
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. ધારાસભ્ય પદેથી પણ તેઓ રાજીનામું આપવાના છે. ગઈકાલે ભૂપત ભાયાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે મુલાકાત કરી હતી. તેઓ ઘણા સમયથી ભાજપ સાથે સંપર્કમાં હોવાની પણ માહિતી છે.
ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટી સાથે જોડાયા તે પહેલા તેઓ ભાજપમાં હતા. વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત થઇ હતી.ભૂપત ભાયાણી અહીં વધુ વોટ મેળવીને વિજયી થયા હતા. ભૂપત ભાયાણી 66 હજાર વોટ સાથે જીત્યા હતા.જ્યારે હર્ષદ રિબડિયા કે જેમને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં આવ્યા હતા.તેમને અહીં ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી હતી.જો કે તેઓ આ બેઠક પરથી હાર્યા હતા. બીજી તરફ અહીં કોંગ્રેસમાંથી કરસનભાઇ વાડોદરિયા પણ આ બેઠક પર હાર્યા હતા.
જ્યારે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા હતા અને મંત્રીમંડળની જાહેરાત થવાની હતી, તેના 24 કલાક પહેલા સર્કિટ હાઉસમાં ભૂપત ભાયાણી પણ અહીં આવ્યા હતા. તે સમયે પણ ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડશે તેવી ચર્ચા ફેલાઇ હતી.જો કે તે સમયે એવુ પણ હતુ કે આપના તમામ પાંચેય ધારાસભ્ય એકસાથે ‘આપ’નો છેડો ફાડે તો જ તેનો લાભ ભાજપને થાય તેવુ જણાઇ રહ્યુ હતુ.નહીં તો ડીસક્વોલીફીકેશન લાગી જાય તેવુ હતુ.
હવે આમ આદમી પાર્ટીમાંથી એક ધારાસભ્ય ઓછુ થવા જઇ રહ્યુ છે. ગુજરાતના ઇતિહાસમાં જોવા મળ્યુ છે કે 182 ધારાસભ્યો ક્યારેય સતત સત્તા જાળવી રાખતા જોવા મળતા નથી.વિધાનસભા ખંડિત રહેતી હોય છે.સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી માટે ભૂપત ભાયાણી ખૂબ જ મોટુ સેટબેક કહી શકાતુ હતુ.ગુજરાતમાં માત્ર પાંચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે હતી. જો કે હવે તેઓ આપ સાથે છેડો ફાડતા માત્ર ચાર ધારાસભ્ય આપ પાસે રહેશે.
મળતી માહિતી પ્રમાણે ભૂપત ભાયાણી ઘણા સમયથી ભાજપના સંપર્કમાં હતા.ગઇકાલે મોડી રાત્રે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આપ પાટીલ સાથે પણ તેમની મુલાકાત થઇ હતી.ત્યારે હવે કહી શકાય કે ભાજપ આમ આદમી પાર્ટીમાં ભંગાણ કરવામાં સફળ થઇ છે.
અત્યાર સુધી કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં આવતા જોવા મળતા હતા, જો કે આ વખતે આમ આદમી પાર્ટીમાં ભંગાણ જોવા મળી રહ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે આજે જ ભૂપત ભાયાણી ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે.
Published On - 9:47 am, Wed, 13 December 23