ઘોઘા – દહેજ રોરોફેરીથી ભાવનગરના (Bhavnagar) લોકોને બહુ મોટું સપનું દેખાડવામાં આવ્યું હતું. જોકે નસીબ જોગ ઘોઘા – દહેજ રોરોફેરી અનેક સમસ્યાઓ વચ્ચે બંધ કરવાનો વારો આવ્યો. બાદમાં ઘોઘા હજીરા (Ghogha-Hazira) રો-પેક્સ (Ropax) ફેરી શરૂ કરાઈ. એ પણ અનેક સમસ્યાઓ વચ્ચે ઘડીક બંધ ઘડીક શરૂની સ્થિતિમાં રહી. આ રો-પેક્સ ફેરી અગાઉ કોરોનાના કારણે લાંબા સમય સુધી બંધ રાખવામાં આવી હતી. અને હાલમાં ચોમાસુ બેઠું ત્યારની બંધ છે. પરંતુ હવે ભાવનગરના લોકોની માંગ ઉઠી છે કે માંથે દિવાળી જેવા તેહવારો હોવાથી આ સેવા ફરી શરુ કરવામાં આવે.
જણાવી દઈએ કે ભાજપના આગેવાનો પણ ઈચ્છી રહ્યા છે કે તાત્કાલિક રોરોફેરી કોઈ પણ પ્રકારના વિલંબ વગર શરૂ કરવામાં આવે. ભાવનગર જિલ્લાના ઘોઘા અને સુરતના હજીરા વચ્ચે ગયા વર્ષે શરૂ કરવામાં આવેલી રો-પેક્સ ફેરી સર્વિસને ખુબ સરસ પ્રતિસાદ મળ્યા બાદ મરામતમાં મોકલવામાં આવેલા જહાજના એન્જિનની ટ્રાયલ ચાલુ છે. અગાઉ સંચાલકો દ્વારા 15મી ઓક્ટોબરે ફેરી શરૂ થવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તેની અનિશ્ચિતતાઓ છે. ઘોઘા – હજીરા રો-પેકસ ફેરી સર્વિસ મુસાફરોમાં ખૂબ લોકપ્રિય બની રહી હતી. દિવાળીના તહેવારો દરમિયાન સુરતથી ભાવનગર, અમરેલી જિલ્લામાં મુસાફરોની આવન-જાવન ખૂબ મોટા પ્રમાણમાં રહે છે. અને ગયા વર્ષે આ પ્રભાવશાળી રહી હતી. પરંતુ આ વર્ષે રોપેક્સ ફેરી શિપ વાયેજ સિમ્ફની મરામતમાં મોકલવામાં આવી છે. ત્યારે આ જહાજ ક્યારે શરૂ થશે તે અંગે ઇન્ડિગો સી – વેઝના સંચાલકો પણ કહી શકતા નથી.
સંચાલકોના મતે વાયેજ – સિમ્ફની જહાજનું મરામત કાર્ય પૂર્ણ થઇ ચૂક્યું છે. અને શિપના એન્જિનની ટ્રાયલ શરુ છે. સંબંધિત સરકારી પ્રક્રિયા બાદ તુરંત ફેરી શરૂ કરવામાં આવશે. ગઇ 15 મીએ ફેરી શરૂ થવા અંગે સોશિયલ મીડિયામાં ફરતા સંદેશા બિનસત્તાવાર છે.
આ રોરોફેરીના ભાજપ દ્વારા અનેક વાર ખાત મુહુર્ત અને લોકાર્પણના કાર્યક્રમો થઈ ચૂક્યા છે. PM નરેન્દ્ર મોદીના હાથે, તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે ખાત મુહૂર્ત અને વડાપ્રધાન બન્યા બાદ લોકાર્પણ થઈ ચૂક્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હાથે પણ લોકાર્પણ થયેલ છે. મનસુખ માંડવિયાના હાથે પણ લોકાર્પણના કાર્યક્રમ થયા છે. પરંતુ એક વાત પાક્કી છે કે એકજ સર્વિસના આટલા બધા કાર્યક્રમો તેમજ વિધાનસભા, લોકસભાની ચુંટણી સમયે આ ફેરીની નેતાઓએ ચિંતા કરેલી ત્યારબાદ આજ સુધી આ ફેરી ક્યારેય નિયમિત શરૂ રહી નથી. આ ફેરીના હજુ કોઈ ઠેકાણા નથી અને હવે ઘોઘા મુંબઈ ફેરીના દિવાસ્વપ્ન ભાજપના મોટા નેતાઓ બતાવી રહ્યા છે. ત્યારે લોકોની માંગ છે આ ફેરી શરૂ કરવામાં આવે. નિયમિત ભાજપે બતાવેલા સપના હથેળીમાં ચાંદ જેવા સાબિત થઈ રહ્યા છે. જો કે રોરોફેરીને લઇને કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.
આ પણ વાંચો: હું જન્મે જૈન છું પણ મુખ્યમંત્રી સ્વભાવે જૈન છે: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ CM ભૂપેન્દ્ર પટેલના કર્યા વખાણ
આ પણ વાંચો: ભાવનગરમાં નળમાં પીવાના પાણીની સાથે માછલીઓ પણ નીકળી આવી, જુઓ વિડીયો
Published On - 5:25 pm, Sun, 17 October 21