કોરોનાની આ મહામારીએ લોકો પર અનેક રીતે અસર કરી છે. ઘણા લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ઘણા લોકો એવા છે જેઓ માંડ કોરોનાની બીમારી સામે લડીને જીત્યા છે. કોરોનાની પહેલી લહેર કરતા બીજી લહેરમાં ખુબ વધુ અસર જોવા મળી. આ સમયે વેક્સિન આવતા જ લોકોએ વેક્સિન લેવાનું પણ શરુ કરી દીધું છે. સાથે જ કોરોનાથી બચવા માટે પણ ઈમ્યુનિટી અને સ્વાસ્થ્ય જાળવવાનું કહેવામાં આવે છે. પરંતુ કોરોના સાથે એક અન્ય વસ્તુ પણ વધી, જેનું નામ છે અફવાઓ. કોરોનાને લઈને ઘણી અફવાઓ ફેલાતી જોવા મળે છે. તેમજ આ અફવા અને આવા પ્રશ્નોનું નિરાકરણ અમે તમને નિષ્ણાતના માધ્યમથી આપતા હોઈએ છીએ.
આવી જ એક અફવા કહો કે વાત કહો જોવા મળી છે. લોકો કહી રહ્યા છે અને એવું માની રહ્યા છે કે મહિલાઓમાં કોરોનાનું જોખમ વધુ જોવા મળી રહ્યું છે. પરંતુ શું આ ખરેખર સત્ય છે? શું એવું કોઈ રિસર્ચ છે જે આ વાતને સાબિત કરી શકે? તમને જણાવી દઈએ કે આ વાત બિલકુલ અફવા છે. એવું કોઈ સંસોધન થયું નથી જેને લઈને આ વાત કહી શકાય.
લોકો દ્વારા પુછાતા આ પ્રશ્નના જવાબ આપતો એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. આ વિડીયો ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. જેમાં AIIMS, ગોરખપુર ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ડો.સુરેખા કિશોર આ પ્રશ્નનો જવાબ આપી રહ્યા છે. ચાલો જાણીએ પ્રશ્નના જવાબ વિશે.
મહિલા અને પુરુષ બંનેમાંથી કોને કોરોનાનું જોખમ વધુ?
આ પ્રશ્નનો જવાબ આપતા ડો.સુરેખા કિશોર કહે છે કે, ‘મહિલા અને પુરુષ બંનેને સંક્રમણની સંભાવના બિલકુલ બરાબર છે. એવું બિલકુલ નથી કે મહિલાઓને પુરુષોના પ્રમાણમાં સંક્રમણ થવાની સંભાવના વધુ હોય કે ઓછી હોય છે. કોવિડ 19 નું સંક્રમણ બંને માટે સમાન રીતે જોખમી છે.’ ડોક્ટરના જણાવ્યા અનુસાર મહિલા પુરુષ બંનેને કોરોના થવાનું જોખમ સમાન રહે છે. કોઈ એક માટે વધુ કે ઓછું હોતું નથી. તેથી દરેકે ધ્યાન રાખવું અને કોરોનાના નિયમોનું પાલન કરવું ખુબ જરૂરી બની જાય છે.
તમને જણાવી દઈએ કે એવા પણ અહેવાલ આવ્યા હતા કે મહિલાની સરખામણીમાં પુરુષોને વધુ કોરોના થયો છે. પરંતુ તેને અને કોરોનાના સંક્રમણ થવાના જોખમને કોઈ લેવાદેવા નથી. આવું થવાના અન્ય કારણો પણ હોઈ શકે. જેમ કે ભારતમાં પુરુષો કરતા મહિલાઓ ઘરમાં વધુ રહે છે.
આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: ડાયાબિટીસથી પીડિત 40 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં કોવિડ -19 નું જોખમ બાળકો કરતા વધારે?
આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: N95, સર્જિકલ કે કાપડનું માસ્ક? કયું માસ્ક કોરોનાથી બચવા છે શ્રેષ્ઠ? ચાલો જાણીએ રિસર્ચ