
દરેક મહિલા માટે ગર્ભાવસ્થાનો સમય ખુબ નાજુક હોય છે, આ સમયે આહાર અને સ્વાસ્થ્યનું સૌથી વધારે ધ્યાન રાખવામાં આવે છે, પરંતું શું તમે જાણો છો ભારતની સૌથી જૂની સારવાર પધ્ધતિ આયુર્વેદમાં ગર્ભાવસ્થાને લઇને વિશેષ સૂચનો આપવામાં આવ્યા છે. સગર્ભાવસ્થા દરમિયાન, બાળક માતાના ગર્ભાશયમાં વિકાસ પામે છે, સ્ત્રીના શરીરમાં ઘણા ફેરફારો થાય છે અને ખોરાક અને પોષણની જરૂરિયાતો પણ અલગ પડે છે. તંદુરસ્ત માતા અને બાળક માટે, આયુર્વેદ ગર્ભાવસ્થાના મહિનાઓ અનુસાર આહાર લેવાની ભલામણ કરે છે.
આયુર્વેદમાં હંમેશા સારા સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક આહાર લેવાનું કહેવામાં આવ્યું છે. ગર્ભાવસ્થા દરમિયાન, સ્ત્રીઓને ગર્ભાશયમાં રહેલા બાળકને પોષણ આપવા માટે પોષક તત્વોથી ભરપુર ખોરાક ખાવાની પણ જરૂર છે.પ્રેગ્નેન્સી દરમિયાન જો આયુર્વેદમાં દર્શાવેલ આહારનું દર મહિને પાલન કરવામાં આવે તો ર ગર્ભાવસ્થા જ સ્વસ્થ રહે છે એટલું જ નહીં, બાળકને જરૂરી તમામ પોષક તત્વો પણ મળી રહે છે. જાણો દિલ્હીના આયુર્વેદના ડૉ. ચંચલ શર્મા પાસેથી, ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ શું ખાવું જોઈએ?
આયુર્વેદમાં વાત, કફ અને પિત્તને ધ્યાનમાં રાખીને આહારના સૂચનો આપવામાં આવ્યા છે. ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિનામાં વાતનું સંતુલન રાખવું મહત્વપૂર્ણ છે. ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિનામાં મહિલાઓએ હળવો ખોરાક જેમ કે સૂપ, શેકેલા શાકભાજી વગેરે ખાવા જોઈએ. આ સિવાય તમારા આહારમાં દહીં અને ઘી જેવા ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરો. ઓટ્સના લાડુ, આમળાના મુરબ્બા અને બ્રાહ્મી, શંખપુષ્પી જેવી જડીબુટ્ટીઓ નાસ્તા તરીકે લેવી જોઈએ. તેનાથી શરીરને શક્તિ મળે છે.
ગર્ભાવસ્થાના બીજા ત્રિમાસિકમાં, પિત્ત દોષ એટલે કે અગ્નિ તત્વને સંતુલિત કરવાની જરૂર છે. પિત્તને શાંત કરવા માટે, આ સમય દરમિયાન વ્યક્તિએ પોષક તત્વોથી સમૃદ્ધ ખોરાક લેવો જોઈએ જે શરીરને ઠંડક આપે છે, જેમ કે નાળિયેર પાણી, દૂધ, તરબૂચ, કાકડી વગેરે. આ મૂડ સ્વિંગ જેવી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન, વધુ પડતા તળેલા ખોરાકને ટાળવાનું ધ્યાન રાખો, જેથી પાચનને સ્વસ્થ રાખી શકાય.
ગર્ભાવસ્થાનો ત્રીજો ત્રિમાસિક એટલે કે સાતમાથી નવમા મહિના સુધીનો સમયગાળો ઉતાર-ચઢાવથી ભરેલો હોય છે. આ સમયગાળા દરમિયાન મહિલાઓમાં શારીરિક, માનસિક ફેરફારો પણ ઝડપથી થાય છે. આયુર્વેદ કહે છે કે આ તબક્કામાં, સગર્ભા સ્ત્રીઓએ તેમની કફ ઊર્જાને સંતુલિત કરવી જરૂરી છે, જેથી તેઓ તંદુરસ્ત પ્રસૂતિ કરી શકે. ત્રીજા ત્રિમાસિકમાં, સ્ત્રીઓએ તેમના આહારમાં અનાજ, શાકભાજી, કઠોળ, મસાલા અને કેટલીક વનસ્પતિ જેવા ગરમ અને સૂકા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી માતા અને બાળક બંનેને સ્વસ્થ રહેવા માટે જરૂરી પોષક તત્વો મળે છે.