વલસાડ (Valsad) ના ભીલાડ (Bhilad) પાસે ગુટખા ખાવા જેવી નજીવી બાબતે લઇ એક યુવક એ પોતાની જ મંગેતરને ગળું દબાવી પતાવી દીધી છે. જોકે બાદમાં હત્યાને આત્મહત્યા (suicide) માં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ (Police)ની તપાસમાં મામલો હત્યા (Murder) નો સામે આવતા યુવકના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
વલસાડના ભીલાડ નજીક એક શ્રમિક પરિવારમાં જગદીશ જાદવ નામના યુવક અને નીતા ધનગરિયા નામની યુવતીની સગાઈ થઈ હતી. થોડા સમય બાદ બન્નેના લગ્ન પણ થવાનાં હતાં. આ બને કામદાર યુગલ અને અન્ય કામદારો ભીલાડમાં આવેલ એક આંબાવાડીમાં મજૂરી અર્થે ગયા હતા. ત્યારે અચાનક નીતા ગુમ થઈ ગઈ હતી. જેથી તેની બહેન સુનિતાએ નીતાના મંગેતરની પૂછપરછ કરી હતી. ત્યારે જગદીશે પોતે સંપૂર્ણ અજાણ હોય તેવો ઢોંગ કર્યો હતો. જેથી તમામે નીતાની શોધ ખોળ હાથ ધરી હતી.
આ મામલે વધુ તપાસ કરતા આંબાવાડીમાં આંબાના ઝાડ પરથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં નીતાની લાશ મળી આવી હતી. જેથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને મૃતકનો મંગેતર પણ સ્થળ પર પહોંચ્યો હતો. ત્યારે જે વાડી માં આ બન્ને કામદારો કામ કરતા હતા તે કોન્ટ્રાક્ટર શૈલેષ પણ આવી ગયો હતો. આ સમગ્ર કાંડને છુપાવવા આ હત્યાને આત્મહત્યામાં ખપાવવા નવી જ થીયરી ભીલાડ પોલીસ સમક્ષ રજૂ કરાઈ હતી. આ ઘટનાના કારનામાને છુપાવવા માટે તમામ હકીકત છુપાવી હતી અને સારવારના બહાને નીતાને તાત્કાલિક તેને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી.
જોકે તબીબોને શંકા પડતા ભીલાડ પોલીસનો સંપર્ક કર્યો હતો. હોસ્પિટલના સ્ટાફે પોલીસને જણાવ્યા મુજબ એક યુવતીનો મૃતદેહ આવ્યો છે. પરંતુ શંકાસ્પદ જણાય છે.આથી ભીલાડ પોલીસ સ્ટેશનના પી. એસ. આઈ. રાઠોડ દ્વારા આ મામલે ગંભીરતાથી તપાસ કરી હતી. ઊંડાણપૂર્વક તપાસના અંતે બહાર આવ્યું કે આ મૃતક યુવતી નીતાબેન ધનગરિયાએ આત્મહત્યા નહીં પરંતુ તેની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે.
આથી પોલીસને તેના મંગેતર જગદીશ જાદવ પર શંકા હતી. પોલીસે તેની અટકાયત કરી અને આકરી પૂછપરછ કરતાં જગદીશે પોતાના ગુનાની કબૂલાત કરી હતી અને તેણે જ પોતાની મંગેતર નીતાનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. જોકે હત્યાનું કારણ મંગેતર નીતાની વધારે પડતા ગુટકા ખાવાની આદત હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે અત્યારે મંગેતરના હત્યાના ગુનામાં જગદીશની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે.
આ ઘટનામાં ભીલાડ પોલીસે મુખ્ય આરોપી જગદીશની ધરપકડ કરી લીધી છે. તો જે કોન્ટ્રાક્ટર શૈલેશે પોલીસને ગેર માર્ગે દોરી આ હત્યાના મામલાને અકસ્માતમાં ખપવાવાની કોશિશ કરી હતી તેની પણ ધરપકડ કરી દીધી છે. તો અન્ય એક કામદાર જેણે હત્યામાં ઉપયોગ લેવાયેલા દુપટ્ટાને છુપાવી સુરાગ છુપાવાની કોશિશ કરી હતી તેની પણ ધરપકડ કરી લીધી છે. આમ આ મામલે ભીલાડ પોલીસે કુલ ૩ આરોપીને ઝબ્બે કરી લીધા છે.
આમ મંગેતર યુવતી નીતા અને જગદીશ વચ્ચે ગુટકા ખાવાની આદતની આ વાતને લઇ થયેલી ઉગ્ર બોલાચાલી ગંભીર સ્વરૂપ લેતા એક યુવાન જોડાનું સગપણ થયા બાદ બંને જન્મો જનમના બંધનમાં બંધાય તે પહેલા પ્રણય કહાનીનો કરુણ અંત આવ્યો છે.
આ પણ વાંચોઃ PM Modi Gujarat Visit : 12 માર્ચના રોજ પીએમ મોદી આ કાર્યક્રમોમાં આપશે હાજરી, જાણો સમગ્ર કાર્યક્રમ
આ પણ વાંચોઃ Khel Mahakumbh ની તડામાર તૈયારીઓ, ગુહ મંત્રી હર્ષ સંઘવીએ સરદાર પટેલ સ્ટેડિયમ પર તૈયારીની સમીક્ષા કરી
Published On - 6:43 am, Sat, 12 March 22