વાપી, દમણ અને સેલવાસના (Selvas )અસંખ્ય વાહનચાલકો માટે ઉપયોગી બનતા વાપી (Vapi )ફ્લાયઓવર બ્રિજને તોડીને ઇમરાન નગર થી ગોલ્ડ કોઈન સુધી નવો બ્રિજ (Bridge )બનાવવા માટે સરકારે મંજૂરી આપી હતી. 141 કરોડના ખર્ચે બનનારા આ બ્રિજ માટે તારીખ 30 ઓક્ટોબર, 2021માં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુ દેસાઈએ વાપીના રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. પણ નવાઈની વાત એ છે કે સાત સાત મહિના વીતી જવા છતાં હજી સુધી સ્થળ પર આ રેલવે ઓવર બ્રિજની કોઈપણ પ્રકારની કામગીરી શરૂ થઇ શકી નથી.
રેલવેની મંજૂરી, ટ્રાફિકની વ્યવસ્થા આ બધી કામગીરી કરવામાં જ મોટાભાગનો સમય નીકળી ગયો છે. આગામી થોડા દિવસોમાં રાજ્ય સહીત દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેથી બ્રિજની કામગીરી શરૂ થાય તેવા કોઈ એંધાણ નથી. છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ બ્રિજ શરૂ કરવાની ફક્ત મોટી મોટી વાતો જ કરવામાં આવી રહી છે. વાપીના જનપ્રતિનિધિઓ દ્વારા પણ લોકોની પરેશાની દૂર કરવામાં નીરસતા બતાવવામાં આવતા લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.
નોંધનીય છે કે વાપી ફ્લાય ઓવર બ્રિજ તોડવા પહેલા પીડબ્લ્યુડી, રેલવે વિભાગ અને સબંધિત વિભાગોએ વાપી ડેપોની સામે કામચલાઉ ફાટક તૈયાર કરવાની કામગીરી શરૂ તો કરી છે, પણ હજી સુધી તે કામગીરી પૂર્ણ થઇ શકી નથી. જેથી વાપી ફ્લાયઓવરબ્રિજનાં પ્રોજેક્ટની રાહ જોવાઈ રહી છે.
અધિકારીઓને પૂછતાં તેઓ જણાવે છે કે ટ્રાફિકના અવરજવરની જ્યાં સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થઇ શકે ત્યાં સુધી બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરી શકાય તેમ નથી. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ખાતમુહૂર્ત કરાયા બાદ પણ આટઆટલા મહિનાઓ વીતી જવા છતાં રિયલ ગ્રાઉન્ડ પર કામગીરી શૂન્ય દેખાઈ રહી છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની જ સરકાર હોવા છતાં છેલ્લા 3 વર્ષથી આ બ્રિજની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. લોકો એ પણ માંગ કરી રહ્યા છે કે ઝડપથી આ રેલવે ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવે, જેથી લોકોને પડતી મુશ્કેલીનું ઝડપથી નિવારણ આવી શકે.