Vadodara: વડોદરા PCB દ્વારા બે માઉઝર પિસ્તોલ સાથે ઝડપી પાડવામાં આવેલ ત્રણ આરોપીઓ અને ઉત્તરપ્રદેશથી આ પિસ્તોલ મોકલનાર હથિયાર માફિયા સહિતના ચાર આરોપીઓ અંગે ઉત્તર પ્રદેશ પોલીસ પાસે માહિતી મંગાવી છે. ચારેય આરોપીઓ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદથી સંબંધ ધરાવે છે.
પોલીસ કમિશનરના સીધા આદેશ હેઠળ કામ કરતી PCB (પ્રીવેંશન ઑફ ક્રાઇમ બ્રાન્ચ) ના હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્ર ચંદ્રકાન્ત અને હેડ કોન્સ્ટેબલ દીપેશ સિંઘ નરેશસિંઘને બાતમી મળી હતી કે ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદથી દેશી બનાવટના હથિયારો સાથે આવેલા બે ઈસમો વડોદરાના સરદાર એસ્ટેટ વિસ્તારમાં હથિયાર વેચવાની ફિરાકમાં ફરી રહ્યા છે.
PCBના બંને કોન્સ્ટેબલને બાતમીદાર તરફથી ચોક્કસ બાતમી મળી હતી કે હથિયાર વેચવા આવેલા બંને યુવકો 30 થી 35 વર્ષની વયના છે અને તે પૈકીનો એક અપંગ હોવાથી ઘોડી લઈને ચાલે છે. PCBની ટીમ જ્યારે આ બંનેને ઝડપવા કાર્યરત હતી ત્યારે આ નિશાનીને આધારે બંનેને સરળતાથી ઓળખી કાઢી તેઓની તલાશી લેતા બંને પાસેથી બે માઉઝર પિસ્તોલ મળી આવી.
Pcb ની ટીમે બંનેની પૂછપરછ કરતા તેઓ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં આવેલી લેબર કોલોનીના રહેવાસી હોવાનું જણાવ્યું, એક નું નામ સાદાબ ઉર્ફે શબ્બુ કુદ્દન પઠાણ, તથા મોહંમદ જાવેદ મુનનેખાન અબ્બાસી હોવાનું જણાવ્યું, તેઓ આ બંને પિસ્તોલ વડોદરા ના તાંદલજામાં રહેતા નાજીમ નાસિર અલી શેખ નામના ઈસમને આપવા આવ્યા હતા.
PCB એ નાજીમને પણ ઝડપી પાડી તેની પ્રાથમિક પૂછપરછ કરતા જણાવ્યું કે તે પણ મૂળ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદનો રહેવાસી છે અને એક માસથી જ તે તેના તાંદલજામાં રહેતા સસરા ને ત્યાં રહેવા આવ્યો હતો.
હથિયાર લઈને આવેલ બંને અને હથિયાર ખરીદનાર તો ઉત્તરપ્રદેશ ના ફિરોઝાબાદના વતની છે પરંતુ હથિયાર મોકલનાર પણ ફિરોઝબાદનો છે, ફિરોઝ ઉર્ફે શાલું ઉર્ફે રાસીદ સલીમ પઠાણ નામના શખ્સ પાસેથી આ માઉઝર પિસ્તોલ લઈ વડોદરા આવ્યા હોવાનું બંને આરોપીઓ એ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : Vadodara: મેયર વિરુદ્ધ પત્રિકા ફરતી કરનાર આરોપીઓ જામીન મુક્ત, ભાજપના કાર્યકર આરોપીને કરાયો સસ્પેન્ડ
PCBના ઇન્ચાર્જ પીઆઈએસ ડી રાતડાએ જણાયું કે નાજીમે હથિયાર ક્યાં ઈરાદાથી મંગાવ્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.હથિયાર ની લે વેચ કરનારી ગેંગ સાથે સંકળાયેલો છે કે વડોદરામાં કોઈ ઘટનાને અંજામ આપવા આ પિસ્તોલ મંગાવી છે કે કોઈને વેચવા મંગાવી છે તે તમામ મુદ્દે ત્રણેય આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ચારેય આરોપીઓ સામે આર્મ્સ એક્ટ. મુજબ ગૂનો નોંધી ચારેય અંગે ની વધુ વિગતો ઉત્તરપ્રદેશ પોલીસ પાસે માંગવામાં આવી છે. ચારેય પાસેથી વધુ વિગતો મેળવ્યા બાદ તેઓના ઇરાદાઓ સ્પષ્ટ થશે.
વડોદરા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:58 pm, Sun, 23 July 23