ઘણી વખત મહિલાઓ લેબર પેઈન અને બાળકને જન્મ આપતી વખતે કેવી રીતે કાળજી લેવી તે અંગે વધુ પડતું વિચાર કરતી હોય છે, તેના કારણે સ્ટ્રેસની સ્થિતિ સર્જાય છે. આ સિવાય ગર્ભવતી મહિલા કામની જવાબદારીઓ, ઘર અને પરિવાર વચ્ચે સંતુલન સાધવાની ચિંતા પણ સ્ટ્રેસ આપે છે. કારણ ગમે તે હોય, પરંતુ સ્ટ્રેસની માતા અને બાળક બંને પર ખરાબ અસર પડે છે. અહીં જાણો સ્ટ્રેસથી થતા નુકસાન અને તેનાથી બચવાના ઉપાયો.
અતિશય સ્ટ્રેસ ગર્ભપાતનું કારણ બની શકે છે
તજજ્ઞોના મતે ઘણી વખત સ્ટ્રેસને કારણે ગર્ભાવસ્થામાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. કેટલીકવાર અતિશય સ્ટ્રેસને કારણે મહિલાનું બીપી વધી જાય છે, જેના કારણે ગર્ભપાતની સ્થિતિ સર્જાય છે. આ સિવાય પ્રી-મેચ્યોર ડિલિવરીની સ્થિતિ પણ આવી શકે છે. સ્ટ્રેસ લેવાથી મહિલાની ઊંઘમાં ખલેલ પહોંચે છે, ભૂખ નથી લાગતી અને બાળકના સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર પડે છે. તજજ્ઞોનું માનવું છે કે જે મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતો સ્ટ્રેસ લે છે તેમના બાળકોની રોગપ્રતિકારક શક્તિ અન્ય બાળકો કરતા નબળી હોય છે. આ સિવાય સ્ત્રીના સ્ટ્રેસની અસર બાળકના સ્વભાવ પર પણ પડે છે. આ કારણે બાળકના સ્વભાવમાં ગુસ્સો, ચીડિયાપણું અને તણાવ લેવાની ટેવ વિકસે છે.
સ્ટ્રેસ સાથે વ્યવહાર કરવાની રીતો
1. તમારી જાતને વ્યસ્ત રાખો
સ્ટ્રેસથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમારી જાતને વ્યસ્ત રાખો. પોતાને એટલો સમય ન આપો કે તમારા મનમાં ખોટા વિચારો આવે. વ્યસ્ત રહેવા માટે, તમે તમારા ફ્રી સમયમાં તમારા મનપસંદ કામ જેમ કે પેઇન્ટિંગ, સ્કેચિંગ, ગાયન, વાંચન વગેરે કરી શકો છો. તમારું આ કામ તમારા બાળક પર પણ અસર કરશે અને તમારું બાળક પણ સર્જનાત્મક બનશે.
2. પુરતી ઊંઘ મેળવો
જો તમે તમારી જાતને વ્યસ્ત રાખશો તો તમારું મન શાંત રહેશે અને વ્યસ્તતાને કારણે શરીર થાકી જશે. આ રીતે તમને સારી ઊંઘ આવશે. ગર્ભાવસ્થા દરમિયાન નવ કલાકની સારી ઊંઘ લેવાથી તમારો તણાવ પણ ઓછો થશે અને બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
3. પુસ્તકો વાંચો
ગર્ભાવસ્થા દરમિયાન પુસ્તકો વાંચવાની ટેવ ખૂબ જ સારી માનવામાં આવે છે. આ કારણે તમારા બાળકનો આઈક્યુ પણ વધે છે. પુસ્તકોને સ્ટ્રેસ બસ્ટર કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં કેટલાક ધાર્મિક પુસ્તકો વાંચો, સાથે જ એવા પુસ્તકો પણ વાંચો જે તમને સકારાત્મકતા આપે છે અને તમારી આસપાસની વાઇબ્સ સારી રાખે છે.
4. ધ્યાન કરવાની ટેવ પાડો
નિયમિત રીતે ધ્યાન કરવાની ટેવ પાડો. ધ્યાન તમારા મનને કેન્દ્રિત અને શાંત બનાવે છે. આ સિવાય એક્સપર્ટની સૂચના મુજબ કેટલીક સરળ કસરતો કરો. આ તમને તણાવ ઘટાડવામાં ઘણી મદદ કરશે.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)
આ પણ વાંચોઃ UPSC CDS 2 Result 2021: UPSC CDS 2 લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર થયું, અહીં સીધી લિંકમાં તમારુ પરિણામ તપાસો
Published On - 8:21 pm, Wed, 22 December 21