વલસાડ પોલીસે વગર બિલનો 173 કિલો ચાંદીનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઘટનાની વાત કરીએ તો વલસાડ રૂરલ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસને જોતા જ ચાલકે કાર ભગાડી મૂકી હતી. પોલીસે કારનો પીછો કરી તેને ઝડપી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન કારમાં સીટની પાછળના ભાગે એક ચોરખાનું બનાવ્યું હોવાનું સામે આવ્યું હતુ. ચોરખાનામાં શોધખોળ કરતા ચાંદીના પાયલ ભરેલી 46 પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી. જેનું વજન અંદાજે 173 કિલોગ્રામ અને કિંમત અંદાજે 1 કરોડથી વધારે થાય છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચાંદીનો જથ્થો કોલ્હાપુરથી ઉદયપુર લઇ જવાતો હોવાનું સામે આવ્યું છે. હાલ તો સમગ્ર મામલે વલસાડ પોલીસે ચાંદીનો જથ્થો જપ્ત કરી કાર ચાલક સહિત ત્રણેય શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ દાગીનાનો જથ્થો કોલ્હાપુરથી ઉદયપુર લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ વલસાડ રૂરલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે આ કાર વલસાડ પાસેથી પસાર થતાં પોલીસે શંકાસ્પદ લાગતી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડ્રાઈવરે કાર રોકવાના બદલે ભગાડી મૂકી હતી. જેથી પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કરી ધમડાચી રામદેવ ધાબા પાસે આંતરી હતી.