ગુજરાત ચૂંટણી 2022: ઉદ્યોગોથી ધમધમતા વલસાડમાં કામદારો માટે નેતાઓ દ્વારા રાત્રે પ્રચાર કરી કામદારો સુધી પહોંચવાનો પ્રયાસ

|

Nov 28, 2022 | 11:48 PM

Gujarat Election 2022: આમ તો દિવસે સભા ગજવતા અને પ્રચાર કરતાં નેતાઓને, કાર્યકરોને જોયા છે, પણ વલસાડ છે નેતાઓ રાત્રે જાગે છે અને પ્રચારમાં નીકળે છે. તેનુ કારણ છે અહીંના કામદારો. દિવસભર કામ પર રહેલા કામદારો માટે નેતાઓ હવે રાત્રે પણ પ્રચાર કરી રહ્યા છે.

મતદાનની તારીખ નજીક આવી રહી છે, ત્યારે મતદારોને રિઝવવા માટે રાજકીય પક્ષો જાતભાતની તરકીબો અજમાવી રહ્યા છે. ઉદ્યોગોથી ધમધમતા વલસાડ જિલ્લામાં કામદારો મોટેભાગે દિવસના સમયે નોકરી પર હોય છે. એટલે રાજકીય નેતાઓ દિવસે પ્રચાર દરમિયાન તેમના સુધી પહોંચી શકતા નથી. આથી રાજકીય પાર્ટીઓએ એનો પણ રસ્તો કાઢ્યો છે અને કામદારો માટે રાત્રે પ્રચારનો રસ્તો અપનાવ્યો છે. નેતાઓ કામ પરથી રાત્રે આવતા કામદારો માટે હવે રાત્રિ સભા કરી રહ્યા છે.

કામદારો સુધી પહોંચવા નેતાઓનો રાત્રિ પ્રચાર

વલસાડ જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં ઉદ્યોગો સ્થપાયા છે. વલસાડના ગુંદલાવથી લઈને છેવાડાના તાલુકા ઉમરગામ સુધી ઉદ્યોગોના વ્યવસાય વધુ હોવાથી વર્ષોથી અહીં નોકરી કરતા પરપ્રાંતીય કામદારો કે જે વોટર્સ પણ છે તેમને રિઝવવા માટે મોડી સાંજે પ્રચાર ચાલુ થાય છે. નોકરી પરથી ઘરે આવેલા આ કામદારો વચ્ચે જઈને રાજકીય પાર્ટી પ્રચાર કરી રહી છે.

વલસાડમાં લાખોની સંખ્યામાં કામદાર વર્ગ

વલસાડ મેટ્રો પોલિટિન નહીં પણ મેટ્રો પોલિટિશિયન જિલ્લો બની રહ્યો હોય એવો રાજકારણનો રંગ અહીં જોવા મળે છે. વલસાડ જિલ્લા પાસે બેઠક ઉપર કામદાર વર્ગના મતદારો પણ લાખોની સંખ્યામાં છે. જેને રીઝવવા તમામ રાજકીય પક્ષો દિવસે ઠેર ઠેર સભાઓ ભરી રહ્યા છે. અહીં ભાજપ પોતાની વિકાસની ગાથા સાથે, તો કોંગ્રેસ પણ પોતાને જ મત મળશે તેવી આશા સાથે બેરોજગારીથી લઈને મોંઘવારીના મુદ્દાઓ સાથે મતદારોને વાયદાઓ કરી રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જંગમાં આ વખતે તમામ બેઠકો ઉપર ત્રિપાંખીયો જંગ છે. આ ચૂંટણીમાં ઉભરીને સામે આવેલી આ પાર્ટી ખાસ કરીને મધ્યમ વર્ગ અને મજૂર વર્ગના મતદારોને ટાર્ગેટ કરી રહી છે. તો કામદાર વર્ગના મતદારોને આપ પાર્ટી પણ આકર્ષવા માટે પૂરતા પ્રમાણમાં પ્રયાસો કરી રહી છે.

ઈનપુટ ક્રેડિટ- સચિન કુલકર્ણી- વલસાડ 

Next Video