અત્યાર સુધી તમે કાળા પાણીની સજા વિશે તો સાંભળ્યું હશે. પરંતુ વડોદરાની કેટલીક સોસાયટીઓના રહીશોને મનપા તંત્ર દ્વારા પીળા પાણીની સજા આપવામાં આવી રહી છે. વડોદરા શહેરના વાઘોડિયા ડભોઇ રોડની શ્રીનાથ ધામ સોસાયટી, નાથદ્વારા રેસિડેન્સી, તેમજ ગોમતીપુરા સહિતની અનેક પોશ સોસાયટીઓમાં મનપા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી પીળું તેમજ અત્યંત દુર્ગંધયુક્ત આવતું હોવાની ફરિયાદો ઉઠી છે.
આ પણ વાંચો : Vadodara : જુનિયર ક્લાર્ક પરીક્ષામાં અટવાયેલા ઉમેદવારોની વહારે નવાપુરા પોલીસ સ્ટેશનની SHE-ટીમ, સરાહનીય કામગીરી
પ્રદૂષિત પાણીને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો ઉભો થયો છે. એક તરફ દુષિત પાણીને કારણે લોકો પરેશાન છે. તો બીજી તરફ આજવા સરોવર સ્ત્રોતમાંથી આવતા પાણીમાં પીળો રંગ કેવી રીતે ભળી ગયો તેને લઇને સવાલો ઉઠી રહ્યા છે. આ પાણી બિલકુલ ઉપયોગમાં લઇ શકાય તેમ ન હોવાથી લોકો પીવા માટે તો ઠીક, સ્નાન કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકતા નથી. પાણી આવતું હોવા છતાં પોતાના ખર્ચે પાણીના ટેન્કર મંગાવવા મજબૂર બનેલા લોકો મનપા તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે.
પ્રદૂષિત પાણીને લઇને ટીવી નાઇનની ટીમે વિવિધ સોસાયટીમાં રિયાલિટી ચેક હાથ ધર્યુ હતું. જે દરમિયાન વડોદરાની બાપોદ, નાલંદા, પાણીગેટ અને ગાજરાવાડી એમ કુલ 4 ટાંકીઓ મારફતે વિતરણ થતા પાણીને લઇને ફરિયાદો સામે આવી હતી. જે બાદ પાણી પુરવઠા વિભાગના બે સુપરવાઇઝર સોસાયટીમાં પહોંચ્યા અને તેમણે મનપાની લાઇન મારફતે આવતા પાણીના નમૂના લીધા અને તેમને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે પણ પાણી પીળું અને દુર્ગંધયુક્ત હોવાનું કબૂલ્યું હતું.
મનપાની સામાન્ય સભામાં પણ દુર્ગંધયુક્ત પાણીનો મુદ્દો ઉઠ્યો હતો. વિપક્ષના પૂર્વ નેતા અને કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવે પાણી મુદ્દે લોકોને પડતી હાલાકી રજૂ કરી શાસકોની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તો બીજી તરફ મેયર નિલેશ રાઠોડે પણ પીવાના પાણી સહિતની તમામ સમસ્યાઓ ઉકેલવાની હૈયાધારણા આપી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…