
આજના ડિજિટલ યુગમાં મોબાઇલ, લેપટોપ અને કમ્પ્યુટરનો ઉપયોગ જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. લાંબા સમય સુધી સ્ક્રીન સામે બેસવાના કારણે આંખોમાં થાક, બળતરા અને ડ્રાયનેસ જેવી સમસ્યાઓ સામાન્ય બની રહી છે. જોકે, ઘણા લોકો એવું માને છે કે આંખો સૂકાઈ જવાનું એકમાત્ર કારણ વધુ સ્ક્રીન ટાઇમ છે. હકીકતમાં આવું નથી. ડ્રાય આઈ સિન્ડ્રોમ (Dry Eye Syndrome) પાછળ અનેક અન્ય કારણો પણ જવાબદાર હોઈ શકે છે.
ડ્રાય આઈ એવી સ્થિતિ છે જેમાં આંખોમાં પૂરતા પ્રમાણમાં આંસુ બનતા નથી અથવા બનેલા આંસુ ઝડપથી સૂકાઈ જાય છે. પરિણામે આંખોમાં બળતરા, ખંજવાળ, ચુભન, લાલાશ, ધૂંધળું દેખાવું અથવા આંખમાં કંઈક ફસાઈ ગયું હોય તેવી લાગણી અનુભવાય છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી રહે તો વાંચવું, વાહન ચલાવવું, મોબાઇલનો ઉપયોગ કરવો અથવા કમ્પ્યુટર પર કામ કરવું પણ મુશ્કેલ બની શકે છે.
સામાન્ય રીતે લાંબા સમય સુધી સ્ક્રીન સામે કામ કરતી વખતે લોકો ઓછા પલકારા મારે છે. તેના કારણે આંખોની સપાટી પર રહેલી ભેજ ઝડપથી ઓછી થઈ જાય છે અને આંખોમાં ડ્રાયનેસ અનુભવાય છે. પરંતુ માત્ર સ્ક્રીન ટાઇમ જ ડ્રાય આઈ માટે જવાબદાર નથી.
આંખના આરોગ્ય સાથે જોડાયેલા નિષ્ણાતોના જણાવ્યા મુજબ વધતી ઉંમર સાથે શરીરમાં આંસુઓનું ઉત્પાદન કુદરતી રીતે ઘટવા લાગે છે, જેના કારણે ડ્રાય આઈની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત કેટલીક દવાઓનો લાંબા સમય સુધી ઉપયોગ, કોન્ટેક્ટ લેન્સ પહેરવાની આદત, આંખની સર્જરી, ઓટોઇમ્યુન બીમારીઓ, ધૂળ-ધુમાડાવાળું વાતાવરણ, તેજ પવન અથવા ઓછી ભેજવાળી જગ્યાએ લાંબો સમય રહેવું પણ આ સમસ્યાનું કારણ બની શકે છે.
કેટલાક લોકોમાં હોર્મોનલ ફેરફારોને કારણે પણ આંખોમાં ડ્રાયનેસ ડ્રાયનેસજોવા મળે છે. ખાસ કરીને મહિલાઓમાં મેનોપોઝ પછી આ સમસ્યાનું જોખમ વધી શકે છે. તેથી જો આંખોમાં વારંવાર ડ્રાયનેસ રહેતો હોય અથવા લાંબા સમય સુધી આ લક્ષણો જોવા મળતા હોય તો તેને માત્ર સ્ક્રીન ટાઇમનું પરિણામ માનીને અવગણવું યોગ્ય નથી. સમયસર આંખના નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
જો આંખોમાં સતત બળતરા, ચુભન, લાલાશ, ધૂંધળું દેખાવું, પ્રકાશ સામે અસહજતા અનુભવવી, આંખમાં કંઈક અટવાયું હોય તેવી લાગણી થવી અથવા આંખોમાંથી વધુ પડતું પાણી આવતું હોય, તો આવા લક્ષણોને ગંભીરતાથી લેવા જોઈએ. જો તેની સાથે આંખમાં તીવ્ર દુખાવો થાય અથવા અચાનક દૃષ્ટિ પર અસર થાય તો તરત જ આંખના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
ડ્રાય આઈથી બચવા માટે કેટલીક સરળ આદતો ખૂબ મદદરૂપ બની શકે છે. સતત સ્ક્રીન જોવાને બદલે વચ્ચે-વચ્ચે આંખોને આરામ આપવો, વારંવાર પલકારા મારવા, દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું અને ધૂળ, ધુમાડા તથા તેજ પવનથી આંખોને બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ. જરૂર જણાય તો ડૉક્ટરની સલાહ મુજબ લુબ્રિકેટિંગ આઈ ડ્રોપ્સનો ઉપયોગ કરી શકાય છે. જો સમસ્યા વારંવાર થતી હોય અથવા લાંબા સમય સુધી યથાવત રહેતી હોય તો સ્વ-ઉપચાર કરવાને બદલે આંખના નિષ્ણાતની તપાસ કરાવવી સૌથી યોગ્ય રહેશે.
આંખો આપણા શરીરનું અત્યંત મહત્વનું અંગ છે. તેથી તેની નાની સમસ્યાઓને પણ અવગણવાને બદલે સમયસર યોગ્ય કાળજી રાખવી અને જરૂર પડે ત્યારે તબીબી સલાહ લેવી લાંબા ગાળે આંખોના સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થઈ શકે છે.
ડિસ્ક્લેમર: આ લેખ માત્ર સામાન્ય માહિતી માટે છે. કોઈપણ આરોગ્ય સંબંધિત નિર્ણય અથવા સારવાર માટે નિષ્ણાત ડૉક્ટરની સલાહ અવશ્ય લો. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.