ભાવનગર: અલંગ દરિયામાં કાળું ઝેરી પ્રવાહી કોણે ઠલવ્યું? 30 કલાક બાદ પણ તંત્ર મૌન

ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ નજીક દરિયામાં કાળા રંગનું પ્રવાહી ઠાલવાયું હોવાના આરોપ બાદ વિવાદ સર્જાયો છે. પ્રાથમિક માહિતી મુજબ વેસ્ટ ઓઇલ દરિયામાં છોડાતા દરિયાઈ જીવસૃષ્ટિ પર જોખમ ઊભું થયું છે. વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં રોષ ફેલાયો છે અને તાત્કાલિક તપાસની માંગ ઉઠી છે.

ભાવનગર: અલંગ દરિયામાં કાળું ઝેરી પ્રવાહી કોણે ઠલવ્યું? 30 કલાક બાદ પણ તંત્ર મૌન
Image Credit source: Tv9Gujarati
| Updated on: Jun 15, 2026 | 8:30 PM

ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ નજીક દરિયામાં કાળા રંગનું પ્રવાહી ઠાલવાયું હોવાના આરોપો વચ્ચે પ્રદૂષણનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રદૂષિત દરિયાકાંઠાનો વીડિયો વાયરલ થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ દરિયામાં વેસ્ટ ઓઇલ છોડવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે દરિયાઈ જીવસૃષ્ટિ અને દરિયાઈ પર્યાવરણ પર ગંભીર અસર થવાની ભીતિ ઉભી થઈ છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આવી ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે, છતાં પ્રદૂષણ રોકવા માટે પૂરતી અને અસરકારક કાર્યવાહી થતી નથી.

ઘટનાના 30 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં જવાબદાર તંત્ર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી તેવો આરોપ પણ ઉઠી રહ્યો છે. વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે અને હવે દરિયાઈ પર્યાવરણને બચાવવા તાત્કાલિક તપાસ તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

 

સરકાર સામે સવાલ કરતી જનતા

શહેરને સ્વચ્છ અને રહેવા લાયક બનાવવા માટે એક તરફ તંત્ર દ્વારા ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવાની વ્યવસ્થા ચલાવવામાં આવે છે, છતાં શહેરમાંથી ગંદકી દૂર થતી નથી. બીજી તરફ, મોટા જહાજો અને શિપ બ્રેકિંગ સાથે જોડાયેલા કેટલાક તત્વો પોતાના વેસ્ટ ઓઇલ અને પ્રદૂષિત પદાર્થો દરિયામાં છોડીને સમુદ્રી પર્યાવરણને નુકસાન પહોંચાડતા હોવાના આરોપો સામે આવી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે તેમને દરિયામાં વસતા જીવજંતુઓ અને સમુદ્રી જીવસૃષ્ટિના અસ્તિત્વની કોઈ ચિંતા નથી. જ્યારે આવા ગંભીર મુદ્દે તંત્રને સવાલ કરવામાં આવે છે ત્યારે જવાબદારો ઘણીવાર બહાનાંઓ પાછળ છુપાઈ જતા હોય છે અથવા મામલો શાંત પાડવા માટે નાનો-મોટો દંડ ફટકારી કાર્યવાહી પૂર્ણ થઈ હોવાનું દર્શાવવામાં આવે છે. જેના કારણે પ્રદૂષણ જેવી ગંભીર સમસ્યાઓનો કાયમી ઉકેલ આવવાને બદલે માત્ર કાગળ પરની કાર્યવાહી જ થતી હોવાના સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.

નવી ટેક્સ વ્યવસ્થાની મોટી અસર: શું હવે ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ્સનો જમાનો પૂરો થઈ ગયો?

Follow Us