દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં એક વ્યક્તિમાં બર્ડ ફ્લૂનો વાયરસ જોવા મળ્યો છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે. નિવેદન અનુસાર, 53 વર્ષીય એક વ્યક્તિ બર્ડ ફ્લૂ વાયરસથી સંક્રમિત જોવા મળ્યો છે. વ્યક્તિમાં ઈન્ફલ્યુએન્ઝાના ગંભીર લક્ષણો પણ જોવા મળ્યા છે. બર્ડ ફ્લૂના વાયરસથી સંક્રમિત મળી આવેલા દર્દીને હાલમાં તબીબોની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. હેલ્થ ન્યુઝ અહીં વાંચો.
આરોગ્ય વિભાગની ટીમ હવે ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી રહી છે અને તેમની તપાસમાં વ્યસ્ત છે. આ સાથે બર્ડ ફ્લૂનો વાયરસ વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચ્યો તે જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગયા વર્ષના અંતમાં, ચિલીમાં જંગલી પ્રાણીઓમાં H5N1 બર્ડ ફ્લૂના વાયરસ મળી આવ્યા હતા.
ચિલીના આરોગ્ય અધિકારીઓ માને છે કે આ બર્ડ ફ્લૂનો વાયરસ સમુદ્રમાં પક્ષીઓ અથવા સસ્તન પ્રાણીઓ દ્વારા મનુષ્યમાં પ્રવેશી શકે છે, પરંતુ હજુ સુધી માનવ-થી-માનવમાં સંક્રમણનો કોઈ સ્ત્રોત શોધી શકાયો નથી.
જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં એક્વાડોરમાં 9 વર્ષની બાળકી બર્ડ ફ્લૂથી સંક્રમિત મળી આવી હતી. વિશ્વભરના આરોગ્ય અધિકારીઓએ કહ્યું કે વાયરસના માનવ સંક્રમણનું જોખમ ઘણું ઓછું છે, પરંતુ રસી કંપનીઓએ બર્ડ ફ્લૂના શોટ્સ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.
ચિલી પહેલા, H3N8 બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ ચીનમાં મનુષ્યોમાં જોવા મળ્યો છે. ચીનના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લોકોમાં તેના ફેલાવાની સંભાવના ઘણી ઓછી છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે તે વાયરસથી સંક્રમિત ચિકન અથવા કાગડાના સંપર્કમાં આવવાથી મનુષ્યોમાં ફેલાય છે.
ચીનના અધિકારીઓના જણાવ્યા અનુસાર દેશમાં માનવીઓમાં બર્ડ ફ્લૂનો વાઈરસ ત્રીજી વખત જોવા મળ્યો છે. જે લોકો વાયરસની ઝપેટમાં છે તેઓમાં તાવ સહિત અન્ય ઘણા લક્ષણો જોવા મળે છે.
લાઈફસ્ટાઈલ અને હેલ્થના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
હેલ્થ ન્યૂઝ અને લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…