી ચેતવણી કે લોકો ચોંકી ગયા
આ પણ વાંચો: ઈઝરાયેલે કૃષિ ક્ષેત્રે આ રાજ્યની કરી પ્રશંસા, ભવિષ્યમાં ઈઝરાયલ ભારતના વિવિધ રાજ્યોમાં અનેક પ્રોજેક્ટ સ્થાપશે