એકલા હાથે પહાડ ચીરીને રસ્તો બનાવતા બિહારના દશરથ માંઝીની જોરદાર સાહસકથા પર બનેલી ફિલ્મના સૌએ વખાણ કર્યા હશે. કાંઈક આવું જ ઉમદા સાહસ સુરેન્દ્રનગર (Surendranagar)ના લખતર તાલુકાના ઢાંકી ગામના સુરેશ મેણીયાએ બતાવ્યું. આ યુવાને ઉમય નદી (Umay River) ના વહેણ એક મહિનાની અથાગ મહેનત બાદ તળાવમાં વાળ્યા છે અને પશુ પક્ષી અને લોકોને આગામી ઉનાળામાં પાણીની સમસ્યાથી (Water crisis) છુટકારો અપાવ્યો છે.
ઢાંકી નજીક એશિયાનું સૌથી મોટુ નર્મદા નિગમનું પંપીગ સ્ટેશન આવેલુ છે અને અહીયાથી પંપીગ કરી અને રાજકોટ, જામનગર, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ ઢાંકી ગામે ચોમાસા બાદ તળાવમાં પાણી ઓછું થતા પશુઓ ગામલોકોને તકલીફ પડતી હતી. લખતર તાલુકાના ઢાંકી ગામે ઉનાળાની શરૂઆતમાં જ તળાવમાં પાણી ખાલી થવાની નોબતે હતુ અને ગામનું તળાવ ખાલી હોઇ પશુ પક્ષીઓ અને ગામના લોકોને નાવા ધોવા અને પાણી માટે તકલીફ વેઠવી પડતી હતી. ગુજરાતી કહેવત મુજબ કુવા કાંઠે તરસ્યા જેવો ઘાટ ઢાંકી ગામે પણ હતો. જો કે આ મેણુ એક યુવકની અથાગ મહેનતને કારણે ભાગ્યુ છે.
ઢાંકી ગામના યુવક સુરેશભાઇએ જાતે અનુભવેલી સમસ્યાનો ઉકેલ પણ જાતે જ શોધી કાઢ્યો. ઢાંકી ગામના યુવકે પ્લાસ્ટિકની ખાલી કોથળીઓમાં માટી ભરી. આવી અનેક માટી ભરેલી કોથળીઓ થકી એક પાળો બનાવ્યો. ઉમય નદીથી ગામના સીમ તળાવ સુધી ખાળિયો બનાવીને પાણીને તળાવ તરફ વાળ્યું. આ યુવકે 29 દિવસ સુધી સતત મહેનત કરી. ઉમય નદીના વહેણને એક મહિનાની અથાગ મહેનત બાદ વાળીને આખું તળાવ ભર્યું અને ઉનાળાની આકરી ગરમીમાં વેઠવી પડતી પાણીની સમસ્યાથી સૌને છુટકારો અપાવ્યો.
ઢાંકી ગામના સુરેશ મેણીયાએ ગામની પાણીની સમસ્યા દૂર કરવાનો સંકલ્પ કર્યો. જેને આકરી મહેનત કરીને સાકાર પણ બનાવ્યો. ગુજરાતીમાં કહેવત છે કે ‘સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય’. આ યુવકની સિદ્ધિને ગામના સરપંચ અને સૌ યુવાનો પણ બિરદાવી રહ્યાં છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-